Tuesday, 24 December 2013

૨૩ મી ડિસેમ્બર

રાસબિહારી ઘોષ
          રાસબિહારી ઘોષનો જન્મ તા. ૨૩/૧૨/૧૮૪૫ ના રોજ થયો હતો. મેટ્રિકની પરીક્ષા ઉતીર્ણ કરી કલકત્તાની પ્રેસીડેન્સી કૉલેજમાંથી એમ.એ. સુધીની ડિગ્રી મેળવી. આમ તેમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી ખૂબ તેજસ્વી અને યશસ્વી હતી. બેરિસ્ટર બનાવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. તેઓ સાહિત્યના ખૂબ શોખીન હતા. તેમણે સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપ્યું. બંગભંગની ચળવળ અને સ્વદેશી ચળવળમાં ભાગ લઇ તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૦૭  ના સુરતના કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ પદે તેઓ વરાયા હતા. ઇ.સ. ૧૯૨૧ માં તેમનું અવસાન થયું.

સ્વામી શ્રધ્ધાનંદ
             આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને આર્યધર્મને આગળ ધપાવનાર સ્વામી શ્રધ્ધાનંદનું મૂળ નામ મુન્શીરામ હતું. તેમનો જન્મ પંજાબના સતલુજ નદી કિનારે આવેલા તલવન નામના ગામમાં થયો હતો. યુવાનીમાં તેઓ મદીરાપાન અને નાચગાનના જલસાઓમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેઓ નાસ્તિક બની ગયા હતા. પરંતુ સ્વામી દયાનંદ સરસ્વતીનાં પ્રવચનો સાંભળ્યા  બાદ તેમના શિષ્ય બની ગયા હતા. તેઓ આર્યસમાજમાં જોડાઇ વૈદિક ધર્મના પ્રચારમાં જોડાઇ ગયા. ૧૯૧૭ માં સન્યાસ ગ્રહણ કરી મુન્શીરામમાંથી સ્વામી શ્રધ્ધાનંદ બન્યા હતા.

         તેમણે  હરિદ્વાર પાસે કાંગડીમાં ગુરુકુલની સ્થાપના કરી હતી. વટલાઇને બીજા ધર્મમાં ગયેલા હિન્દુઓને ફરી હિન્દુ બનાવ્યા હતા. તેઓ અન્ય ધર્મ પ્રત્યે સમભાવ રાખતા હતા. પરંતુ એક ધર્મ ઝનૂનીએ તા.૨૩/૧૨/૧૯૨૬ ના રોજ તેમની હત્યા કરી હતી.     

No comments: