Saturday, 10 August 2013

૩૦ મી જુલાઇ

હેનરી ફોર્ડ

                 હેનરી ફોર્ડનો જન્મ ૩૦-૦૭-૧૮૬૩ના રોજ અમેરિકામાં થયો હતો. નાનપણથી જ ફોર્ડને યંત્રો અને વિજ્ઞાનમાં રસ પડતો. માત્ર યંત્રની મદદથી જ ચાલે તેવી એક ગાડી બનાવવાની તેની તીવ્ર ઇચ્છા હતી. પ્રારંભમાં એક એન્જિન બનાવ્યું. ધારણા પ્રમાણે તે ચાલ્યું. ત્યારબાદ ૮૦ હોર્સપાવરની પ્રખ્યાત રેસર ગાડી તેણે બનાવી. કલાકના ૧૪૦ કિ.મી. ઝડપે કાર ચલાવી વિક્રમ સ્થાપ્યો. તેમણે ‘ટી’ મોડેલની કાર બનાવી જે ખૂબ લોકપ્રિય બની. ફોર્ડની મહેચ્છા હતી કે, એવી કાર બનાવવી જેની કિંમત સામાન્ય માણસને પણ પરવડે. જેમાં તેને અદભૂત સફળતા મળી. FORD મોટરનું નામ વિશ્વભરમાં જાણીતું બની ગયું. શ્રમ વિભાજન કરી તેણે કાર નિર્માણ ઝડપી અને સીધું બનાવ્યું. હેનરી ફોર્ડે ત્રણ ક્ષેત્રે નોંધપાત્ર સેવા બજાવી હતી. સામાન્ય માણસ  ખરીદી શકે તેવી મોટર બનાવી, એસમ્બલી ઉત્પાદનથી કાર નિર્માણ ત્વરિત બનાવ્યું અને કામદારોનું જીવનધોરણ ઊંચુ રહે તે માટે પ્રયત્નશીલ રહ્યા. ઇ. સ. ૧૯૪૭માં તેમનું અવસાન થયું. 

૨૯ મી જુલાઇ


જે. આર .ડી. તાતા

                    તાતા ઉદ્યોગ-સમૂહના તેજસ્વી તારક જહાંગીર રતનજી દાદાભાઇ તાતાનો જન્મ તા. ૨૯-૦૭-૧૯૦૪ના રોજ થયો હતો. એમનું શિક્ષણ ભારત, જાપાન અને ફ્રાન્સમાં થયું. અઢાર વર્ષની વયથી જ તેમણે તાતા પેઢીમાં કામગીરી શરૂ કરી. પિતાના મૃત્યુ બાદ તે ડાયરેક્ટર બન્યા. ભારતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિમાનવ્યવહાર શરૂ કરનાર તેઓ પ્રથમ હતા. હિંદના પહેલા વિમાની તરીકે પણ તેમણે નામના મેળવી હતી.    

૨૮ મી જુલાઇ

પીટર ઝંગર

                      અખબારી સ્વાતંત્ર્ય માટે આજીવન ઝઝૂમનાર પીટર ઝંગરનો જન્મ ઇ. સ. ૧૬૯૬માં જર્મનીમાં થયો હતો. અમેરિકામાં કામની શોધમાં રખડતાં તે છાપખાનામાં નોકરી રહ્યો. રાત્રિ શાળામાં જઇ લખતાં-વાંચતાં શીખ્યો. મૂડી એકત્ર કરી પીટરે ‘ન્યૂયોર્ક વીકલી જર્નલ’ પ્રસિદ્ધ કરવા માંડયું. શરૂઆતમાં જ સતાધીશોએ આચરેલા એક અન્યાયી કૃત્ય વિશે છાપવામાં આવ્યું. પીટરની ધરપકડ કરવામાં આવી. તા. ૨૮-૦૭-૧૭૪૬ ના રોજ તેમનું અવસાન થયું. 

૨૭ મી જુલાઇ

સંત પુનિત મહારાજ

                 બાળકૃષ્ણ (પુનિત મહારાજ) ના ભજનો નરસિંહ મહેતાના પદોની જેમ જ લોકભાગ્ય બની જઇને ગુજરાતી ભક્તિ સાહિત્યની એક અમૂલ્ય થાપણરૂપ બની ગયાં છે. પોસ્ટ ઓફિસમાં પટાવાળાથી શરૂ કરીને અમદાવાદની મિલોમાં પણ નોકરી કરી. દૈવી શક્તિથી ભજનો રચવા લાગ્યાં, સાથે કંઠ પણ ઊઘડ્યો. જે મળ્યું તેનું ‘પુનિત સેવાશ્રમ’ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું. દ્ધ્રારિકા અને ડાકોરના પગપાળા સંઘો યોજી એમણે ભક્તિની ધૂન મચાવી. કેવલ રામનામના સહારે સંસારસાગર તરી જનાર એ સંતનું તા. ૨૭-૦૭-૧૯૬૨માં અવસાન થયું.  

૯ મી ઑગસ્ટ


ગોસ્વામી તુલસીદાસ
               રામભક્ત ગોસ્વામી તુલસીદાસનો જન્મ ઉતરપ્રદેશમાં થયો હતો. જન્મતાં વેંત તેઓ ‘રામ’ બોલ્યા તેથી તેમનું નામ ‘રામબોલ’ પડયું હતું. તેમના બે દાંત લાંબા અને બહાર હતા તેથી લોકો તેમને અપશુકનિયાળ માનતા હતા. તુલસીદાસે પત્ની રત્નાવલિના મહેણાથી સંસારનો ત્યાગ કર્યો અને  રામભક્તિમાં લાગી ગયા હતા. તેમણે રામની કથા સંસ્કૃતમાં નહિ પરંતુ લોકની બોલીમાં કરી. તુલસીદાસે રામની જે કથા કહી તે દુહા- છંદ-ચોપાઇમાં ‘રામચરિત માનસ’ રૂપે પ્રગટ થઇ. આજે ઉતર પ્રદેશમાં દરેક ઘરમાં ‘રામચરિતમાનસ’ પુસ્તક આદરપૂર્વક વંચાય છે.
              ‘હનુમાનચાલિસા’ની રચના તેમણે કરી છે. ‘વિનયપત્રિકા’નામે પુસ્તકમાં તેમની અન્ય રચનાઓ સંગ્રહાયેલી છે.

ડૉ. શિયાલી રામામૃત રંગનાથન

                        ભારતમાં લાયબ્રેરી યુગનું નિર્માણ કરનાર ડૉ. રંગનાથનનો જન્મ તામિલનાડુમાં ૦૯-૦૮-૧૮૯૨ના રોજ થયો હતો. ગણિત સાથે એમ.એ. થયા. મદ્રાસ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન બન્યા. પોતાની આગવી ‘કોલનપદ્ધતિ ‘ અનુસાર ત્યાંની લાઇબ્રેરીના પુસ્તકોનું નવેસરથી વર્ગીકરણ કરી પ્રશંસા પ્રાપ્ત કરી.મદ્રાસ યુનિવર્સિટીમાંથી નિવૃત થયા બાદ. ડૉ. રાધાકૃષ્ણના નિમંત્રણથી તેઓ બનારસ યુનિવર્સિટીમાં જોડાયા. અને લગભગ એક લાખ પુસ્તકોનું એકલે હાથે વર્ગીકરણ કર્યું. ડૉ. રંગનાથનની આગવી કમગીરી બદલ ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ થી નવાજ્યા હતા. ઉપરાંત સરકારે તેમને ‘નેશનલ પ્રોફેસર ઑફ લાઇબ્રેરી’ સાયન્સ તરીકે નીમ્યા હતા. પુસ્તકાલય પ્રવૃતિના પિતામહ ડૉ. રંગનાથન ઇ. ૧૯૭૨ના સપ્ટેમ્બર માસમાં બેંગલોરમાં અવસાન પામ્યા. 

Thursday, 8 August 2013

૮ મી ઑગસ્ટ


  સિધ્ધેશ્વરી દેવી

               સંગીત ગાયિકા સિધ્ધેશ્વરી દેવીનો જન્મ તા.- ૦૯/૦૮/૧૯૦૮ ના રોજ કાશી નગરીમાં થયો હતો. ગાયકીના રિયાઝનું આબેહૂબ અનુકરણ કરવાની તેમનામાં અલૌકિક આવડત હતી. સિયાજી મહારાજ પાસે સંગીતની તાલીમ મેળવી દાદરા,ટપ્પા,કજરી અને ચૈતી જેવી રસભરી ગાયનકલામાં તેઓ નિષ્ણાત બન્યા હતા. તેમનામાં ગાયન અને અભિનય બંને કલાનો સુભગ સમન્વય થયો હતો. ભારત સરકારે પદ્મશ્રીની પદવીથી તેઓનું રાષ્ટ્રીય સન્માન કર્યું હતું. જીવનના અંતિમ વર્ષોમાં દિલ્હીના ભારતીય કલાકેન્દ્રમાં સંગીત-શિક્ષિકાની કારકિર્દી સ્વીકારી હતી. ઇ.સ. ૧૯૭૭ માં સિધ્ધેશ્વરી દેવીનું અવસાન થયું.           




                                 ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઇ ઉદયરામ

            શ્રી રણછોડભાઇનો જન્મ ૦૮/૦૮/૧૮૩૭ ના રોજ મહુધામાં થયો હતો.તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુધા,નડિયાદ અને અમદાવાદમાં લીધું હતું.તેમણે 'ગુજરાત વર્નાક્યુલર સોસાય'ટી અને 'બુદ્ધિપ્રકાશ' માસિકમાં કામ કર્યું હતું. તેમને નાટકમાં વિશેષા રસ હતો. રણછોડભાઇએ રંગભૂમિ માટે હરિશ્ચંદ્ર, લલિતા દુ:ખદર્શક, સીતા સ્વંયવર વગેરે તેર જેટલા નાટકો લખ્યાં. દેશી નાટક સમાજ કંપની દ્વ્રારા ભજવાતા નાટકો પ્રેક્ષકો આખી રાત બેસીને જોતા હતા.તેમણે  લોકમાનસમાં નાટકમાં આવતા ગીતો, ગરબા તેમણે ગુંજતા કર્યા.