Wednesday 10 July 2013

હું તો પૂછું

હું તો પૂછું કે મોરલાની પીંછીમાં
           રગ-રંગવાળી
આ ટીલડી કોણે જડી ?
   વળી પૂછું કે મીંદડીની
            માંજરી-શી આંખમાં
ચકચકતી કીકીઓ કોણે મઢી ?
  હું તો પૂછું કે આંબલાની ટોચે
       જ્યાં હાથ ના પહોંચે
         ત્યાં કૂંપળો કોણે કરી ?
વળી પૂછું કે ગાવડીના પેટે
         આ દૂધની
ધોળી મીઠી ધાર કોણે ભરી ?
          હું તો પૂછું કે ચાંદાની થાળીમાં
બકરી ને ડોશીની
         ઝૂંપડી કોણે મઢી ?
વળી પૂછું કે આભની હથેળીમાં
         સૂરજની ભમતી
            ભમરડી કોણે કરી ?
હું તો પૂછું કે પોપચે મઢેલી આ
  દસ દિશ દેખંતી
             આંખ મારી કોણે કરી ?
વળી પૂછું કે નવલખ તારે
           મઢેલી આ
           આભલાની ચૂંદડી કોણે કરી ?

                                  -સુંદરમ્   

No comments: