Wednesday 30 January 2013

ડૉ. હોમી જહાંગીર ભાભા


ડૉ. હોમી જહાંગીર ભાભા
         હોમી જહાંગીર ભાભાનો જન્મ ઇ.સ. ૧૯૦૯ના ઓક્ટોબરની ૩૦ મી એ એક  સુખી સંસ્કારી પારસી કુટુંબમાં થયો હતો.તેમના પિતા જહાંગીર એચ.ભાભા ઓક્સફર્ડ વિશ્વવિધાલયના અનાતક હતા અને એક સફળ વકીલ હતા. હોમી ભાભા મુંબઇની કેથેડ્રલ અને જહોન કોનન શાળાના તેજસ્વી વિધાર્થી હતા. શાળાકીય અભ્યાસની સાથોસાથ તેમને કવિતા,સંગીત અને ચિત્રો દોરવામાં ખાસ રુચિ હતી.પિતાની ઇચ્છા તેમને ઇજનેર બનાવવાની હતી, અને તેમને પદાર્થ- વિજ્ઞાનનો અભ્યાસ કરવો હતો. પણ પ્રથમ પિતાની ઇચ્છા પૂરી કરવા તેઓ યાંત્રિક વિજ્ઞાનનો અભ્યાસ આરંભ્યો.
        અભ્યાસ પૂર્ણ કરી તેઓ પશ્ચિમના દેશોની વિજ્ઞાન-સફરે ગયા. ત્યાં તેમણે બાર વર્ષ સુધી પશ્ચિમના અનેક જાણીતા વિજ્ઞાનીઓ સાથે કામ કર્યુ. ઇ.સ. ૧૯૩૯માં તેઓ કેમ્બ્રીજથી રજાઓ ગાળવા ભારત આવ્યા અને વિશ્વ યુધ્ધ શરૂ થતાં પાછા  ફરવાનું માંડી વાળી બેંગ્લોરના ધ ઇન્ડિયન ઇન્સિટીટ્યૂટ ઓફ સાયન્સમાં કામ આરંભ્યું.
          અણુશક્તિનો માનવજાતિના લાભાર્થે  ઉપયોગ આ વિષય ઉપર સંશોધન કરવા તેમણે ધી તાતા ઇન્સિટીટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને પછીથી ધ એટમિક એનર્જી  એસ્ટાબ્લિશમેન નામની સંસ્થા અથપી. અને ગણતરીના સમયમાં જ તેમની ઇચ્છા મુજબ તેમાં આશાસ્પદ યુવાન વિજ્ઞાનીઓનો સમૂહ કામ કરતો થયો.
             ભારતે વિકાસ સાધવો હોય તો પુષ્કળ વિધુતશક્તિનું ઉત્પાદન કરવું જોઇએ. પણ એ માટે બીજા સાધનો પૂરતાં ન હોવાથી તેણે અણુશક્તિ પર આધાર રાખવો રહ્યો. આ વાત ઉતારી એમના આશીર્વાદ સાથે હોમી ભાભાએ સમગ્ર ભારતમાં અણુશક્તિનો કાર્યક્રમ હાથ ધર્યો.
                 વિધુત ઉત્પન્ન કરવા મટે દેશના જુદાજુદા ભાગોમાં અણુભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી. આજે પણ ગુજરાત અને મહારષ્ટ્ર તારાપોર ખાતે આવેલા અણુશક્તિ કેન્દ્રમાંથી વીજળી મેળવે છે.
                 તેઓ એવું દ્રઢપણે માનતા કે વિજ્ઞાનીઓના સારા કામને હંમેશા બિરદાવી પ્રોત્સાહન આપવું જોઇએ. હોમી ભાભા એક અચ્છા ચિત્રકાર પણ હતા. તેમની પાસે ચિત્રો દોરવા જેટલો સમય ના રહેતાં તેઓ ભારતના ચિત્રકારોનાં ચિત્રો ખરીદીને તેમને પ્રોત્સાહિત કરતા.
                  જ્યારે ભારતને  તેમની ખરેખર જરૂર હતી ત્યારે ઇ.સ. ૧૯૬૬ ના જાન્યુઆરીની ૨૩ મી એ તેઓ વિમાની અક્સ્માતમાં મૃત્યુ પામ્યા, જે શોચનીય છે.     

No comments: