Friday 18 January 2013

પ્રાચીન ભારતના શિક્ષણ કેન્દ્રો


પ્રાચીન ભારતના શિક્ષણ કેન્દ્રો

 आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: ॥  ( ઋગ્વેદ. 1/86/1-2 )
        તમામ દિશાઓમાંથી શુભા અને સારા વિચારો મળે એવો ઉદઘોષ પ્રાચીન ભારતના વિચારકો નો હતો. આવી જ બીજી એક જાણીતી ઉક્તિ છે : एतदेश प्रसूतस्य सकाशात् अग्रजन्मन: ज। स्व स्व चरित्रं शिक्षरेन् पृथिव्यां सर्व मानवा:અર્થાત્ આ દેશના લોકોનું જીવન-ઘડતર, ચારિત્ર્ય-ઘડતર એટલું શ્રેષ્ઠ –ઉદાત્ત હોવું જોઇએ  કે જગત આખુ તેમને અનુસરે.
           આવી સંકલ્પના કરનાર સમાજ વિદ્યાનો પુરસ્કર્તા અને પૂજારી હોય તે સ્વાભાવિક છે. વ્યક્તિનો પૂર્ણ વિકાસ નો વિચાર પ્રાચીન ભારતની શિક્ષણ પરંપરા અને પ્રવૃતિના પાયામાં હતો. પ્રાક્ચીન ભારતના વિદ્યાકેન્દ્રોમાં તેની આછેરી ઝલક મળે છે. વિદ્યાકેન્દ્રોની આ પ્રવૃતિ કાલાંતરે આશ્રમો, ગુરુકુળો, સુનિયોજીત વિદ્યાપીઠો, મંદિર-મઠ-વિહારો  અને નાનકડી ગ્રામ વિદ્યાપીઠો જેવા અગ્રહારો રૂપે વિકસી. વિદ્ધાનોને નિમંત્રીને એક જ સ્થળે વસાવવામાં આવે તે અગ્રહાર. સમયને અનુરૂપ પરિવર્તનો સાથે વિદ્યાપ્રવૃતિ વિકસીઅને અને પરદેશી અભ્યાસીઓને પણ આકર્ષવા સક્ષમ બની હતી. કાશી, ઉજ્જૈન, કનોજ, પૈઠણ, તાંજોર વગેરે અને નગરો વિવિધ વિદ્યાશાખાઓનાં મથકો હતાં. એક જમાનામાં ગુજરાતનું પાટણ અને દ્વારકા  પણ વિદ્ધાનોના નગરો તરીકે ખ્યાતિ પામ્યા હતાં.કાંચી વિદ્ધાનોનું મિલન સ્થાન હતું. જૈન, બૌદ્ધ અને વેદાંતી પરંપરાઓ ઝીલવા ઉપરાંત શિલ્પ સ્થાપત્યનું કેન્દ્ર પણ કાંચી બન્યું હતું. જ્ઞાનની નગરી ઉજ્જૈન ખાસ કરીને ખગોળ જ્યોતિષ માટે જાણીતી હતી. એક કાળે મધ્ય રેખાંશ ( આજે ગ્રીનીચ ગણાય છે ) ઉજ્જૈન ગણાતો હતો એવું સંતોષકુમાર દાસ નોંધે છે. કનોજ પૂર્વમીમાંસા એટલે કે વૈદિક કર્મકાંડ,પૈઠણ કાનૂન અને જ્યોતિષ વિદ્યાનું તથા તાંજોર નાટ્યશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર હતું.
       પ્રાચીન ભારતનાં વિદ્યાધામો વિષે અભ્યાસ કરતાં કેટલીક બાબતો ધ્યાન ખેંચે છે. એનું અવગાહન શિક્ષણ જગત સાથે સંકળાયેલા  સૌ કોઇ માટે ઉપકારક બની શકે તેમ છે. સામાન્ય રીતે શિક્ષણ ગૃહસ્થ જીવનમાંપ્રવેશતાં પહેલાંની ધંધા રોજગારમાં સ્થિર થતાં પહેલાની પ્રાપ્ત તાલીમ ગણાય છે. પરંતુ ડૉ, એ.એસ. અલ્તેગર નોંધે છે તે મુજબ વિશળ અર્થમાં સ્વ-સંસ્કૃતિઅને સ્વ-સુધારણા શિક્ષણનો મર્મ છે. વિશાળ દ્રષ્ટિ આપે તે વિદ્યા. મહાભારત કહે છે :नास्ति विद्या समं चक्षु:॥ ( ली 13/339/6 ) શિક્ષણ દ્રારા દ્રષ્ટિ  અને સંસ્કૃતિ પ્રાપ્તિ ઉપરાંત સ્વાવલંબી નાગરિકો તરીકે જીવન જીવવાની ક્ષમતા પણ મળે એ તેનો હેતુ હતો. ડૉ. અલ્તેકરના મત મુજબ શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓનો સતત, સંતુલિત તથા સુયોગ્ય વિકાસ કરવા ઉપરાંત નૈતિકતા, ચારિત્ર્ય-ઘડતર, વ્યક્તિત્વ-વિકાસ, નાગરિક- સામાજિક કર્તવ્યોની સમજ અને તેમાં પ્રવૃત્ત થવાની પ્રેરણ, સામાજિક કાર્યક્ષમતામાં વૃદ્ધિ,રાષ્ટ્રની સંસ્ક્રુતિનું રક્ષણ અને સંરક્ષણ,પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાના મૂળ આદર્શો અને હેતુઓ  હતા ડૉ.સંતોષકુમાર દાસ સંક્ષેપમાં કહે છે કે શિક્ષણનો હેતુ વ્યક્તિનાં ઘડતર અને ઉત્કૃષ્ટ  શૈલીની તાલીમ સાથે જીવન નિર્વાહનાં સાધનો મેળવવાની ક્ષમતા પેદા કરવાનો હતો.   
       વૈદિક કર્મકાંડ જ માત્ર નહોતું શીખવાડાતું. બદલાતી પરિસ્થિતી મુજબ વિવિધ વિષયો ઉમેરાતા હતા. સંતોષકુમાર દાસ કહે છે તે અનુસાર ત્રણ વેદ  ઉપરાંત શાસ્ત્ર ( લૉજીક ), દર્શન શાસ્ત્ર ( ફિલોસોફી ), ઇતિહાસ, અર્થશાસ્ત્ર (વાર્તા), રાજ્ય વહીવટ ( દંડ નીતિ ), કાનૂન ( ધર્મ શાસ્ત્ર ), ધનુર્વેદ-યુદ્ધશાસ્ત્ર, આયુર્વેદ   ( ચિકિત્સા અને સર્જરી ) તથા લલિત કળાઓ શિખવાડાતી હતી. અઢાર સિપ્પો    ( શિલ્પો ) નો ઉલ્લેખ છે. विज्ञान्मुच्यते शिल्पम् । વિવાદ રત્નાકર માં બૃહસ્પતિ શિલ્પ ( સિપ્પ ) ને   વિજ્ઞાન કહે છે. ડૉ આલ્તેકર તેને નૈપુણ્ય પ્રાપ્ત કરવાના વિષયો કહે છે. અને કંઠ્ય સંગીત,વાદ્યસંગીત, નૃત્ય, ચિત્રકલા, ગણિત, નામુ, ઇજનેરી, શિલ્પ-કોતરકામ,કૃષિ, પશુપાલન, વાણિજ્ય, વૈદક, દસ્તાવેજ લખવા,વહીવટી તાલીમ, યુદ્ધશાસ્ત્ર-ધનુર્વેદ વગેરેનો પણ તેમાં સમાવેશ કરે છે.
      પ્રાચીન ભારતમાં વિદ્યા વેપારની વસ્તુ નહોતી. શિક્ષણ માત્ર રોજીરોટીનું સાધન નહોતું. આમ છતાં આજીવીકા પ્રાપ્તિનાં પાસાંની અવગણના પણ નહોતી થઇ. રોટી જ જીવન નથી તેમ ,રોટી વિના જીવન પણ શક્ય નથી.  શિક્ષણને સામાજીક કર્તવ્ય ગણીને પ્રાચીન વિચારકોએ આ બંને પાસાને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. શિક્ષણ સારી રીતે જીવન જીવવાની ક્ષમતા આપનારું હતું. શિક્ષક અને વિદ્યાર્થીની સારસંભાળ લેવી  તે સામાજીક કર્તવ્ય હતું.   તેથી વિપરીત આચરણ પાપ ગણાતું. સ્વૈચ્છિક દાન આવકાર્ય હતું. આવા દાન પૂરતા પ્રમાણમાં મળી રહેતાં હતાં.રાજ્યાશ્રય અપેક્ષક્ષિત હતો. બંગાળમાં તોલતરીકે જાણીતાં ગુરૂકુળોના ( દા.ત. નવદ્વીપ ) ગુરૂઓ લોકફાળો કરતા. પ્રવેશ આપતી વખતે ગુરૂદક્ષિણા કે ફી માટેની પૂર્વશરત નિષિદ્ધ હતી એવું કરનાર ઘોર ટીકાને પાત્ર બનતો પરંતુ સ્વેચ્છાએ આપેલું દાન સ્વીકારી શકાતું. ફી-શુલ્ક આપી ન શકે તેટલા જ કારણસર પ્રવેશ નહિ  આપવાની   મનાઇ હતી. સમાજ અથવા શાસન દ્વારા આજીવિકા માટે થયેલી વ્યવસ્થાથી શિક્ષક સંતોષ માનતો. આમ શિક્ષણ મફત હતું. રહેવા અને જમવાની સગવડ મફત હતી. ગુરૂદક્ષિણા હોય તો તે પણ અભ્યાસ પૂર્ણ થયા બાદ જ અપાતી. રાજા, શ્રેષ્ઠીઓ, સામાન્ય નાગરિકો, ગામનાં અને વેપાર-ઉદ્યોગના મહાજનો પણ ગુરૂકુળો, ગુરૂઓ, મંદિર-વિદ્યાલયો વગેરે નિભાવતા હતા. ભેદભાવ વિનાનું શિક્ષણ હતું. વિષયની પસંદગીની છૂટ હતી. લગન અને ક્ષમતા હોય તો અભ્યાસ વહેલો પણ પૂરો કરી શકાતો હતો.
      એક નોંધપાત્ર બાબત એ છે કે બૌદ્ધ મઠોએ સાર્વજનિક શિક્ષણમાં ઝંપલાવ્યું તેથી જાહેર શિક્ષણ-સંસ્થાઓનો આરંભ થયો. મઠોનું વ્યવસ્થિત તંત્ર તેમાં ઉપયોગી નીવડ્યું.નાલંદા, વલભી, વિક્રમશિલા વિદ્યાપીઠો તેના ઉદાહરણ છે. મંદિર-વિશ્વવિદ્યાલયો પણ એ રીતે વિકસ્યાં હતાં. તેમાં પ્રવેશ માટે જ્ઞાતિભેદ કે પંથભેદ નહોતો. તે પણ દેખાય છે. વહીવટ બૌદ્ધો પાસે હોય અને અને આશ્રયદાતા વૈદિક સંપ્રદાયના મૈત્રક કે ગુપ્ત રાજાઓ હોય એ પણ ઉદાર અને સહિષ્ણું વલણનું દ્યોતક છે.
                   - ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત  કેલેન્ડર વર્ષ- ૨૦૦૩ માંથી   

No comments: