Saturday 6 July 2013

ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી

ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી
      તબીબી ક્ષેત્રે થયેલી વિશ્વની નોંધપાત્ર શોધોમાં પણ ભારતના અનેક વિજ્ઞાનીઓએ ફાળો આપેલો છે. આવા જ એક ઓછા જાણીતા એવા વિજ્ઞાની ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ કાલા અઝાર નામના ઝેરી તાવની દવા શોધીને અનેક દર્દીઓની જીંદગી બચાવી છે.
       ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીનો જન્મ બિહારના જમાલપુર ખાતે ઇ.. ૧૮૭૩ના ડિસેમ્બરની ૧૯ મી તારીખે થયો હતો.તેમના પિતા ભારતીય રેલ્વેમાં ડૉક્ટર તરીકે સેવા આપતા હતા. તેમની માતાનું નામ સૌરભસુંદરી હતું. જમાલપુરની રેલ્વે હાઇસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ હુબલીની મોહસીન કૉલેજમાં ઇ.સ. ૧૮૯૩ માં ગણિત અને રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ પરિણામ મેળવી બી.એ. ની ડિગ્રી મેળવી. ત્યારબાદ કલકતાની પ્રેસીડેન્સી કૉલેજમાં થી મેડીસીનમાં ઉચ્ચ અભ્યાસ કરીને એમ.એ.ની ડિગ્રી મેળવી. ઇ.સ. ૧૯૦૦ માં મેડીસીન અને સર્જરીમાં તેઓ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા અને ગુડ્ડેવ અને મેકલીઓડ એવોર્ડ એનાયત થયા. ઇ.સ. ૧૯૦૪ માં તેઓ પી.એચ.ડી. થયા. ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ ૧૮૯૮ માં નાની બાલાદેવી સાથે લગ્ન કરેલા.  ત્યારબાદ ઢાકાની મેડીકલ કૉલેજમાં પ્રધ્યાપક તરીકે જોડાયા. તે સમયગાળામાં તેમણે કાળા અઝાર તાવનો ઉંડો અભ્યાસ કરીને યુરીયા સ્ટીબામાઇન નામની દવા શોધી કાઢી. ઇ.સ. ૧૯૨૩ માં તેઓ મેડીકલ હૉસ્પીટલ કૉલેજમાં પ્રધ્યાપક તરીકે જોડાયા. ત્યાંથી નિવૃત થયા બાદ તેમણે તબીબી ક્ષેત્રે સેવાઓ ચાલુ રાખી અને નેશનલ મેડીકલ ઇન્સ્ટીટ્યૂટમાં ડૉક્ટર તરીકે જોડાયા. તે સમયે આસામમાં કાલા અઝાર તાવનો ભયંકર રોગચાળો ફેલાયો હતો. ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીએ શોધેલી દવાથી અનેક રોગીઓના જીવ બચી ગયા. તે સમયે એન્ટીબાયોટીક દવાઓની શોધ થઇ નહોતી એટલે ઉપેન્દ્રનાથ બ્રહ્મચારીની આ શોધ સીમાચિહ્ન રૂપ ગાણાઇ. ઇ.સ. ૧૯૨૪ માં તેમણે ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટની સ્થાપના કરી. કલકતામાં તેમણે બ્લડબેંકની સ્થાપના કરી અને રક્તદાન ક્ષેત્રે આગવા પ્રદાન કર્યા. તેઓ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા. કલકતા યુનિવર્સીટીએ તેમને ગ્રીફીધ મેમોરીયલ પ્રાઇઝ એનાયત કરેલું. બ્રિટનની મહારાણીએ તેમને નાઇટહૂડનો ઇલ્કાબ આપેલો. ઇ.સ. ૧૯૩૬ તેઓ ઇન્ડીયન કેમીકલ સોસાયટીના પ્રમુખ પદે રહી ચૂકેલા. લંડનની રૉયલ સોસાયટીએ તેમને ફેલોશીપ એનાયત કરેલી. આમ અનેક ઉચ્ચ માન-સન્માન મેળવીને તેમણે ભારતનું ગૌરવ વધારેલું. ઇ.સ. ૧૯૪૬ના ફેબ્રુઆરીની ૬ ઠ્ઠી તારીખે તેમનું અવસાન થયેલું.        


No comments: