Tuesday, 16 July 2013

ધાબાડુંગરી


ધાબાડુંગરી
            


Photos by Rakesh sardhara
                 ધાબાડુંગરીનું એકાંક્ષીમંદિર એ એક સુંદર આધ્યાત્મિક મંદિર છે. પંચમહાલ જિલ્લાના હાલોલથી માત્ર ૩ કિલોમીટર દૂર આવેલા ધાબાડુંગરી ગામે કેદારનાથ મહાદેવ ગુફામાં બિરાજે છે. હાલોલ વડોદરાથી ૪૦ કિલોમીટર દૂર આવેલું છે.હાલોલથી પાવાગઢ તરફ જતાં રાજમાર્ગની લગભગ મધ્યમાં ઉત્તર બાજુએ ધાબાડુંગરી નામની જાણીતી ટેકરી ઉપર. સાવલીના એક સ્વામીજીએ આ સ્થળે નિવાસ કરી ૧૯૮૪માં ભગવાન કેદારનાથની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ત્યારથી આ સ્થળ ઘણું જ જાણીતું થયું છે. એ પહેલાં ધાબાડુંગરી એ એક ઉજજડ ટેકરી જ હતી. મૂળ આ જગા વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ છે. ૧૯૯૧માં અહીં શ્રીયંત્ર ઉપર ચાર દેવીઓ શ્રી સરસ્વતી, મહાકાળી, અંબામાતા અને લક્ષ્મીજીની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યાર બાદ દુર્ગામાતાનું મંદિર પણ બન્યું છે.
     બ્રહ્મલીન પૂજ્ય સ્વામીજી દ્વારા આ આધ્યાત્મિક કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું  છે. શ્રી કેદારનાથ મહાદેવનું ગુફા આકારમાં બનાવેલ શિવાલય ગેબી ગુફા મુલાકાતીઓને પરમ શાંતિ અર્પે તેવું રળિયામણું છે. આ ઉપરાંત અહીં પિરામિડ આકારમાં બનાવેલું માતાજીનું મંદિર પણ છે. આ સ્થળે એક હોમિયોપથિક હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. અહીં દર્દીઓને લગભગ મફતમાં સારવાર મળે છે. હોસ્પિટલના પ્રવેશ આગળ એક મોટી આંખ બનાવેલી છે, એ તરત જ આપણું ઘ્યાન ખેંચે છે. આજુબાજુ બગીચો અને સ્વામીજીની સમાધિ છે.
         ટેકરી પરથી આખું હાલોલ શહેર દેખાય છે. સામે દેખાતા પાવાગઢ પર્વતનું દ્દશ્ય તો ખૂબ જ મનોહર લાગે છે. ધાબાડુંગરીથી પાવાગઢ ફકત ૪ કિલોમીટર જ દૂર છે. મે મહિનામાં ઊજવાતો કેદારનાથનો પાટોત્સવ, શિવરાત્રિ અને નવરાત્રિ જેવા પ્રસંગોએ હજારો ભકતો અહીં પધારે છે.ધાબાડુંગરીની છેક ટોચ પર પહોંચવા માટે આકર્ષક કમાનો અને સુંદર પગથિયાં વાળી કેડી કંડારીને આ સ્થળને વધુ રમણીય બનાવવામાં આવ્યું છે. જાહેર રજાના દિવસો, વારે-તહેવારે આસપાસના વિસ્તારમાંથી અહીં આવતા સેંકડો માણસોની હાજરીમાં આ રળિયામણું આધ્યાત્મિક સ્થળ ઉભરાય છે. સ્વામીજીનું આ આધ્યાત્મિક કેન્દ્ર અનેક લોકોને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જવામાં સક્રિય પણે ભાગીદાર પણ બની રહેવા પામ્યું છે. 



Photos by Rakesh sardhara










No comments: