Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts
Showing posts with label વ્યક્તિ વિશેષ. Show all posts

Friday, 26 June 2015

કવિ કલાપી

કવિ કલાપી

             જીવનમાં અને કવનમાં આવા રાજા, કવિ અને ઋજુ હ્રદયના સ્નેહીજનનો યોગ તો ક્વચિત જ થાય. કવિ અને પ્રેમ યોગી તરીકે કલાપી અને પ્રજા વત્સલ રાજા તરીકે સુરસિંહજી ગોહિલ ગુજરાતના લોકહ્રદયમાં ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં આવેલા લાઠી ગામના આ રાજવી પ્રભાતના શુક્રતારકની જેમ, અલ્પ આયુષ્ય ભોગવીને ભરયુવાનીમાં જ વિદેહ થયા.
      લાઠીના ગોહિલવંશ રાજકુટુંબમાં ૨૬-૦૧-૧૮૭૪ ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું. નાનપણથી જ એમનામાં વૈરાગ્ય ભાવના પ્રબળ હતી. રાજ્ય વહીવટ અને રાજ ખટપટથી કંટાળો આવતો. આમ છતાં કુશળ રાજકર્તા થવા માટેનાં બધા પ્રયત્નો તેમણે  કર્યા હતા.
   કલાપીએ ૧૮ વર્ષની વયે લેખન પ્રવૃતિ શરૂ કરી હતી. કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, માયા અને મુદ્રિકા, હ્રદય ત્રિપુટી, ભરત વગેરે કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કલાપીના જીવન પર અસર કરનારા સ્નેહીઓમાં મણિલાલ નભુભાઇ , ગોવર્ધનરામ, કવિ કાંત, રૂપશંકર ઓઝા, દરબાર વાજસુરવાળા, કવિ ત્રિભુવન મુખ્ય હતા.

        કલાપીના કાવ્યોમાં તેમના જીવનનું પારદર્શક પ્રતિબિંબ પડે છે. શરૂઆતના કાવ્યો વિરહ, વ્યથા અને ઝંખનાની લાગણીઓથી ભરપૂર છે. જ્યારે શોભના સાથેના લગ્ન પછીના કાવ્યો તૃપ્તિ અને મસ્તીની ભરતીથી ઊછળતા મહાસાગર જેવાં છે. પ્રણયના પારિતોષમાંથી સર્જાયેલાં તેમનાં કાવ્યો  વાચક ભાવને મુગ્ધ કરતાં રહ્યાં. માત્ર આઠ જ વર્ષના કવનકાળમાં તેમાના હાથે મૂલ્યવાન સાહિત્યનું સર્જન થયું. પ્રગાઢ પ્રણય અને વૈરાગ્ય વૃતિનો આ અમર તારલો તા. ૧૦-૦૬-૧૯૦૦ ના રોજ અચાનક બ્રહ્મલીન થઇ ગયો. 

Wednesday, 18 March 2015

ભગવતસિંહજી

ભગવતસિંહજી

                   પોતાને રાજા નહીં પણ પ્રાજાના ટ્રસ્ટી સમજનાર નોખી માટીના મહામાનવ ભગવતસિંહજીનો જન્મ તા. ૨૪.૧૦.૧૮૬૫ ના રોજ ધોરાજી ખાતે થયો હતો.તેમણે રાજકુમાર કૉલેજમાં અંગ્રેજી કેળવણી લીધી.પછી તેમણે  ઘણી ડિગ્રીઓ પરદેશમાં મેળવી હતી. પિતાના અવસાન પછી ગોંડલના રાજવી બન્યા. તેમણે એવી દીર્ઘદ્રષ્ટિથી રાજ્ય ચલાવ્યું કે ગોંડલ રાજ્યનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને પોતે પ્રજા પ્રિય થયા હતા. તેમણે રાજ્યમાં દરેક ગામે દરવાજો અને શાળાઓ બનાવી હતી. ધોળાથી ધોરાજી સુધીની રેલવે લાઇન તેમના સમયમાં ખુલ્લી મુકાઇ હતી. રાજ્યના એક એક પૈસાની તેમને કિંમત હતી. બિહારમાં થયેલ ધરતી કંપ વખતે ભગવતસિંહજીએ એક લાખ રૂપિયાનો ફાળો આપ્યો હતો. તેમને સૌથી વધુ કિર્તી અપાવનાર તેમણે તૈયાર કરેલ ભગવત્ ગોમંડલનામનો મહાન શબ્દ કોષ છે. ૧૬ વર્ષની મહેનતના અંતે  ૨૫ મી ઑગસ્ટ ૧૯૪ ના રોજ ૯૦૨ પાનાનો દળદાર પ્રથમ ભાગ પ્રસિધ્ધ થયેલો. કુલ નવ ભાગમાં બનેલા આ કોષમાં ૨,૮૧,૩૭૭ શબ્દો અને ૯૨૭૦ જેટલાં પાનાં છે. જ્યાં જરૂર જણાય ત્યાં સચિત્ર વર્ણન કરવામાં આવ્યું છે. આ શબ્દકોષની ગાંધીજીએ ખૂબ પ્રશંસા કરી જણાવેલું કે : આ ગ્રંથની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાની ઉત્તમ સેવા કરી હતી. આને કારણે માત્ર ગોંડલ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી તેમના ઋણી રહેશે.

Monday, 23 June 2014

વરાહમિહિર

            લગભગ બે હજાર વર્ષ પહેલાં આચાર્ય વરાહ મિહિર ભારતના મધ્યપ્રદેશના ઉજજૈનની પાસે રહેતા હતા. રાજા વિક્રમાદિત્યની સભાના નવ રત્નોમાંના તેઓ એક હતા. વરાહમિહિર નામમાં બે નામોનો સમાવેશ થાય છે. વરાહ એટલે વિષ્ણુ અને મિહિર એટલે સૂર્ય. આમાં વરાહ તો વિક્રમાદિત્ય રાજાએ પાછળથી આપેલું બિરુદ હતું. વરાહ મિહિરે રાજકુમારના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે એણે આ ભવિષ્યવાણી કરી હતી કે રાજકુમારનું મૃત્યુ અઢારમા વર્ષે થશે. અને તે ભવિષ્યવાણી સાચી ઠરી. વિક્રમાદિત્ય દુ:ખી હતા પરંતુ એક વાતનું ગર્વ હતું કે આવા વિદ્વાનો પણ તેમના રાજમાં છે. પંડિત મિહિરના આવા જ્ઞાનના કારણે વિક્રમાદિત્યે એમને વરાહ નું બિરુદ આપ્યું હતું.
           ભારતના જ્યોતિષ, ખગોળ, ગણિત, ધાતુશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિજ્ઞાનોને ક્ષેત્રે વરાહમિહિરનો ફાળો ઘણો મોટો છે. છતાં એમના જીવન વિષે પણ કેટલીક દંત કથાઓ મળે છે. વરાહ મિહિર ઉજ્જૈન નજીકના કપિથ્થ નામે ગામે જનમ્યા હતા. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા વરાહ મિહિરનું જન્મનું વર્ષ ઇ.સ. ૪૯૯ માનવામાં આવે છે. એમના પિતાનું નામ આદિત્યદાસ હતું. એમના પિતા આદિત્યદાસ સૂર્ય ભગવાનના ભક્ત હતા. એમણે મિહિરને જ્યોતિષ વિદ્યા શીખવાડી.
       એમના કુટુંબમાં વંશપરંપરાથી જ્યોતિષ અંને  ખગોળનું જ્ઞાન ઊતરતું આવ્યું હતું. કુસુમપુર (પટના) જઈ  નાલંદાની મુલાકાત વેળાએ યુવાન મિહિર મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ દર્શન થયા. અહીંના વિદ્વાનોમાં આર્યભટ્ટને નાની ઉંમરમાં સ્થાન મળ્યું હતું. એમની સાથે વાતો કરવાનો લાભ મળ્યો. એમની પાસેથી એમને એટલી બધી પ્રેરણા મળી કે એમણે જ્યોતિષ વિદ્યા અને ખગોળના જ્ઞાનને જ પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું.
        મિહિરે વિદ્યા પ્રાપ્ત કરવા ઉજ્જૈન જૈ વસવાનું નક્કી કર્યું. ઉજ્જૈન જ્ઞાન-વિદ્યાની બાબતમાં મહત્વનું હતું. છેલ્લા હજારેક વર્ષોથી દૂરદૂરથી આવતી નવી પ્રજાઓ અને એમની વિદ્યાઓનું મિલન કેન્દ્ર બની ગયું હતું. ગ્રીકો, શક, કુષાણ, યુએચી વગેરે જે કોઇ વિદેશી પ્રજા ભારતમાં આવી તે બધાનાં રાજકીય કેન્દ્રમાં ઉજ્જૈન મહત્વનું હતું. ત્યારબાદ વરાહમિહિરે ગ્રીસમાં જઇ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આમ ખૂબ વાંચી વિચારીને અને પ્રવાસ દ્વારા જ્ઞાન મેળવીને કેટલાક સિદ્ધાંતો તારવીને વરાહ મિહિરે કેટલાક ગ્રંથો રચ્યા. વરાહમિહિરે ખગોળ અને જ્યોતિષનાં પાંચ શાસ્ત્રો વિષે  એક વિરાટ ગ્રંથ પંચસિદ્ધાન્તિકા નામે તૈયાર કર્યો. એમાં સૌ પ્રથમ તેમણે રોમક સિદ્ધાંતની ચર્ચા કરી. આ રોમક સિંદ્ધાંત એટલે રોમનોનું વિજ્ઞાન. પંચસિદ્ધાંતિકા એમનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથ પાંચ સિદ્ધાંતોનો સમંવય કરે છે. રોમક, પૌલીશ, પૈતામહ, વસિષ્ઠ અને સૂર્ય.
     પૈતામહ સિદ્ધાંત આર્યોના બાપદાદાઓના વખત ના ખગોળના સિદ્ધાંતો જણાવે છે. વેદકાળના આર્યો આકાશી પદાર્થોને જોઇને શું વિચારતા હતા તે આ ભાગમાં જણાવાયું છે.રોમક સિદ્ધાંતમાં રોમન લોકોના ખગોળના સિદ્ધાંતોની ચર્ચા છે. તે આકાશી પદાર્થોની ગતિ કેવી રીતે ગણે છે અને એ પદાર્થો પૃથ્વી પરના લોકોને કેવી રીતે અસર કરે છે. તેવું બધું આ ભાગમાં છે.  પૌલીશ સિદ્ધાંતનું મૂળ રસપ્રદ છે. મહાન સિકંદરની યાદમાં સુએઝ નહેરના ભૂમધ્ય મહાસાગરવાળા છેડા પર વસેલા નગર એલેક્ઝાંડ્રિનસ માં પૌલશ નામનો એક ખગોળશાસ્ત્રી થઇ ગયો. એના જમાનામાં ખગોળ અને જ્યોતિષ અંગે જે કાંઇ શોધો-નોંધો કરી હતી તેનો સંગ્રહ આ ભાગમાં છે. વસિષ્ઠ અને સૂર્ય  સિદ્ધાંત પણ આ જ રીતે સિદ્ધાંતોનો ગ્રંથ છે. ભગવાન સૂર્યએ મય નામના અસુરને જે સિદ્ધાંતો જણાવ્યા એમનો આ સંગ્રહ સૂર્ય સિદ્ધાંતમાં છે. તે ઉપરાંત બૃહત્સંહિતા’, બૃહજ્જાતક વગેરે ગ્રંથો પણ એમણે રચેલા છે. એ બધાને પ્રતાપે તેઓ ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં અમર બની ગયા.
            આર્યભટ્ટની જેમ તેઓ પણ માનતા હતા કે પૃથ્વી ગોળ છે. અને ગુરૂત્વાકર્ષણ બળની કલ્પના પણ સૌ પ્રથમ કરનાર વરાહ મિહિર જ હતા. આ સાથે તેમણે પૃથ્વીની પોતાનીધરી પર ફરવાની ગતિનો વિરોધ કરતી કલ્પના પણ કરી હતી. એમણે પોતાના ગ્રંથોમાં પોતાના ગ્રંથોમાં પર્યાવરણ, જળશાસ્ત્ર, ભૂમિશાસ્ત્ર, ધાતુ શાસ્ત્ર અને રત્ન્શાસ્ત્ર વિશે પણ ઘણી મત્વની વૈજ્ઞાનિક વાતો લખી છે. વરાહમિહિરે પર્યાવરણ વિજ્ઞાન (ઈકોલોજી), પાણી વિજ્ઞાન (હાઈડ્રોલોજી), ભૂવિજ્ઞાન (જિઓલોજી) વિશે કેટલીક મહત્ત્વની ટિપ્પણીઓ કરી. એમણે ઘણું બધું લખ્યું હતું. સંસ્કૃત વ્યાકરણમાં નિષ્ણાત અને છંદના જ્ઞાન પરના કાબૂના કારણે એમણે પોતાને એક અનોખી શૈલીમાં વ્યક્ત કર્યા હતા. એમના વિશાળ જ્ઞાન અને સરસ રજૂઆતને કારણે એમણે ખગોળ જેવા શુષ્ક વિષયને પણ ખૂબ જ રોચક બનાવી દીધો છે. જેથી એમને ખૂબ જ નામના મળી. એમનું પુસ્તક પંચ સિદ્ધાંતિકા’ (પાંચ સિદ્ધાંત), ‘બૃહત્સંહિતા’, બૃહદ્ જાતક’ (જ્યોતિષ) એ એમને ફળ જ્યોતિષમાં એ સ્થાન અપાવ્યું, જે રાજનીતિ દર્શનમાં કૌટિલ્યનું વ્યાકરણમાં પાણિનિનું અને કાયદામાં મનુનું છે. વરાહમિહિરનો જલાર્ગલ અધ્યાયભૂગર્ભ જળ સંશોધનની ચાવી છે. આજે ઘણાં વરાહમિહિર કેન્દ્રો ચાલે છે. તે રીતે પશુ ચિકિત્સા અને કૃષિ ઉપયોગી સંશોધનો પણ તેમણે કર્યાં છે.
  એમનું અવસાન ઇ.સ. ૫૮૭ ની સાલમાં થયું.