સતીષ ધવનનો જન્મ
૨૫ સપ્ટેમ્બર, ૧૯૨૦ના રોજ
શ્રીનગર ખાતે થયો હતો. તેઓ જાણીતા રોકેટ વિજ્ઞાની હતા અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં
એરોસ્પેસ એન્જિનિયરની વિદ્યાશાખાના પ્રણેતા હતા. તેમને ફ્લુઈડ ડાયનામિક્સ એટલે કે પ્રવાહી
કે વાયુની ગતિશીલતા પર આધારિત વૈજ્ઞાનિક સંશોધનોના પ્રણેતા માનવામાં આવે છે.
૧૯૭૨માં વિક્રમ સારાભાઈ બાદ પ્રોફેસર સતીષ ધવનની નિમણૂક ઈસરોના અધ્યક્ષ તરીકે
કરવામાં આવી હતી. ધવને યુનિર્વિસટી ઓફ પંજાબ ( હાલમાં પાકિસ્તાન) ખાતેથી આટ્ર્સ
અને સાયન્સની ડિગ્રી મેળવી હતી. ગણિતમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૪૩માં તેઓ
વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. યુનિર્વિસટી ઓફ મિનેસોટામાંથી મિકેનિકલ
એન્જિનિયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે એરોસ્પેસની ડિગ્રી મેળવી હતી. ગણિતમાં જ
ડોક્ટરેટની ઉપાધિ મેળવ્યા બાદ તેઓ ભારત પરત ફર્યા હતા. થોડા જ સમયગાળામાં તેમની
વરણી ઈસરોના અધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી.
બેંગલોર ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સમાં તેઓ પ્રોફેસર હતા.
સુપરસોનિક વાઈન્ડ ટનલ ( એટલે કે વિમાન અને પવન વચ્ચેનો સંબંધ અને પવનની વિમાનની
ગતિ પર અસર) ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ખાતે વિકસાવવાનો શ્રેય તેમને જાય છે.
ઉપગ્રહના માધ્યમથી ગામડાંઓમાં શિક્ષણ પહોંચાડવાનું કાર્ય, રિમોટ સેન્સિંગ સેટેલાઈટ એટલે કે દૂર રહીને
માહિતી આપનાર ઉપગ્રહના સંશોધનનો શ્રેય તેમને જાય છે. હવે ઈસરો દ્વારા ઉપગ્રહના
લોન્ચિંગ માટે જે વ્હિકલ વપરાય છે તે પીએસએલવીનું સંશોધનકાર્ય ધવન દ્વારા હાથ
ધરવામાં આવ્યું હતું. ૧૯૮૧માં તેમને પદ્મ વિભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
૩ જાન્યુઆરી, ૨૦૦૨ના રોજ તેઓ
મૃત્યુ પામ્યા હતા.
ભારત દ્વારા જે
ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવે છે તે ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી
લોન્ચ કરવામાં આવે છે. આ ઉપગ્રહ સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનું નામ સતીષ ધવનના નામ
પરથી સતીષ ધવન સ્પેસ સેન્ટર રાખવામાં આવ્યું છે.
No comments:
Post a Comment