Sunday, 24 February 2013

આપણું શરીર


v આપણું શરીર
·         આપણું શરીર અનેક નાના- મોટા અવયવોનું બનેલું છે. આપણા શરીરની રચના અને દરેક અવયવનું કાર્ય નવાઇ પમાડે તેવાં છે.
૧. હ્દય (Heart)
              હ્દય એ સ્નાયુઓનો બનેલો ધમણ જેવો પોલો અવયવ છે. હ્દય સતત ધબકતું રહીને આખાયે શરીરમાં લોહીને ફરતું રાખે છે. હ્દયનું કદ લગભગ વાળેલી મુઠ્ઠી જેટલું હોય છે. તંદુરસ્ત પુખ્ત માણસના હદયનું વજન આશરે ૩૦૦ ગ્રામ જેટલું હોય છે. એક મિનિટમાં હ્દય આશરે ૭૦-૭૨ વખત ધબકે છે, એટલે કે એક દિવસમાં તે એક લાખ વખત ધબકે છે અને છતાં થાકતું નથી ! શરીરમાંથી ઓક્સિજનવિહીન લોહી હ્દયના જમણા ભાગમાં આવી ત્યાંથી શુદ્ધ થવા માટે ફેફસાંમાં જાય છે. હ્દયનો ડાબો ભાગ ફેફસાંમાંથી શુદ્ધ ઓક્સિજનવાળું લોહી ખેંચે છે. આ ઓક્સિજનયુક્ત લોહી ત્યાંથી આખા શરીરમાં ધકેલાય છે.
. મગજ (Brain)
                 મગજ એ આપણા આખાયે શરીરનું નિયંત્રણ- કેન્દ્ર છે. મગજનો આકાર અખરોટ જેવો હોય છે. તે શરીરનો મૃદુ અવયવ છે. અત્યંત સખત ખોપરીની અંદર નાજુક મગજ આવેલું છે. ખોપરી દ્ધારા મગજનું રક્ષણ થાય છે. મગજ એ આપણી પ્રતિભા, બુદ્ધિ, જાગરૂકતા અને સ્મરણશક્તિનું કેન્દ્ર છે. આપની આંખ શું શું જુએ છે, આપણા કાન શું શું સાંભળે છે, આપણી ચામડી શું શું સ્પર્શે છે, આપણું નાક શું શું સૂંઘે છે તે બધી જણકારી આપણને મગજ દ્ધારા થાય છે. આપણા શરીરમાં ચાલતી બધી પ્રક્રિયાઓનું નિયંત્રણ આપણું મગજ કરે છેઆપણું મગજ કૂટપ્રશ્નો ઉકેલે છે અને ઘણું બધું યાદ રાખે છે. પુખ્ત માનવીના મગજનું વજન આશરે ૧.૫ કિગ્રા હોય છે.
3. ફેફસાં (Lungs)
                   ફેફસાં શ્વસનક્રિયા  સાથે સંકળાયેલાં છે. છાતીમાં ડાબી અને જમણી બંને બાજુએ એક –એક ફેફસું આવેલું છે. દરેક ફેફસાનું વજન આશરે ૦.૫ કિગ્રા હોય છે. નાક દ્ધારા લીધેલો શ્વાસ ગળામાં થઇને ફેફસામાં આવે છે અને ઉચ્છવાસ વાટે બહાર નીકળે છે. આમ ફેફસાં દ્ધારા હવામાંનો ઓક્સિજન લોહીમાં ભળે છે અને લોહીમાંનો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છવાસ વાટે બહાર નીકળે છે. ફેફસાં અત્યંત સ્થિતિસ્થાપક છે. શ્વાસ લઇએ છીએ ત્યારે ફેફસાં ફૂલે છે અને ઉચ્છવાસ વખતે ફેફસાં સંકોચાય છે. આમ, શ્વાસ દ્ધારા આપણને હવમાંની પ્રાણશક્તિ પ્રાપ્ત થાય છે અને ઉચ્છવાસ દ્ધારા શરીરનો કચરો પણ બહાર નીકળી જાય છે.
૪. યકૃત (Liver)
          યકૃત એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ (Gland) છે. તે પેટમાં જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલું છે. તેનો રંગ ડાર્ક બ્રાઉન છે અને તેનું વજન ૧.૬ કિગ્રા છે. યકૃતમાં પિત બને છે. યકૃત પાચનક્રિયામાં મદદ કરે છે. નુકસાન કરે તેવી ચીજોમાંનું વિષ તે દૂર કરે છે. તે કેટલાંક વિટામિન્સ, મિનરલ્સ, ગ્લાયકોજન તથા ચરબીને જમા કરવાનું કાર્ય પણ કરે છે. આમ, યકૃત એ આપણા શરીરનો અત્યંત ઉપયોગી અવયવ છે.
૫. મૂત્રપિંડો (Kidney)
           મૂત્રપિંડો આપણા શરીરમાં લોહીને ગાળવાનું કામ કરે છે. પેડુની ઉપર પાછલા ભાગમાં બે મૂત્રપિંડ આવેલાં છે. દરેક મૂત્રપિંડ ૧૦ સેમી લાંબું, ૫ સેમી પહોળું અને ૨.૫ સેમી જાડું હોય છે. દરેક મૂત્રપિંડનું વજન આશરે ૧૪૦ ગ્રામ જેટલું હોય છે. મૂત્રપિંડ વધારાનું પાણી, ક્ષારો તથા લોહીમાંની અશુદ્ધિને ગાળવાનું કામ કરે છે અને કચરાને પેશાબ વાટે બહાર કાઢે છે.
૬. જઠર (Stomach)
            આપણું જઠર એ એક જાડી કોથળી છે. આપણે જે ખોરાક ખાઇએ છીએ તે અન્નનળી દ્ધારા જઠરમાં આવે છે. જઠરમાં ખોરાક વલોવાય છે, તેમાં જઠરરસ ભળતો જાય છે અને એક પ્રકારનો સૂપ બને છે. જઠરમાં ખોરાકના મોટા ભાગના ઘટકોનું પાચન થાય છે.
૭. આંતરડાં (Intestines)
               આંતરડાં એ આપણા શરીરમાં આવેલી સળંગ લાંબી નળી છે. આ નળી આપણા જઠર સાથે જોડાયેલી હોય છે. આપણા શરીરમાં આંતરડું બે ભાગમાં વહેંચાયેલું છે : નાનું આંતરડું અને મોટું આંતરડું. નાના આંતરડાની લંબાઇ આશરે ૬ મીટર જેટલી અને મોટા આંતરડાની લંબાઇ ૧.૪ મીટર જેટલી હોય છે. જઠરમાંથી પસાર થયા બાદ ખોરાક નાના આંતરડામાં દાખલ થાય છે અને ત્યાં તેનું પાચન થાય છે. નહિ પચેલો ખોરાક મોટા આંતરડામાં આવે છે, જેનો અંતે શરીરની બહાર મળસ્વરૂપે નિકાલ થાય છે.
૮. હાડકાં (Bones)
             આપણા શરીરમાં નાનાં-મોટાં અનેક હાડકાં આવેલા છે. આ બધા હાડકાં સાંધા દ્ધારા જોડાયેલાં છે. હાડકાં આપણા શરીરને આકાર આપે છે. હાડકાં સખત અને મજબૂત હોય છે. હાડકાં મ્રુત અને સૂકા નથી હોતાં તેઓ જીવંત હોય છે અને ભાંગે છે ત્યારે પોતાને રિપર કરી શકે છે ! હાડકાં પોલાં અને વજનમાં હલકાં હોય છે, પરંતુ તેઓ સ્ટીલ જેવાં મજબૂત હોય છે. હાડકાંના પોલાણમાં જે પદાર્થ આવેલો હોય છે તેને મજ્જા કહે છે. અસ્થિમજ્જા રક્તવાહિનીઓ ધરાવે છે, આ રક્તવાહિનીઓ હાડકાંને ખોરાક અને ઓક્સિજન પૂરો પાડે છે.
              હાડકાંના માળખાને હાડપિંજર કહે છે. આપણા હાડપિંજરમાં ૨૦૬ હાડકાં છે. નવજાતશિશુમાં આશરે ૩૦૦ હાડકાં હોય છે, જેમાંનાં ૯૪ જેટલા હાડકાં બાળક મોટું થતાં બીજા હડકાં સાથે જોડાઇ જાય છે. આપણા શરીરમાં પાંસળીઓની ૧૨ જોડ આવેલી હોય છે. પાંસળીઓ આપણા હ્દય તથા ફેફસાંને રક્ષણ પૂરું પાડે છે.
૯.લોહી (Blood)
               લોહી આપણા શરીર માટે ખૂબ અગત્યનું છે. તે શરીરના અલગ અલગ ભાગોમાંથી અશુદ્ધીઓ લઇ આવે છે, જેને ગાળવાનું કામ મૂત્રપિંડ કરે છે, ત્યારબાદ શુદ્ધ લોહી ઓક્સિજન અને પોષક તત્વોનું વહન કરે છે સરેરાશ કદ ધરાવતા મનુષ્યમાં- પુરુષમાં આશરે ૫.૫ લિટર લોહી હોય છે,જ્યારે સ્ત્રીમાં ૪.૫ લિટર લોહી હોય છે. લોહીનું વહન કરનાર નસોને રુધિરવાહિનીઓ કહે છે. આપણા શરીરમાં રુધિરવાહિનીઓનું ખૂબ મોટું નેટવર્ક રહેલું છે. હ્રદયમાંથી શરીરના અન્ય ભાગોમાં ઓક્સિજનયુક્ત શુદ્ધ લોહી (Oxygeneted blood) લઇ જનારી રુધિરવાહિનીઓને ધમની કહે છે, જ્યારે શરીરના ભાગોમાંથી હ્રદયને અશુદ્ધ – ઓક્સિજન વગરનું – કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી પહોંચાડનાર રુધિરવાહિનીઓને શિરા કહે છે.                                   

No comments: