Monday, 15 July 2013

ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ

ડૉ..પી.જે. અબ્દુલ કલામ
             દક્ષિણ ભારતના જાણીતી યાત્રાધામ રામેશ્વરના જાણીતા મંદિરથી થોડેક દૂર એક મસ્જિદ ગલી આવેલી છે. આ જ ગલીમાં અબ્દુલ કલામ નામનો એક ગરીબ માણસ રહેતો હતો. એ દરિયામાંથી છીપ, શંખ, મોતી વગેરે વીણીને એમને બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. અબ્દુલ કલામને પકીર ઝૈનુલાબુદ્દીન નામનો એક દીકરો હતો. જે એમના પિતાના કામમાં મદદ કરતો હતો.લગ્ન પછી પકીરનું કુંટુંબ વધવા લાગ્યું તો એણે માછલી પકડવાનો ધંધો શરૂ કર્યો.પકીરના મોટા દીકરાને ભણવામાં રસ નહોતો  એટલે એણે ગામમાં પાનની એક દુકાન શરૂ કરી.૧૪ મી ઑક્ટોબર ૧૯૩૧ ના દિવસે પકીર ઝૈનુલાબુદ્દીનને ત્યાં બીજા દીકરાનો જન્મ થયો. જેનું નામ એના દાદાએ અબ્દુલ પાડ્યું હતું. આ અબ્દુલ એટલે આપણા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ. એ ભાઇઓમાં સૌથી નાના હતા , એટલે લાડમાં થામ્બી કહેવાતા. અબ્દુલ કલામ કુંટુંબમાં ઉછરીને મોટા થવા લાગ્યા. પડોશમાં રહેતા લક્ષ્મણ શાસ્ત્રીના દીકરા રામનધા સાથે અબ્દુલ કલામને મિત્રતા હતી. બંને સાથે જ રમતા હતા. લક્ષ્મણ શાસ્ત્રી પણ અબ્દુલ કલામ પરિવારના સારા મિત્ર હતા.
              ભણવાની ઉંમરના થયા એટલે રામેશ્વરની જ સામીયાર શાળામાં એમને દાખલ કરવામાં આવ્યા. અહીં પ્રાથમિક ભણતર પૂરુ કર્યું.  અબ્દુલ ભણવામાં પહેલેથી જ હોંશિયાર હતા. અને પહેલો જ નંબર લાવતા. ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં તેમને વધારે રસ હતો. સ્કૂલમાંથી છુટી ઘરે આવીને તેઓ મોટાભાઇની પાનની દુકાને કામમાં મદદ કરવા જતા હતા.
              માધ્યમિક શિક્ષણ પૂરુ કર્યા બાદ તેઓ આગળ ભણવા માગતા હતા. પણ તેમના પિતાની એવી ઇચ્છા હતી કે અબ્દુલ કોઇ સ્કૂલમાં શિક્ષકની નોકરી મેળવી લે જેથી પરિવારને ટેકો થઇ જાય. જોકે, પરિવારના મિત્ર લક્ષ્મણ શાસ્ત્રીએ આ વાતનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે “ અબ્દુલ ભણવામાં હોંશિયાર છે. જો તમે ભણવાનો ખર્ચ ન આપી શકતા હોય તો હું પૈસા આપીશ.”આથી ત્રિચિનાપલ્લીની સેન્ટ જૉસેફ કૉલેજમાં અબ્દુલને ભણવા માટે મોકલવામાં આવ્યો.અબ્દુલ કલામ આગળ ભણવા માગતા હતા. પોતે ભૌતિક શાસ્ત્રના સ્નાતક થયા હતા. રામેશ્વરના પહેલા સ્નાતક. હવે એરોનોટિકલ એન્જિનિયરીંગ  ( ઉડ્ડ્યન શાસ્ત્ર ) ભણવા માગતા હતા. એ માટે નજીકમાં નજીકની કૉલેજ ચેન્નાઇ (મદ્રાસ ) માં આવેલી મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હતી. પણ એમાં પ્રવેશ મેળવવો મોંઘો હતો. એની પ્રવેશ ફી જ એક હજાર રૂપિયા હતી. પરિવાર પાસે એક જમાનામાં એવડી મોટી રકમ ન હતી. અબ્દુલ કલામને પોતાની ભણતરની નાવ ડૂબતી લાગી તે સમયે તેમના બહેન જોહરા મદદે આવ્યાં. એમણે પોતાની સોનાને બંગડીઓ અને સાંકળી (ચેઇન ) ગિરવે મૂકીને હજાર રૂપિયા મેળવ્યા.
              કૉલેજમાં ભણતા એક દિવસ અબ્દુલે એક બ્રિટિશ અખબારમાં યુદ્ધ વિષેનો એક લેખ વાંચ્યો. જેનું નામ હતું “સ્પ્રિટફાયર ! સ્પ્રિટ ફાયર દુનિયાનું પહેલું રૉકેટ હતું. જેને ટીપુ સુલતાને બનાવ્યું હતું. ઇ.સ. ૧૭૯૨ થી ૧૭૯૯ સુધીમાં અંગ્રેજો સામે થયેલા યુદ્ધ દરમિયાન ટીપુ સુલતાને આ રૉકેટનો ઉપયોગ કર્યો હતો. આ રોકેટની ડિઝાઇન પરથી જ અંગ્રેજોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિસાઇલ છોડનારા રોકેટ બનાવ્યા હતા. અબ્દુલ કલામને આ લેખ વાંચીને નવાઇ લાગી કે દુનિયાના પહેલા રોકેટની શોધ ભારતમાં થઇ હતી.એના મનમાં રોકેટ વિશે જાણવાની તાલાવેલી જાગી. ત્યાં જ એને કોઇકે કહ્યું કે રામાયણ અને મહાભારતના યુદ્ધમાં પણ આવા અગ્નિ શસ્ત્રો વપરાયા હતા. અબ્દુલે આ ગ્રંથોના અભ્યાસ કરી એમાં આવતા અગ્નિશાસ્ત્રો વિશે જાણકારી મેળવી. અબ્દુલકલામે ત્યારે જ મનોમન નક્કી કરી લીધું હતું કે એ રોકેટ વિજ્ઞાનમાં સંશોધન કરવાનું કામ કરશે.  
                ગ્રેજ્યુએટ થયા પછી અબ્દુલકલામે મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજીમાં એરોનોટિકલ એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન મેળવા લીધું. ઘરના બધા એના આગળ ભણવાના વિચારથી ખુશ નહોતા.પણ અબ્દુલકલામના દાદાજીએ એને આગળ ભણવાની મંજૂરી આપી દીધી.ભણવાનો ખર્ચ પૂરો કરવા માટે ઘરના ઉપર બોજ નાખવાને બદલે અબ્દુલ કલામે ટ્યુશન કરવાનું શરૂ કર્યું. એણે છાપામાં લેખ લખવાના શરૂ કર્યાં. અબ્દુલકલા મના આ લેખ ખૂબ જ લોકપ્રિય થયા. અબ્દુલ કલામે એરોનોટિકલ એંજિનિયરિંગની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી. એ વખતે આ પરીક્ષા પાસ કરનારને વિદેશમાં સારી નોકરી મળતી હતી. પણ અબ્દુલ કલામે તો દેશમાં જ રહીને દેશ માટે કામ કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું.
               ૧૯૫૮માં અબ્દુલકલામે હૈદરાબાદની ડિફેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થામાં નોકરી મેળવી લીધી. ૧૯૬૨માં ચીનના હુમલા પછી આ સંસ્થાને અવનવા શસ્ત્રો વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે એની જવાબદારી અબ્દુલ કલામના માથે જ આવી પડી હતી.
               અબ્દુલ કલામે  આ જવાબદારી ખૂબ જ ખંતથી નિભાવી. ૧૯૬૩માં એ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં જોડાયા. અહીં એમને કૃત્રિમ ઉપગ્રહ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અબ્દુલ કલામે અહીં વિક્રમ સારાભાઇ સાથે કામ કર્યુ હતું. એ વખતે રોકેટ બનાવવા માટેની સામગ્રી વિદેશથી મંગાવવામાં આવતી, જે ખૂબ જ મોંઘી પડતી હતી. ડૉ. વિક્રમ સારાભાઇની એવી ઇચ્છા હતી કે રોકેટ બનાવવા માટેની બધી વસ્તુઓ ઘરઆંગણે જ બનાવવામાં આવે. અબ્દુલ કલામે અમદાવાદની ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીના સહકારથી ડૉ. વિક્રમ સારાભાઇનું  આ સપનું સાકાર કરી બતાવ્યું હતું.
         ૧૯૮૩માં ઇન્દિરા ગાંધીએ સ્વદેશી મિસાઇલ બનાવવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો ત્યારે જાણીતા વૈજ્ઞાનિક ડૉ. રાજા રામન્નાને એની જવાબદારી સોંપી હતી. રાજા રામાન્નાએ આ કામમાં અબ્દુલ કલામને પોતાની સાથે કરી લીધા હતા. અબ્દુલ કલામને હૈદરાબાદની ફિન્સરિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના અધ્યક્ષ બનાવાયા.એ વખતે રોકેટના ઉડ્ડ્યન માટે જરૂરી ક્રાયોજેનિક એન્જિન અમેરિકા અથવા તો રશિયા પાસેથી મંગાવવું પડતુ હતું. અમેરિકાએ ભારતની વધતી જતી તાકાત અટકાવવા માટે ભારતને ક્રાયોજેનિક એન્જિન  આપવાની ના પાડી દીધી. જ્યારે રશિયાએ ખૂબ જ આકરી શરતો મૂકી. એ જ વખતે અબ્દુલ કલામે નક્કી કરી લીધું કે ઘરાઆંગણે ક્રાયોજેનિક એન્જિન  બનાવીને બતાવશે !     
           સ્વદેશી મિસાઇલ બનાવવા માટે અબ્દુલ કલામે ૨૪ લેબોરેટરી , ૧૦ સૈક્ષણિક સંસ્થાઓ, ૭ રિસર્ચ લેબોરેટરી અને ૪૨ કંપનીઓની મદદ લીધી. ડૉ. અબ્દુલકલામ રોજના ૧૭-૧૮ કલાક કામ કરતા. એ જ્યાં જતા સહુને કહેતા, મને આટલી વસ્તુઓની જરૂર છે. શું તમે મને આમાં મદદ કરી શકો છો ?’ અબ્દુલ કલામ અને એમના વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી.એ સમય આવી ગયો જ્યારે અગ્નિ મિસાઇલનું પહેલું ટેસ્ટીંગ થવાનું હતું. બધાની ખુશીનો પાર નહોતો. પણ અગ્નિ મિસાઇલ ઊડયું પણ ૫૬૦ કિલોમીટર ઊંચે જઇને દરયામાં તૂટી પડ્યું.બધા નિરાશ થઇ ગયા. પણ અબ્દુલ કલામે બધાને હિંમત આપી અને કહ્યું, સફળતાની જેમ નિષ્ફળતાનો સામનો કરતા શીખો. આપણી મહેનતમાં કોઇક ખામી રહી ગઇ હશે. વાંધો નહિ. આપણે બીજી વાર કોશિશ કરીશું.    
         અબ્દુલકલામની આ વાત સાંભળીને બધા વૈજ્ઞાનિકો હોંશે-હોંશે મહેનત કરવા લાગ્યા. પણ એમની નિષ્ફળતા ઉપર દેશવિદેશના અખબારો તૂટી પડ્યા. દિલ્હીના એક અખબારે એવું કાર્ટુન છાપ્યું જેમાં એક ગ્રાહક દુકાનદારને ફટાકડા પાછા આપતા કહી રહ્યો છે કે, આ પાછું લઇ લો, કારણે કે એ અગ્નિની જેમ હવાઇ ગયું છે ! અબ્દુલ કલામ સહિત બાજા ૬૦૦ વૈજ્ઞાનિકોએ અપમાનનો આ  ઘૂંટડો ગળી જઇ મહેનત કરવાની શરૂ કરી દીધી. થોડા દિવસો પછી ફરીવાર અગ્નિનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું પણ આ વખતે મિસાઇલ ઊડી જ  ન શકી ! આ જોઇ ડૉ. અબ્દુલકલામે કહ્યું, ફિકર ન કરો ! આપણે લોન્ચિગ પેડ સુધી પહોંચી ગયા છીએ ! બસ ! મિસાઇલ ઊડે એટલી જ વાર છે. ફરી એકવાર બધા મહેનત કરવા લાગ્યા. બધાની મહેનત રંગ લાવી અને અગ્નિ મિસાઇલે આકાશમાં હરણ ફાળ ભરી આખીય દુનિયાને નવાઇમાં મૂકી દીધી. અગ્નિ ઉપરાંત ત્રિશૂલ, પૃથ્વી, આકાશ અને નાગ એમ ચાર મિસાઇલો બનાવવામાં આવી. મિસાઇલોની  આ શોધથી ભારત એક શક્તિશાળી દેશ બની ગયો.
        આ પછી અબ્દુલકલામની મદદથી ભારતે રોહિણી નામનો સંપૂર્ણ સ્વદેશી ઉપગ્રહ આકાશમાં તરતો મૂક્યો. ૧૯૯૮ માં અબ્દુલ કલામની મદદથી જ ભારતે ઘરઆંગણે અણુ ધડાકો કરી શક્તિશાળી અણુરાષ્ટ્ર બની બતાવ્યું. અબ્દુલ કલામ અને એમના સાથીદારો છેલ્લા એક વર્ષથી એકદમ ગુપ્ત રીતે આ કાર્યક્રમ પર મહેનત કરી રહ્યા હતા. ડૉ, અબ્દુલ કલામને આ પછી વડાપ્રધાન અટલબિહારી બાજપાઇના વૈજ્ઞાનિક સલાહકાર બનાવવામાં આવ્યા.ત્યારબાદ થોડા સમય પછી તેમણે આ પદેથી રાજીનામું આપી દીધું.
          અબ્દુલ કલામે ફક્ત મિસાઇલ અને અનૂબૉમ્બ જ નથી બનાવ્યા. બીજી અનેક વસ્તુઓ બનાવી છે. એમણે પોલિયોના દર્દીઓ માટે ઓચા વજના સળિયા ( કેલિપર્સ ) બનાવી શકાય તેવા પદાર્થની શોધ કરી. જેને પહેરીને અપંગ લોકો સહેલાઇથી હરી-ફરી શકે. એમણે અનુરાગનામનું એક કૉમ્પ્યુટર બનાવ્યું. જેના વડે ગાંઠનું ઑપરેશન સહેલાઇથી કરી શકાય છે. અબ્દુલ કલામે હ્રદયરોગના ઇલાજ માટે અનેક સાધનો શોધ્યા છે. એમને ટાઇટેનિયમ નામની ધાતુ માંથી નકલી દાંત બનાવ્યા છે. જે ખૂબ સફળ રહ્યા છે. આ ધાતુની પ્લેટો (દિવ્ય નામની) હાડકાં જોડવાના કામમાંઆવે છે. આ સિવાય અબ્દુલ કલામ આંખની સર્જરી અને ગર્ભાશય અને સ્તનના કૅન્સર પર સંશોધન કરી રહ્યા છે.  
           નવાઇની વાત એ છે કે અખી દુનિયા જેમને ડૉક્ટર તરીકે ઓળખાવે છે એ ડૉક્ટર અબ્દુલ કલામ પાસે ડૉક્ટરની ડિગ્રી જ નથી.પણ દેશની ઘણી યુનિવર્સિટીઓએ એમને માનદ્ ડૉક્ટરની ડિગ્રી આપી છે.  ૧૯૮૧ માં પદ્મવિભૂષણ,૧૯૯૦ માં પદ્મવિભૂષણ અને ૧૯૯૭ માં ભારત રત્ન મેળવનાર ડૉ.કલામ એવા રાષ્ટ્રપતિ છે કે જે ભારતરત્ન નું બિરુદ મેળવ્યા પછી રાષ્ટ્રપતિ બન્યા છે. અબ્દુલ કલામને કોઇએ પૂછ્યું કે, “વિજ્ઞાનના સમીકરણોની જેમ રાજનીતિના સમીકરણો ઉકેલી શકશો? “ અબ્દુલ કલામે જવાબ આપતાં કહ્યું,” મને સમય આપો,હું થોડા સમયમાં રાજનીતિ શીખીને રાજનીતિના સમીકરણો ઉકેલી બતાવીશ.”
             અબ્દુલ કલામનો માનીતો રંગ બ્લૂ અને સફેદ છે. અબ્દુલ કલામ પોતાનું કામ જાતે કરે છે. અબ્દુલ કલામ શાકાહારી છે.  અબ્દુલ કલામ ગીતાનું નિયમિત વાંચન કરે છે. ફુરસદના સમયે વીણા વગાડે છે અને સારી કવિતાઓ પણ લખી જાણે છે. એમણે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી. ગમે એટલું કામ હોય, દેશ હોય કે વિદેશ હોય અબ્દુલ કલામ ડાયરી લખવાનું ચૂકતા નથી. એમણે અત્યાર સુધી જીવનમાં બે જ રજા લીધી છે. એક તો એમના પિતા પકીર ઝૈનુલાબુદ્દીનનું  ૧૦૨ વર્ષની ઉંમરે અવસાન થયું ત્યારે અને બીજી એમની માતા અશીમ્માનું ૯૭ વર્ષની વયે અવસાન થયું ત્યારે!
        અબ્દુલ કલામ પોતાની સાથે કામ કરતા નાનામાં નાના માણસનું પણ પૂરું  ધ્યાન રાખે છે. ૧૯૯૭ માં ભારત રત્ન મળ્યા પછી એમણે પોતાના અધિકારીઓને ખાસ તાકીદ કરી કે પોતાને એરપોર્ટ પર લેવા આવે ત્યારે ફૂલોનો હાર લઇને ન આવે.અબ્દુલ કલામ જૂની એમ્બેસેડર કારનો જ ઉપયોગ કરે  છે. અબ્દુલકલામ ભારતના પહેલા કુંવારા રાષ્ટ્રપતિ છે એક વાર અબ્દુલ કલામને લોકોએ પૂછ્યું કે તમે લગ્ન કેમ નથી કર્યા?’ તો તેમણે હસતાં-હસતાં જવાબ આપ્યો કે,મારા લગ્ન વિજ્ઞાન સાથે થઇ ચુક્યા છે.




   

No comments: