Tuesday, 23 July 2013

૨૩ મી જુલાઇ

લોકમાન્ય ટિળક

                   શ્રી લોકમાન્ય ટિળકનો જન્મ મહારાષ્ટ્રાના ચીખલી ગામે તા. ૨૩-૦૭-૧૮૫૬ના રોજ થયો હતો. બાળપણથી જ તેજસ્વી મેઘા ધરાવતા હોવાથી યશસ્વી શિક્ષણ મેળવ્યું. પોતાનું બાળપણનું માયકાંગલું શરીર, મજબૂત ને ખડતલ બનાવવાનું કાર્ય તેમણે દ્રઢ સંકલ્પપૂર્વક હાથ ધર્યું હતું. ‘મરાઠા’ પત્ર સમાજના ઉપલા થરને નજરમાં રાખતું ત્યારે ‘કેસરી’ને આમ જનતાનું મુખપત્ર બનાવ્યું. ષડયંત્ર દ્ધ્રારા સરકારે તેમને ૧૮ માસની સખત જેલસજા પણ કરી. જેલવાસનો સમય ‘ગીતા રહસ્ય’ નામના અમૂલ્ય ગ્રંથની રચના પાછળ ગાળ્યો. આ નીડર લોકસેવકનું ઇ. ૧૯૨૦માં અવસાન થયું. 

Monday, 22 July 2013

ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા

ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા
            તેમનો જન્મ ૧૫ મી સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ બેંગલોર પાસે આવેલા કોલર જીલ્લાના મદનહલ્લી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ શ્રી નિવાસ શાસ્ત્રી હતું. માતાનું નામ વેંકચેયા હતું. માતએ બાળ વિશ્વૈશ્વરૈયામાં  સંસ્કાર રેડવાનું કામ કર્યું હતું. ગામની પ્રાથમિક શાળામાં એમણે શિક્ષણ લીધું. તેઓ ભણવામાં અંત્યત તેજસ્વી હતા. પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તેઓ બેંગલોર આવ્યા. ખૂબ જ મુશ્કેલીમાં તેમણે હાઇસ્કૂલનું શિક્ષણ લીધું. આ પછી તેઓ ત્યાંની સેન્ટ્રલ કૉલેજમાં દાખલ થયા. ૨૦ વર્ષની ઉંમરે ઇ.સ. ૧૮૮૧ માં તેઓ બી.એ. થયા.
           કોલેજના આચાર્યની મદદથી એમને પૂનાની ઇજનેરી કૉલેજમાં પ્રવેશ મળ્યો અને છાત્રવૃતિનો પણ પ્રબંધ થયો. અને તેઓ મન દઇને અભ્યાસ કરવા લાગ્યા. એમણે મુખ્ય વિષય યંત્રશાસ્ત્ર રાખ્યો હતો. ઇ.સ. ૧૮૮૩ માં તેઓ યંત્રશાસ્ત્ર વિષય સાથે મુંબઇ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા. પ્રથમ આવનાર આ વિદ્યાર્થીને મુંબઇ સરકારે ઇ.સ. ૧૮૮૪ માં સહાયક ઇજનેર તરીકે નિયુક્તિ આપી. અને તેઓ નાસિક ખાતેના ઇજનેરી વિભાગમાં તેઓ જોડાયા. તેમના કાર્યથી ઇજનેર તરીકેની તેમની ખ્યાતિ ચોમેર ફેલાઇ ગઇ. એમની કુશળતા જોઇ એમને સિંધના રણ વિભાગમાં સક્કર બંધ બાંધવાનું અને પાણીની મુશ્કેલીઓ દૂર કરવાનું કામ એમને સોંપ્યું અને સફળતાથી પાર પાડ્યું. તેથી તેમને બઢતી મળી અને સરકારના વિશ્વાસુ ઇજનેર બની ગયા.
          આ પછી તેમણે વડોદરા, કરાંચી, પૂના, કોલ્હાપુર, સાંગલી, સુરત, નાસિક, નાગપુર આદિ નગરો માં પાણી પૂરવઠાની યોજનાઓના બાંધકામ કર્યા. ઇ.સ. ૧૯૦૬ માં અંગ્રેજ સરકારે એમને એડન મોકલ્યા. ત્યાં પાણીના વ્યવહારની મુશ્કેલી હતી અને વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ પરિસ્થિતિ પ્રમાણે યોજના ઘડી અને સફળતાપૂર્વક પાર પાડી. અને તેમની ગણતરી મોટા ઇજનેર તરીકે થવા લાગી. આવામાં સાથી ઇજનેરોની ઇર્ષાથી વાતાવરણ કલૂષિત લાગતાં તેમણે આ નોકરી છોડી દીધી અને ભારત પરત આવ્યા.
            ત્યારબાદ તેઓ યુરોપ ના પ્રવાસે ગયા. આ દરમિયાન હૈદરાબાદના નિઝામે એમને તાત્કાલિક પાછા આવવાનો તાર મોકલ્યો. અને મુસી નદીમાં  આવતા પૂરના નિયંત્રણ માટે યોજના ઘડવાનું કામ સોંપ્યું. આ કામની સફળતા બાદ મૈસૂરના રાજા કૃષ્ણરાજે આમંત્રણ આપ્યું. અને રાજના મુખ્ય ઇજનેર બનાવ્યા. ત્રણ વર્ષ સુધી તેમણે આ કાર્યભાર સંભાળ્યો અને તેમને મૈસૂર રાજ્યના દીવાન બનાવ્યા, અને છ વર્ષ સુધી સેવા આપી.
             એમણે કાવેરી નદી પર કૃષ્ણરાજસાગર નામનો બંધ બનાવ્યો. ઉપરાંત વૃદાવન બાગની રચના કરી. એમણે મૈસૂર યુનિવર્સિટી અને મૈસૂર સ્ટેટ બેંકની સ્થાપના કરી. આ સમય દરમિયાન ભદ્રાવતીનું લોખંડનુ કારખાનું ચાલુ કરવાનું કામ તેમને સોંપાયું અને  તેમને કારખાનાના બોર્ડ ઓફ ડિરેક્ટર અધ્યક્ષ તરીકે નીમ્યા. તેમણે ચામરાજેન્દ્ર ઓક્યૂપેશનલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કરી જે જુદા જુદા ઉદ્યોગોનું શિક્ષણ આપે છે.
         મૈસૂર છોડ્યા બાદ તેઓ ફરી વિદેશની યાત્રાએ ગયા. આ પછી ભારત દેશ આઝાદ થયો. ભારત સરકારે એમની સેવાઓને ધ્યાનમાં લઇ ઇ.સ. ૧૯૫૫ માં ‘ભારતરત્ન’ નો સર્વોચ્ચ ઇલ્કાબ આપ્યો. ૧૫ મી  સપ્ટેમ્બર ૧૯૬૧ રોજ એમના આયુષ્યના ૧૦૦ વર્ષ પુરાં થયા અને સરકારે ખાનગી રાહે એમના જન્મદિવસની ઉજવણી કરી એમના જન્મ શતાબ્ધી દિને જવાહર લાલ નહેરુએ કહ્યું. “ ડૉ. વિશ્વૈશ્વરૈયા કામ અધિક કરે છે ને બોલે છે ઓછું સો ઇજનેરો કામ ન કરી શકે એવું કામ એમણે એકલાએ કર્યું છે. “ઇ.સ. ૧૯૬૨ ની ૧૪  મી એપ્રિલે એમનું નિધન થયું. 


જયકૃષ્ણ ઇન્દ્રજી

જયકૃષ્ણ ઇન્દ્રજી
          જયકૃષ્ણ ઇન્દ્રજી  એક વનસ્પતિશાસ્ત્રી હતા તેમણે વનસ્પતિઓના ઊંડાણથી અભ્યાસ કરીને એના ગુણદોષો બતાવ્યા હતા. એમનો જન્મ ગુજરાતના કચ્છમાં આવેલા લખપત ગામમાં ઇ.સ. ૧૮૪૯ માં થયો હતો. એમના પિતાનું નામ ઇન્દ્ર હતું. તેઓ જાતે બ્રાહ્મણ હતા. પિતા વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ મુખી હતા. આથી આવક ઓછી હતી. જયકૃષ્ણને ચાર ભાઇ હતા.મોટાભાઇનું નામ રામકૃષ્ણ હતું, તેઓ સારા પુરાણી હતા. એમને આખુ ભાગવત મોઢે હતું. બીજા નંબરના ભાઇનું નામ પરમાનંદ હતું, તેઓ એક સારા જ્યોતિષ હતા. તેમને વિજ્ઞાનનું જ્ઞાન સારું હતું. ત્રીજા નંબરના ભાઇનું નામ ભાણજીભાઇ હતું. તેઓ સંસ્કૃત ભાષા અને વ્યાકરણ સારું જાણતા હતા. ચોથા નંબરના ભાઇ તે આપણા વનસ્પતિ શાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજી.પાંચમા નંબરના ભાઇનું નામ વાલજી ભાઇ હતું તેઓ સારા ભજનિક હતા. આમ પાંચેય ભાઇઓ જુદી જુદી શાખાઓનું જ્ઞાન ધરાવતા હતા.
             જયકૃષ્ણએ પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળમાં લીધું. એ સમયે ગામડામાં ગામઠી શાળાઓ ચાલતી. ત્યારબાદ તેઓ પોતાના મોટાભાઇ સાથે મુંબઇ ગયા અને બહેરામજી પારસીની અંગ્રેજી શાળામાં દાખલ થયા અને વધુ અભ્યાસ માટેજી.ટી હાઇસ્કૂલમાં દાખલ થયા. ત્યારબાદ મોટાભાઇ સાથે તેઓ મથુરા ગયા. ત્યાં તેઓ મોટાભાઇની પુસ્તકોની દુકાન પર બેસતા ત્યાં તેમને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી સાથે ઓળખાણ થઇ તેઓ વનસ્પતિશાસ્ત્ર જાણતા હતા. આથી કુદરતી રીતે જ જયકૃષ્ણ ઇન્દ્રજીને વનસ્પતિશાસ્ત્રનો શોખ જાગ્યો. પોતાનો શોખ પૂરો કરવા તેઓ ભગવાનલાલ સાથે પ્રવસો કરવા લાગ્યા. પછી તો તેઓ વનસ્પતિશાસ્ત્રનો પધ્ધતિસર અભ્યાસ કરવા લાગ્યા. એમણે અનેક વનસ્પતિના નામ જુદી જુદી ભાષામાં શીખી લીધાં અને તેની ઓળખાણ કરવા લાગ્યા. કચ્છ ઉપરાંત તેઓ બરડાના ડુંગરોમાં તેઓ રખડ્યા અને ઢગલાબંધ નવી-નવી વનસ્પતિ જોવા મળી અને તેના ગુણદોષ અને ઉપયોગ જોયા. આ પછી જયકૃષ્ણભાઇએ વનસ્પતિશાસ્ત્રના પારંગત ડૉ. સખારામ અર્જુન પાસેથી વધુ જ્ઞાન મેળવ્યું. એવામાં ડૉ.સખારામ ગુજરી ગયા. તેઓ નિરાશ તો થયા પરંતુ પોતાના પ્રયત્નો ચાલું રાખ્યા.
         એમની ધગશ જોઇ વનસ્પતિશાસ્ત્રના ઊંડા અભ્યાસી ડૉ.મેકડોનાલ્ડ એમની મદદે આવ્યા અને માર્ગદર્શન અને સહકાર આપ્યો. આ પછી જયકૃષ્ણજી પોરબંદર રાજ્યની નોકરી સ્વીકારી. તેઓ જંગલ ખાતાના ઉપરી તરીકે નિમાયા.  એવખતે રાષ્ટ્રીય મહાસભાના આશ્રયે બરડાના ડુંગરની વનસ્પતિનું એક પ્રદર્શન ભરાયું. આ પ્રદર્શનમાં એમણે વનસ્પતિના અનેક નમૂનાઓ મોકલ્યા. આથી ઇનામમાં તેમને નવ ચાંદ મળ્યા. એમણે ઘોડાકૂનનાં મૂળિયાંની શોધ કરી જે અનેક રોગો માટે ખાસ ઉપયોગી હતી. ઇ.સ. ૧૯૦૪ ની ડિસેમ્બરની પહેલી તારીખે તેઓ નિવૃત થયા.
                 હવે વનસ્પતિશાસ્ત્રનું ખૂબ જ્ઞાન તેમને પ્રાપ્ત થયું હતું. એમના અનુભવોના આધારે તેમણે ‘વનસ્પતિશાસ્ત્ર’ નામનું પુસ્તક લખવા માંડ્યું. ત્રણ વર્ષ સુધી તેમણે આ પુસ્તક લખ્યું અને પૂરું કર્યું. ઇ.સ. ૧૯૧૦ માં એ પુસ્તક પ્રકાશિત થયું. વનસ્પતિશાસ્ત્ર ઉપરાંત એમણે’વનવિદ્યા’, ‘બજારના ઓસડિયાં’, ‘કચ્છની જડીબુટ્ટી’ વગેરે પુસ્તકો લખ્યા.

         ૭૬ વર્ષની ઉંમરે તેઓ બીમાર પડ્યા. એવામાં તેમના પુત્રી સુવાવડમાં ગુજરી ગયા અને આઘાત લાગ્યો. ૮૩ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ ઇ.સ. ૧૯૩૨ માં મરણ પામ્યા.       

૨૨ મી જુલાઇ

દલસુખભાઇ માલવણિયા
                     દલસુખભાઇ માલવણિયાનો જન્મ ૨૨-૦૭-૧૯૧૦ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે થયો હતો. અભ્યાસના પ્રારંભિક સમયથી જ તેમની વિદ્યારૂચિ ખીલી ઊઠી. સંસ્થાના આશ્રયે રહી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ન્યાયતીર્થ અને જૈન વિશારદની પદવી મળી. શાંતિ-નિકેતન જઇ પાલીભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. અમદાવાદની ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક બન્યા. ચાલીસ હજાર ઉપરાંત બહુમૂલ્ય હસ્તપ્રતો તના વિશાળ ગ્રંથાગારમાં સુરક્ષિત છે. ગુજરાતી અને હિન્દીમાં તેમણે લગભગ ચાલીસ પુસ્તકોના લેખન-સંપાદન કર્યા છે. દાર્શનિક સાહિત્યની રચના માટે તેમણે ‘સિદ્ધાંત ભૂષણ’ની પદવી અને સુવર્ણચંદ્રક તેમજ જૈન વિશ્વભારતી સંસ્થા દ્ધારા ‘જૈન વિદ્યામનીષી’ નો એવોર્ડ એનાયત કરવામાંઆવ્યો હતો.ઇ. ૧૯૯૮માં દલસુખભાઇએ આ નશ્વર જગતમાંથી વિદાય લીધી

ભાસ્કરાચાર્ય

ભાસ્કરાચાર્ય
              ભાસ્કરાચાર્યનો જન્મ ઇ.સ. ૧૧૧૪ માં થયો હતો. તેમના પિતાનું નામ મહેશ્વર હતું. એમનું ગામ સહ્યાદ્રિ પાસે આવેલું વિજ્જડવિડ હતું. ભાસ્કરાચાર્ય ભારતીય ગણિતરત્ન હતા. એમણે રચેલા ગ્રંથનું નામ છે ‘સિદ્ધાંત શિરોમણિ’  એમાં ગોલાધ્યાયમાં એક શ્લોક આવે છે.આ શ્લોક પરથી એમ માલૂમ પડ્યું કે એમનો જન્મ ઇ.સ. ૧૧૧૪ માં થયો હતો.
                ૩૧ વર્ષની ઉંમરે તેમણે આ પુસ્તક લખ્યું  હતું. શાંડિલ્ય એમનું ગોત્ર હતું. ‘સિદ્ધાંત શિરોમણિ’  માં ચાર ખંડ છે. એને અધ્યાય પણ કહે છે. આ અધ્યાયોમાં પણ નાના અધ્યાયો છે. પહેલા ખંડને ભાસ્કરાચાર્ય ‘લીલાવતી’ કહે છે. લીલાવતી એમની પુત્રી હતી. એના ઉપરથી આ નામ રાખ્યું છે.
               ઇ.સ. ૧૫૯૭ માં ફૈઝીએ ‘લીલાવતી’  નો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. ફૈઝી લખે છે કે લીલાવતી ભાસ્કરાચાર્યની પુત્રી હતી. જ્યોતિષીઓએ એવી ભવિષ્યવાણી કરી હતી કે લીલાવતીએ કદી લગ્ન કરવા નહિ, પરંતુ ભાસ્કરાચાર્ય ગણતરી કરીને લગ્ન માટે એક શુભ મુહૂર્ત શોધી કાઢ્યું. સમય સૂચનાને માટે એમણે એક ‘નાડિકા યંત્ર’  બનાવ્યું હતું. તાંબાના વાસણમાં નીચેના ભાગે એક છેદ્ર કરવામાં આવ્યું હતું. એની મારફત પાણી જમા થાય. આ રીતે સમયનું સૂચન મળતું હતું. આ એક પ્રકારની જળઘડી  હતી. એનો ઉપયોગ પ્રાચીન જ્યોતિષશાસ્ત્રીઓ સમયની ગણતરી કરવામાં કરતા હતા.
              લીલાવતીએ કુતૂહલ વશ બનીને જ્યારે આ નાડિકાયંત્રમાં પાણી ચડતું જોયું ત્યારે એના વસ્ત્રમાંથી મોતીનો એક દાણો એ વાસણમાં પડી ગયો. આથી મોતી પેલા નાનકડા છિદ્રમાં ભરાઇ ગયું. એટલે એ યંત્ર બંધ થઇ ગયું. પરિણામે લીલાવતીના લગ્નનું શુભ મુહૂર્ત ચાલ્યું ગયું. આ થી પિતા પુત્રીને ખૂબ દુ:ખ થયું. આ પ્રસંગને ભૂલી જવા ભાસ્કરાચાર્યે જગતામાં અમર બની જાય તેવો  આ ગ્રંથ લખ્યો.
               ખરેખર લીલાવતી  એ એક રોચક ગ્રંથ છે. આ ‘લીલાવતી’ ની શરૂઆતમાં વિવિધ પરિણામોના કેટલાક કોઠાઓ આપવામાં આવ્યા હતા. ઉપરાંત પરાર્ધ સુધીની સંખ્યાઓનાં નામ આપવામાં આવ્યાં છે. આ પછી પૂર્ણાંકોનો યોગ, અંતસ્ત્ર ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વગેરે છે. આ આઠ કૃત્યોને એમાં પરિકર્માષ્ટર્ક કહે છે. ત્યારબાદ અપૂર્ણાંક પરિકર્માષ્ટક, છષ્ટકર્મ, ત્રૈરાશિક, પંચરાશિક, શ્રેણી, જુદાં જુદાં પ્રકારનાં ક્ષેત્રફળો, ઘનફળ વગેરે વિષયો છે. ત્યારબાદ કુટ્ટક ગણિત સંબંધી વાતો પણ છે.
            ભાસ્કરાચાર્ય ગણિતશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી તો હતા જ ઉપરાંત ઉચ્ચ પ્રકારના કવિ પણ હતા. એમની કવિતા શૈલી અનુપ્રાસ યુક્ત હતી. એમની કવિતાઓમાં ઋતુના વર્ણનમાં ચમક અને શ્લેષની સુંદર બહાર જોવા મળે છે. ‘લીલાવતી’માં આપેલાં ઉદાહરણો શુષ્ક હોવા છતાં પણ કાવ્યમય છે.
        લીલાવતી ની ઘણી ટીકાઓ અને અનુવાદો જોવા મળે છે. સન્ ૧૮૧૬ માં ટેલરે પ્રથમ અનુવાદ અંગ્રેજીમાં કર્યો. સન્ ૧૯૧૭ માં કોલબ્રુકે પણ અંગ્રેજીમાં અનુવાદ કર્યો. ભાસ્કરાચાર્યનો બીજો ગ્રંથ છે. ‘કરણ કુતૂહલ’ આ ગ્રંથ જ્યોતિષને લગતો છે. ૬૯ વર્ષની ઉંમરે ભાસ્કરાચાર્યે આ ગ્રંથની રચના કરી હતી. આથી એમ કહી શકાય કે ઘડપણમાં પણ તેઓ ઉત્સાહી અને બુદ્ધિ શક્તિવાળા હતા. આ ગ્રંથની રચના ઇ.સ. ૧૧૮૩ માં કરવામાં આવી હતી.
          પૃથ્વી ગોળ છે એવું કથન ભાસ્કરાચાર્યે ગોલાધ્યાયમાં લખ્યું હતું. જેને લોકો માનવા તૈયાર ન હતા. આ અધ્યાયમાં પૃથ્વી ગોળ હોવાના કારણો પણ એમણે  આપ્યાં હતાં, ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો એ પહેલાં તો અનેક વર્ષો પહેલાં ભાસ્કરાચાર્યે ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ કર્યો હતો. આવા કારણો સર ભાસ્કરાચાર્યની મહાનતાને પશ્વિમના વિજ્ઞાનીઓને સ્વીકારવી પડી.


  

Sunday, 21 July 2013

૨૧ મી જુલાઇ

ઉમાશંકર જોશી

                      તેજસ્વી અને શીલભદ્ર વિદ્યાપુરુષ શ્રી ઉમાશંકર જોષીનો જન્મ ઇડરના બામણા ગામે તા. ૨૧-૦૭-૧૯૧૧ના રોજ થયો હતો. અભ્યાસ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના વાતાવરણનો અને કાકાસાહેબના અંતેવાસી થવાનો લાભ મળ્યો. ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ એ તેમનું પ્રથમ કાવ્ય અને ‘વિશ્વશાંતિ ’એ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. ભારત સરકારના  ઉપક્રમે લેખક પ્રતિનેધિ તરીકે રશિયા પણ ગયા હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે પણ રહ્યા હતા. એમના સઘળાં કાવ્યોનો સંગ્રહ ‘સમગ્ર કવિતા’ નામે પ્રગટ થયો છે. ઉપરાંત ‘સાપનાભારા’ જેવાં નાટકો, ‘વિસામો’ જેવા નવલિકા સંગ્રહો, ‘ઉઘાડીબારી’ જેવા નિબંધ સંગ્રહો અને ‘પારકાં જણ્યા’ જેવી નવલકથાઓ તમણે આપી છે. ‘વાસુકિ’ ઉપનામથી પણ તેમણે કેટલુંક સર્જન કર્યું. ઇ. ૧૯૮૮માં એમણે દેહવિલય સાધ્યો.