Thursday 18 July 2013

મહાસાગર

ખારા ખારા ઊસ જેવાં
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર એવાં
પાણી રેલમછેલ !
આરો કે ઓવારો નહીં,
પાળ કે પરથારો નહીં,
સામો તો કિનરો નહીં.
પથરાયા એ જળભંડાર સભર ભર્યા !
આભના સીમાડા પરથી,
મોટા-મોટાતરંગ ઊઠી,
વાયુવેગે આગળ ધાય,
ને અથડાતા- પછડાતા જાય !
ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગરઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી  ફૂંફાડા કરતો,
ઓરો આવે,આઘો થાય !
ને ભરતી-ઓટ કરતો જાય !
ઊંડો-ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે ! ઘોડા ડૂબે !
ઊંચાં ઊંચાં ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવા ઝાડ ડૂબે !
મોટા-મોટા પહાડ ડૂબે !
ગાંડો થઇને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !
વિશાળ લાંબો પહોળો ઊંડો
એવો મોટો ગંજાવર !
એના જેવું કોઇ ન મળે !
મહાસાગર તો મહાસાગર !
                                        - ત્રિભુવન વ્યાસ

No comments: