બાર બાર વરસે
માધાવાવ ગળાવી,
નવાણે
નીર ના આવ્યાં,મારા વા’લા !
તેડાવો
જાણતલ,તેડાવો જોશી,
જોશીડા
જોશ જોવરાવો, મારા વા’લા !
જાણતલ જોશીડો એમ
કરી બોલ્યો,
દીકરો ને
વહુ પધરાવો,મારા વા’લા !
ઘોડા ખેલવતા વીર રે અભેસંગ !
દાદાજી
બોલાવે, મારા વા’લા !
શું રે કો’છો મારા સમરથ દાદા,
શા કાજે
બોલાવ્યા, મારા વા’લા !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો
ને વહુ પધરાવો, મારા વા’લા !
એમાં તો શું મારા સમરથ દાદા,
પારકી
જણીને પૂછી આવો,મારા વા’લા !
બેટડો ધવરાવતા
વહુ રે વાઘેલી વહુ !
સાસુજી બોલાવે,મારા
વા’લા !
શું રે કો’છો
મારાં સમરથ સાસુ,
શા કાજે
બોલાવ્યાં, મારા વા’લા ?
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો
ને વહુ પધરાવો, મારા વા’લા !
એમાં તો
શું મારા સમરથ સાસુ,
જે કે’શો
તે કરશું, મારા વા’લા !
ભાઇ રે જોશીડા ! વીર રે જોશીડા !
સંદેશો લઇ જાજે,
મારા વા’લા !
મારી માતાજીને
એટલું કે’જે,
મોડિયો
ને ચુંદડી લાવે, મારા વા’લા !
પૂતર જઇને
પારણે પોઢાડ્યો,
નેણલે
આંસુડાની ધાર,મારા વા’લા !
ઝાંઝ પખાજ
ને જંતર વાગે,
દીકરો ને
વહુ પધરાવે મારા વા’લા !
પે’લે
પગથિયે જઇ પગ દીધો,
પાતાળે
પાણી ઝબક્યાં, મારા વા’લા !
બીજે પગથિયે
જઇ પગ દીધો,
કાંડા
તે બૂડ પાણી આવ્યાં,મારા વા’લા !
ત્રીજે
પગથિયે જઇ પગ દીધો,
કડ્ય
કડ્ય સમાં નીર આવ્યાં,મારા વા’લા !
ચોથે પગથિયે
જઇ પગ દીધો,
છાતી
સમાં નીર આવ્યાં મારા વા’લા !
પાંચમે પગથિયે જઇ પગ દીધો,
પરવશ પડિયા
પ્રાણ,મારા વા’લા !
તરી છે
ચુંદડી ને તર્યા છે મોડિયો,
તર્યાં
અભેસંગના મોળિયાં,મારા વા’લા !
ગાતાં ને
વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા
અણોસરા લાગે, મારા વા’લા !
-લોકગીત
ગુજરાતી વાંચન માળા,ચોથી ચોપડી,૧૯૫૦
No comments:
Post a Comment