Thursday, 5 December 2013

૪ થી ડિસેમ્બર

અમરસિંહ નકુમ



          એલ.અમરસિંહ તરીકે ક્રિકેટજગતમાં જાણીતા બનેલા અમરસિંહ લધાભાઇ નકુમનો જન્મ તા. ૪.૧૨.૧૯૧૦ ના રોજ થયો હતો. ક્રિક્ર્ટના પાયાનો પાઠ તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં શીખ્યા હતા. અમરસિંહની રમત જોઇને જામસાહેબે ક્રિકેટર તરીકે નોકરીએ રાખી લીધા. રણજી ટ્રોફીમાં તેમનો દેખાવ અંત્યત પ્રભાવ શાળી હતો. અમરસિંહના બોલની જેમ તેમના જીવનનો ટર્ન પણ અણધાર્યો રહ્યો. માત્ર ૩૦ વર્ષની કાચી વયે તેમનું અવસાન થયું. 
        જ્યારે પણ ભારતની ક્રિકેટ ટીમમાં કોઇ નવા ફાસ્ટ કે મિડીયમ પેસ બોલરનો ઉદય થાય ત્યારે ક્રિકેટના ઇતિહાસકારોને- જૂની પેઢીના ક્રિકેટપ્રેમીઓને અચૂક એક નામ યાદ આવે છેઃ એલ.અમરસિંહ. કપિલદેવે સૌથી વઘુ વિકેટની સિદ્ધિમેળવી, ત્યારે તેમને બિરદાવતા લેખોમાં અમરસિંહને કપિલદેવના પૂર્વજતરીકે યાદ કરવામાં આવ્યા હતા. 

માત્ર આટલા પરિચયથી સંતોષ માનવાની જરૂર નથી. તેમની મુખ્ય સિદ્ધિઓ પર એક નજર નાખવાથી વઘુ ખ્યાલ આવશેઃ વર્ષો સુધી આઝાદ ભારતની ક્રિકેટટીમના કોઇ ખેલાડીને ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં રમવા મળે એ મોટી વાત ગણાતી હતી. એ સિદ્ધિ મેળવનાર અમરસિંહ પહેલા ક્રિકેટર હતા. 
તેમની ઓલરાઉન્ડર તરીકેની ક્ષમતાનો ખ્યાલ આપતી બીજી કેટલીક વિગતોઃ રણજી ટ્રોફીમાં ડબલ્સ’ (૧૦૦ વિકેટ અને ૧૦૦૦ રન)ની સિદ્ધિ મેળવનાર તે પહેલા ખેલાડી હતા. વિદેશની ધરતી પર ૧૦૦ વિકેટ લેનારા પણ તે પહેલા ભારતીય બોલર હતા. 
૧૯૨૧થી ૧૯૩૨ના રેકોર્ડ મુજબ, આ ૧૧ વર્ષના ગાળામાં અમરસિંહે અવ્વલ દરજ્જાના બેટ્સમેન તરીકે વિશ્વભરમાં નામના ધરાવતા જામ રણજીને બેટિંગ એવરેજમાં પાછળ પાડી દીધા હતા. જામસાહેબનો નંબર પંદરમો અને અમરસિંહનો નંબર ચોથો હતો. એક દાવમાં અને એક મેચમાં સૌથી વઘુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ અમરસિંહના નામે હતો. (બે વાર એક દાવમાં નવ-નવ વિકેટ અને એક વાર એક મેચના બન્ને દાવમાં થઇને કુલ ૧૬ વિકેટ.)
નાની વયે ખ્યાતિ મળી જવા છતાં અમરસિંહ પોતાની સાદગી અને સ્વસ્થતા જાળવી શક્યા. તેમના મનમાં કદી હવા ન ભરાઇ. રાજકોટમાં રહેતા તેમના પુત્ર વિજયસિંહ નકુમને વિજય મર્ચંટે કહ્યું હતું,‘તારા પિતાને ઘણી ભેટો અને ઇનામ મળતાં હતાં. પણ તેમાંથી બહુ ઓછાં ઘર સુધી પહોંચતાં. અમરસિંહનો સ્વભાવ જ એવો હતો કે કોઇ જરૂરિયાતમંદ નજરે ચડે તો ઘડીનો પણ વિચાર કર્યા વિના ગમે તેવી કિમતી ચીજ આપી દે.’ 

 ૩૦મી વર્ષગાંઠે પહોંચે તે પહેલાં રહસ્મય તાવમાં ૨૧ મે, ૧૯૪૦ના રોજ મૃત્યુ પામ્યા. ઝળહળતી જીવનયાત્રાનો અણધાર્યો અને કવેળાનો અંત. પૂરા ત્રણ દાયકાના પણ નહીં એટલા ટૂંકા આયુષ્યમાં અમરસિંહે ઘણી સ્મૃતિઓ સર્જી નાખી છે. તેમના પુત્ર પાસે સચવાયેલી સામગ્રી સાથે અમરસિંહની સ્મૃતિઓ સાંકળીને સંગ્રહસ્થાન બનાવવામાં આવે તો રમતગમત ક્ષેત્રે ગુજરાતના ગૌરવભર્યા પ્રદાનનું એક સોનેરી પ્રકરણ દર્શાવી શકાય.
       


No comments: