Saturday, 10 August 2013

૪ થી ઑગસ્ટ


હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસન

              એન્ડરસનનો જન્મ ઓડેન્સના એક મોચીના ઘરમાં થયો હતો. પિતાની વિદ્વતા હેન્સમાં ઉતરી આવી હતી. તેનો અવાજ ખૂબ સરસ હોવાથી તેને નાટકમાં કામ મળવા લાગ્યું. તે દરમિયાન કવિતા અને નાટકો લખવા લાગ્યા. દરેક નાતાલના દિવસે તે એક પુસ્તક બહાર પાડતા. ૩૫ વર્ષ સુધી તેમણે પુસ્તકો લખ્યા. બાળકોની આ વાર્તાઓ મોટેરાઓને પણ વાંચવી ગમતી. ‘થ ટીડર બોક્સ’, ‘ધ સ્નો ક્વીન’, ‘ધ લીટલ મેચ ગર્લ’ વગેરે ખૂબ જ લોકપ્રિય હતી. તા. ૦૪/૦૮/૧૮૭૫ ના દિવસે જગતના શ્રેષ્ઠ વર્તાકાર હેન્સ મૃત્યુ પામ્યા હતા. 

૩ જી ઑગસ્ટ

મહર્ષિ આર્યભટ્ટ

       આર્યભટ્ટને ભારતીય ખગોળ,વિજ્ઞાન તથા ગણિતના આદ્ય મહર્ષિ ગણી શકાય. તેમનો જન્મ ઇ.સ. ૪૭૬ માં થયો હતો. તેમણે ઇ.સ. ૪૯૯ માં પોતાનો પ્રસિદ્ધ ગ્રંથ ‘આર્યભટ્ટીય’ લખ્યો હતો. ગ્રહણ અંગેનું સાચુ કારણ તેમણે શોધી કાઠ્યું. પૃથ્વીની છાયા વડે સૂર્યગ્રહણ થાય છે તે એમણે સમજાવ્યું.આખા વર્ષના બધા દિવસો સરખા કેમ નથી, એ અંગેના પણ પ્રયોગો કરીને તેમણે નિયમો સમજાવ્યા. ૧૯૭૫ માં જ્યારે ભારતે પ્રથમ ઉપગ્રહ છોડ્યો ત્યારે તેનું નામ આર્યભટ્ટ રખવામાં આવ્યું હતું.  

૨ જી ઑગસ્ટ

ગ્રેહામ બેલ

                 ગ્રેહામ બેલનું નામ ટેલિફોનના શોધક તરીકે જાણીતું છે. ભારત આઝાદ થયું તેના સો વર્ષ પહેલાં સ્કોટલેન્ડમાં તેમનો જન્મ થયો હતો. આ વિચક્ષણ વ્યક્તિ શિક્ષણની સર્વોતમ ડિગ્રી મેળવી ડૉક્ટર બન્યા. દૂરથી બોલાયેલા શબ્દો કોઇ નળી જેવા સાધનો વિના બીજા ભૂંગળામાં સ્પષ્ટપણે સાંભળી શકાય એવી શોધ કરી એને ટેલિફોન નામ આપવામાં આવ્યું. પછી તો ટેલિફોનમાં અનેક સુધારા વધારા થયા. એડિસને તેમાં સક્રિય રસ લીધો. તા. ૦૨-૦૮-૧૯૨૨ના રોજ તેઓ અવસાન પામ્યા. ત્યારે તેના માનમાં સર્વત્ર બે મિનિટ બેલ પદ્ધતિ થી ચાલતી ટેલિફોન સર્વીસો બંધ રાખવામાં આવી હતી.  

૧ લી ઑગસ્ટ


શ્રીમતી કમલા નહેરૂ

                શ્રીમતી કમલા નહેરૂનો જન્મ તા. ૦૧-૦૮-૧૮૯૯માં થયો હતો. તેમનું વેવિશાળ તેર વર્ષની વયે જવાહરલાલ સાથે થયું. તેમણે કોઇ શાળા કે કૉલેજમાં પ્રવેશ મેળવ્યો ન હતો. છતાં તેમણે ઘેર રહીને ખૂબ સારો અભ્યાસ કરેલો. કમલા નહેરૂ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીનાં સભ્ય હતાં. અને વર્ષો સુધી કાર્યરત રહેલા. સવિનય કાનુનભંગની ચળવળમાં તેમણે સક્રિય ભાગ લીધેલો.તેમણે અનેક સ્થળોએ પિકેટીંગ કરીને લડતને વેગવંતી બનાવી. ઇ. સ. ૧૯૩૬માં માત્ર ૩૭ વર્ષની વયે અવસાન પામ્યા.

૩૧ મી જુલાઇ

મુનશી પ્રેમચંદજી

             શ્રી મુનશી પ્રેમચંદનો જન્મ બનારસના એક નાનકડા ગામમાં તા. ૩૧-૦૭-૧૮૮૦ના રોજ થયો હતો. ગ્રેજ્યુએટ થઇ પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરી. ગોરખપૂરમાં સૌપ્રથમ તેમણે સાહિત્યિક કૃતિ રચી. ત્યાર પછી તો અખિલ ભારતીય લેખક થવા માંડયા. તેઓ ‘મર્યાદા’, ‘હંસ જાગરણ’ વગેરે પત્રિકાઓમાં પણ નિયમિત લખતા રહ્યા હતા.પ્રેમચંદના મૃત્યુ પછી ‘ગોદાન’, ‘હીરામોતી’, ‘શતરંજ કે ખિલાડી’ જેવી કૃતિઓ પર આધારિત સફળ ફિલ્મો પણ બની. ઇ. ૧૯૩૬માં અનંત નિદ્રામાં પોઢી ગયા. 

૨૯ મી જુલાઇ


જે. આર .ડી. તાતા

                    તાતા ઉદ્યોગ-સમૂહના તેજસ્વી તારક જહાંગીર રતનજી દાદાભાઇ તાતાનો જન્મ તા. ૨૯-૦૭-૧૯૦૪ના રોજ થયો હતો. એમનું શિક્ષણ ભારત, જાપાન અને ફ્રાન્સમાં થયું. અઢાર વર્ષની વયથી જ તેમણે તાતા પેઢીમાં કામગીરી શરૂ કરી. પિતાના મૃત્યુ બાદ તે ડાયરેક્ટર બન્યા. ભારતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિમાનવ્યવહાર શરૂ કરનાર તેઓ પ્રથમ હતા. હિંદના પહેલા વિમાની તરીકે પણ તેમણે નામના મેળવી હતી.