Friday, 1 February 2013

ઋતુઓ


      છ ઋતુઓ (ઉમાશંકર જોષી)


 ૧.શરદ ( લલિત )
શરદ શી સુહે? વાદળાં ગયાં
જળ નદી તણાં નીતરાં થયાં.
ગગનથી સુધા ચંદ્રની ઝરી,
રસભરી રમે રાસ ગુર્જરી.
૨.હેમંત (ઉપજાતિ)
હેમંતમાં કોમળ સૂર્યતાપ,
વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.
ઝરે નિશાએ હિમ ભૂમિખોળે,
લીલાં તૃણે  ઝાકળબિંદુ ડોલે.
૩.શિશિર (દ્રુત વિલંબિત)
શિશિરવાયુ સુ-શીતલ સૂચવે;
તરુતણાં થડથી રસ કૈં સ્ત્રવે.
ખરત પાન,રહ્યાં બસ ડાખળાં;
સભર ધાન્ય થકી સુહતાં ખળાં.
 ૪. વસંત (વસંતતિલકા)
ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે;
ગાતા ફરે ભ્રમર,કોકિલનાદ લેકે.
ઉડે સુગંધકણ પુષ્પતણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સારસોના.
૫.ગ્રીષ્મ (મંદાક્રાન્તા)
આવ્યો,આવ્યો બળબળ થતો દેખ;જોગી ઉનાળો,
વા વૈશાખી પ્રબળ વહેતા,ઉડતી અગ્નિઝાળો.
ઝોલા ખાતી રસદ ફળની લૂમ,લૂ વાય ઉની;
પાણી ડૂક્યાં,સજળ સરિતાઓ થઇ નીરસૂની.
૬.વર્ષા (શિખરિણી)
ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળતણાં?
કરે ઇશાને શી ઝબક ઝબકી વીજ રમણા!
પડ્યાં પાણી ધો ધો,જળભર થઇ ધન્ય ધરણી1
હસે વર્ષા, શોભા શુભ નભ વિષે મઘધનુની.


-ગુજરાતી વાંચન માળા, ૧૯૫૦ માંથી

સરકારી કેળવણી ખાતું, મુંબઇ..

No comments: