અયોધ્યા : વસિષ્ઠાશ્રમ
સાત મોક્ષદાયિની નગરીઓ પૈકીની એક અયોધ્યા,ઇક્ષ્વાકુ
વંશની રાજધાની હતી. વાલ્મીકિ રામાયણે તેને બહોળી પ્રસિધ્ધિ આપી. શ્રીરામના
જન્મસ્થાન અને કર્મભૂમિ તરીકે આજે પણ તેનું મહત્વ અકબંધ છે. મહર્ષિ વાલ્મીકિએ આ
સમૃદ્ધ અને સંસ્કારી નગરી વિશે લખ્યું છે
કે ત્યાં કોઇ અભણ, અજ્ઞાની, અસમર્થ કે
અ-વિદ્ધાન વ્યક્તિ નહોતી. બીજા શબ્દોમાં કહીએ તો અયોધ્યાની પ્રજા અને રાજપુત્રોના
શિક્ષણની સુંદર વ્યવસ્થા હતી. આથી જ કદાચ શ્રી પરાડકર તેને પણ પ્રાચીન
વિદ્યાપીઠોની શ્રેણીમાં મૂકે છે. કોઇ એક જ સત્તાધિકરણ હેઠળ,
પૂર્વ નિર્ધારિત એક જ અભ્યાસ્ક્રમ ધરાવતી મધ્યસ્થ સંસ્થા ત્યાં નહોતી. પરંતુ ૧૨
X ૩ યોજનના વિશાળ વિસ્તારમાં પથરાયેલી નગરીમાં અનેક ગુરૂકુળો હતાં.
ડૉ.આલ્તેકર પણ નોંધે છે કે પ્રાચીન આશ્રમો કે ગુરૂકુળો વનમાં જ હતા એવું નથી, નગરમાં એકાંત ઉપવનોમાં પણ શિક્ષણ પ્રવૃતિ હતી. તે ઉપરાંત રઘુવંશના કુલગુરૂ
મહર્ષિ વશિષ્ઠનો વિશાળ આશ્રમ પણ નજીકમાં હતો. આ દ્દ્ષ્ટિએ આખું અયોધ્યા નગર એક
યુનિવર્સિટી જેવું હતું. શ્રી પરાડકર તેનો સમય ઇ.સ. પૂર્વે ૬૦૦ ગણે છે.
શિક્ષણપદ્ધતિનો
પાયો, તે વખતે પ્રચલિત, આશ્રમ કે ગુરૂકુલ
પદ્ધતિમાં હતો. ગુરૂકુલ એટલે નિવાસી શાળા, કુટુંબજીવનમાં પ્રલોભનો કે અભ્યાસ પ્રવૃતિને મંદ કરતી ત્રુટિઓનું તેમાં
નિરાકરણ હતું. દંડકારણ્યનો વિસ્તાર ( કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેનો પ્રદેશ ) ત્યારે
આવા આશ્રમોથી ભરપૂર હતો. આ આશ્રમો વિવિધ વિદ્યાશાખાઓ કે દર્શનોના કેન્દ્રો હતાં.
શિક્ષણ પદ્ધતિમાં શાસ્ત્ર અને વ્યવહાર બંને નો સમાવેશ થતો હતો વાલ્મીકી રામાયણ ના બાલકાંડમાં ૫૧ માં
સર્ગમાં વસિષ્ઠાશ્રમની ભવ્યતાનું વર્ણન મળે છે. વૃક્ષો, લતાઓ,ફૂલછોડ, ચારે તરફ પથરાયેલી હરિયાળી, ઝરણાંઅને પક્ષીઓના કલરવથી મનને આનંદિત કરતો આશ્રમ અનેક વિદ્ધાનોનું મિલન
સ્થળ હતો.આશ્રમમાં અનેક ગુરૂઓ હતાં. મહર્ષિ વસિષ્ઠ પોતે રાજ્યશાસ્ત્ર અને
નીતિશાસ્ત્રના નિષ્ણાત ગણાયછે. આશ્રમ સ્વાવલંબી હતો. જરૂરી અનાજ પણ ત્યાંજ
પકવવામાં આવતું. વિશાળ ગોધન હતું. ત્યાં રાજપુત્રો અને સામાન્ય નાગરિકોના સંતાનોને
એકસાથે, કોઇ ભેદભાવ વિના શિક્ષણ અપાતું. એ તમામની દિનચર્યા
અને રહેણી કરણી સમાન રહેતી. શ્રમનું મહત્વ હતું. રાજપુત્રો માટે જરૂરી શાસન અંગેના
જ્ઞાન ઉપરાંત આજીવીકા માટે જરૂરી વ્યવસાય,ઉદ્યોગ, કલાકારીગરી
વગેરેનું શિક્ષણ અપાતું હતું. આ દ્દ્ષ્ટિએ શિક્ષણ સર્વાંગી અને સાર્વત્રિક
હતું. સ્ત્રીઓને પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળતું હતું . શ્રી એમ.ડી. પરાડકરે જૈન
આચાર્ય હેમચંદ્રસૂરિના ગ્રંથ ‘ ત્રિષષ્ઠીશલાકાપુરૂષ ચરિત ‘ ના આધારેશ્રી રામના પ્રસિદ્ધ
પૂર્વજ સગરના શિક્ષણનો ઉલ્લેખ કર્યો છે.
વ્યાકરણ, અઢાર પુરાણ, કાવ્ય, અલંકારશાસ્ત્ર,ધર્મના તત્વો,
રાજ્યશાસનને લગતા ચાર શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અષ્ટાંગ આર્યુવેદ, ગીત-સંગીત, નૃત્ય વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું
હતું. આ ગ્રંથના આધારે જ શ્રી પરાડકરે નોંધ્યું છે કે સ્ત્રીઓને ૬૪ વિદ્યાઓ અને પુરૂષોને ૭૨ વિદ્યાઓ શીખવાતી. એની યાદી પણ તેમાં આપી છે.
વાલ્મીકિ રામાયણ, આનંદ રામાયણ,
મનુસ્મૃતિ વગેરેના સંદર્ભો ટાંકીને પં. શ્રીપાદ દામોદર સાતવલેકર કહે છે કે દશરથ
રાજાના ચાર પુત્રોનો ઉપનયન –સંસ્કાર છઠ્ઠા વર્ષે થયો હતો અને તેમણે ગુરૂકુલમાં નવ
વર્ષ શિક્ષણ લીધુ હતું. વિશ્વામિત્ર રામ-લક્ષમણને યજ્ઞરક્ષા નિમિત્તે લઇ ગયા
ત્યારે કુમારોની ઉંમર ૧૫ વર્ષની હતી. શિક્ષણ પૂરું કરીને તાજેતરમાં જ ઘરે આવ્યા હતા.
શ્રી સંતોષકુમાર દાસ નોંધે છે કે મહાકાવ્યોના વર્ણન મુજબ રાજકુમારોને ધનુર્વેદ, હસ્તીવિદ્યા, અશ્વવિદ્યા,
રથ-ચાલન, શારીરિક શિક્ષણ ઊંચી અને લાંબી કૂદ ઉપરાંતવેદ, વેદાંગ, નીતિશાસ્ત્ર,
અર્થવિભાગ, વાર્તા અર્થાત્ વ્યાવસાયિક તાલીમ,ગીત-સંગીત, કાવ્ય, લેખન અને
ચિત્રકળાજેવા વિષયો ભણાવવામાં આવતા. શ્રી રામના શિક્ષણ બાબત બાલકાંડ, અયોધ્યાકાંડ,યુદ્ધકાંડ વગેરેનાં સંદર્ભો ટાંકીને શ્રી સંતોષકુમાર દાસ કહે છે કે શ્રી
રામ અશ્વવિદ્યા, ગજવિદ્યા,ધનુર્વિદ્યા,રથવિદ્યા,વેદ-વેદાંગ, અનેક
શસ્ત્રો,તમામ પ્રકારના અસ્ત્રો (મિસાઇલની જેમ ફેંકવાના હથિયાર) કાવ્ય શાસ્ત્ર, તત્વ
જ્ઞાન, અર્થવિભાગ, નીતિશાસ્ત્ર, દંડશાસ્ત્ર,વગેરેનો અભ્યાસ કર્યો હતો. તેઓ યુદ્ધનીતિ અને વ્યુહમાં પણ કુશળ હતા. સતત
યુદ્ધાભ્યાસ કરતા રહેતા. અભ્યાસનો એક વિષય ધર્મશાસ્ત્ર પણ
હતો. અને તેમાં વિવિધ પ્રકારના સામાજિક
અને ધાર્મિક કાનૂનોનો સમાવેશ થતો હતો.વિશ્વામિત્રના સૂચનથી વસિષ્ઠે તેમને
યોગવાસિષ્ઠ પણ ઉપદેશ્યુ હતું. વિશ્વામિત્ર ઋષિએ પણ રામ-લક્ષમણને ૫૫
જેટલા શસ્ત્રાસ્ત્રોનું જ્ઞાન
આપ્યું હતું. પં. સાતવલેકર કહે છે કે એમાંના ઘણા અસ્ત્રો જયા અને સુપ્રભા
નામની કૃષાશ્વ ઋષિની પત્નિઓએ બનાવેલાં હતાં.
તેથી જ તેમને આ અસ્ત્રોની માતાઓ કહેવાઇ
છે. રામ-વનવાસ વખતે રાજ્યધુરા કોણ સંભાળે એવો પ્રશ્ન થયો ત્યારે વસિષ્ઠે કહેલું : ‘ सीता पालयिष्यति मेदिनीम् ‘ અર્થાત્
સીતા રાજ કરશે.આ સૂચવે છે કે સ્ત્રીઓને પણ
ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળતું. વાલ્મીકિ રામાયણની શબરી મહાયોગિની છે,તપસ્વિની
છે. વાલિની પત્ની
તારા કે રાવણ પત્ની મંદોદરીનાં વાલ્મિકીવર્ણિત ચરિત્રો પણ આ જ સૂચવે છે.
એ સમયે શિક્ષણ સાર્વત્રિક હતું,સર્વાંગીણ હતું.
No comments:
Post a Comment