Monday 8 July 2013

ત્રિભુવનદાસ ગજ્જર

ત્રિભુવનદાસ ગજ્જર
               ભારતમાં અંગ્રેજોનું શાષન હતું તે સમયની આ વાત છે. .. ૧૮૯૮ માં મુંબઇ ના એક વિસ્તારમાં મુકાયેલા મહારાણી વિક્ટોરિયાના પૂતળાના મોં ઉપર કોઇએ કાળો રંગ ચોપડી દીધો. અંગ્રેજ સરકારે આ કાળો રંગ દૂર કરવા ખૂબ પ્રયત્નો  કર્યા પરંતુ વિક્ટોરિયાના પૂતળાના મોં પર કાળા ડાઘા રહી ગયા. અંગ્રેજ સરકારે ખૂબ કહેનત કરે પણ આ કાળા ડાઘા દૂર થઇ શક્યા નહિ. એવામાં એક ગુજરાતી યુવાને આ ડાઘા દૂર કરી આપવાનું બીડું ઝડપ્યું અને તેણે આ ડાઘા દૂર કરી આપ્યા. આ યુવાન હતો ત્રિભુવનદાસ ગજ્જર. અંગ્રેજ સરકારે તેને ઇનામ તો આપ્યું અને વિશ્વભરમાં પ્રસિદ્ધિ પણ આપી. માત્ર આટલું જ નહિ પરંતું ભારતમાં કલા અને હુન્નર ઉદ્યોગોનો પાયો મજબૂત બનાવવામાં ત્રિભુવન ગજ્જરનો ફાળો મહત્વનો છે.
             ત્રિભુવનદાસ ગજ્જરનો જન્મ સુરતના એક સુખી કુંટુંબમાં થયો હતો. તેમના પિતા કુશળ શિલ્પી હતા.સુરતમાં જ સારા માર્કસ મેળવી મેટ્રિકની પરીક્ષા પૂરી કર્યા બાદ તેઓ મુંબઇની એલ્ફિન્સ્ટન કૉલેજમાં વિજ્ઞાન શાળામાં જોડાયા.
            રસાયણશાસ્ત્રનો વિષય લઇ તેમણે ઉચ્ચ વર્ગમાં બી.એસ.સી. ની ડિગ્રી મેળવી  અને વડોદરાની કૉલેજમાં રસાયણશાસ્ત્રના પ્રધ્યાપક તરીકે જોડાયાં.  પ્રધ્યાપક તરીકે ફરજ બજાવવા દરમિયાન ત્રિભુવનદાસે વડોદરા રાજ્યમાં હુન્નર,કલા અને ખાસ કરીને છાપકામના ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ થાય તેવી પ્રવૃતિઓ ચાલુ રાખી.
           આ માટે ઇ.સ. ૧૮૯૦ માં તેમણે કલાભવનની સ્થાપના કરી અને રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, સ્થાપત્ય, કલા ક્ષેત્રે શિક્ષણ કાર્ય શરૂ કર્યું.   
           તેમણે એક મૅગેઝિન પણ શરૂ કરેલું. તેમાં  તે અંગ્રેજી ભાષાના ઉદ્યોગ વિષયક લેખોનું ગુજરાતી ભાષાંતર પ્રસિધ્ધ કરતા.  ઇ.સ. ૧૮૯૬ માં કલાભવનમાંથી છૂટા થઇ તેઓ મુંબઇ આવ્યા અને વિલ્સન કૉલેજમાં રસાયણશાસ્ત્રના પ્રધ્યાપક તરીકે જોડાયાં. તે સમયે તેમણે પ્લૅગ માટેની આયોડિન ટરક્લોરાઇડ દવા શોધી. ઇ.સ. ૧૮૯૮ માં તેમણે પોતાની ટૅકનોકેમિકલ લેબોરૅટરી સ્થાપી.
           જ્યાં તેમણે રસાયણશાસ્ત્ર સંબંધી અનેક શોધખોળો કરી અને પુષ્કળ પૈસા કમાયા. અને ત્યાર બાદ વડોદરામાં એલેમ્બિક કેમિકલ ની સ્થાપના કરી અને તેના વિકાસ માટે કામે લાગી ગયા.
           આ દરમિયાન તેમના પત્નિ અને અને નજીકના મિત્ર શ્રીકોટિ ભાસ્કરના અવસાન થયા અને ત્રિભુવનદાસ નિરાશામાં સરી પડ્યાં, તબિયત અને આર્થિક સ્થિતી બંન્ને લથડવા લાગ્યા.
          તેમણે પોતાની બધી સંપત્તિ નેશનલ મૅડિકલ કૉલેજને ભેટ આપી દીધી. ઇ.સ. ૧૯૨૦ માં આ મહાન રસાયણશાસ્ત્રીનું અવસાન થયું. 

  

No comments: