Thursday, 11 July 2013

સી.આર.રાવ

સી.આર.રાવ
           વહીવટીતંત્રમાં ગણિત અને આંકડાશાસ્ત્ર પણ મહત્વના અને ઉપયોગી ક્ષેત્રો છે.ભારતમાં આંકડાશાસ્ત્ર ક્ષેત્રે અનેક વિજ્ઞાનીઓએ મહત્વના યોગદાન આપ્યા છે. તેમાં સી.આર.રાવ આગલી હરોળના છે.
         સી.આર.રાવનું  પૂરું નામ કલ્યામપુડી રાધાક્રિષ્ણ રાવ હતું. તેમનો જન્મ કર્ણાટકના હડગલ્લ ખાતે ૧૯૨૦ ના સપ્ટેમ્બરની ૧૦ મી તારીખે થયો હતો. તેમના પિતાના દસ સંતાનોમાં તેઓ આઠમા હતા. તેમના પિતા નિવૃત થયા પછી તેમનો પરિવાર આંધ્રપ્રદેશના વિશાખા પટ્ટનમમાં આવીને વસેલા. રાવને બાળપણથી જ ગણિતમાં રસ હતો. માધ્યમિક શિક્ષણ પૂરું કરીને તેઓ વિશાખાપટ્ટનમની કૉલેજમાં જોડાયા અને ૧૯૪૦ માં પ્રથમ નંબરે ઉતીર્ણ થઇ એમ.. થયા. તેમણે ગણિતશાસ્ત્રમાં સંશોધન કરવાનું નક્કી કર્યું પરંતુ સ્કોલરશીપ મળી શકી નહીં. એટલે તેઓ નોકરીની શોધમાં કલકત્તા ગયા. તેમને નોકરી તો મળી નહીં પણ કલકતાની પ્રેસીડેન્સી કૉલેજમાં ચાલતી ભારતીય આંકડાશાસ્ત્રની તાલીમ સંસ્થાની મુલાકાત લેવાની તક મળી. તેમણે ત્યાં જ નિર્ણય લઇને તાલીમ સંસ્થામાં દાખલ થઇ ગયા. ત્યાર બાદ તેઓ કલકત્તા યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગમાં જોડાયા અને સુવર્ણ ચંદ્રક મેળવી સફળતા પ્રાપ્ત કરી. આ સમય દરમિયાન તેમણે ઘણા સંશોધન પેપર પ્રસિધ્ધ કર્યા.  

  ૧૯૪૬ માં તેઓને કેમ્બ્રીજ યુનિવર્સિટી ખાતે એક પ્રોજેક્ટમાં નિમણૂંક મળી.અહીં તેમણે વિખ્યાત આંકડાશાસ્ત્રી આર..ફીશરના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. ની ડિગ્રી મેળવી. ૧૯૪૮ માં તેઓ ફરી ભારત આવી ઇન્ડીયન સ્ટેટેસ્ટીક ઇંસ્ટીટ્યુટમાં જોડાયા. અહીં તેમણે મહત્વના સંશોધનો કર્યા. અને સાંખ્ય મુખપત્રનું સંપાદન પણ કર્યું. ૧૯૭૮ મા તેઓએ આ સંસ્થા છોડી અને અમેરિકાની પીટ્સ બર્ગ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યારબાદ પેન્સીલ્વાલીયા યુનિવર્સિટી ખાતે મહત્વના સંશોધનો કરી વિશ્વભરમાં નામના મેળવી. તેઓ અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયંસના સભ્ય હતા. તેમના સંશોધન કાર્યો બદલ લંડનની રૉયલ સોસાયટીએ તેમને સભ્યપદ એનાયત કરેલું.ભારત સરકારે તેમેને  ૨૦૦૧ માં પદ્મવિભૂષણનો ઇલ્કાબ એનાયત કરીને બહુમાન કરેલું. આ મહાન આંકડાશાસ્ત્રીને ભારત અને વિદેશોમાંથી અનેક માનસન્માન એનાયત થયા હતા.   

No comments: