Thursday, 5 November 2015

૩ જી નવેમ્બર

પૃથ્વીરાજ કપૂર
 

             ભારતીય સિનેમા જગતના ચરિત્ર અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા શ્રી પૃથ્વીરાજનો જન્મ પેશાવરમાં તા. ૦૩.૧૧.૧૯૦૬ ના રોજ થયો હતો. અભ્યાસ છોડી દઇ તેઓ અભિનય ક્ષેત્રે ઝંપલાવવા મુંબઇ આવી પહોંચ્યા. કોઇ પણ પાત્રને તેઓ સહજતાથી સ્વીકારી લેતા હતા અને પાત્રમય બની જતા હતા. સિને સૃષ્ટિમાં તેમણે અડધી સદી સદી સુધી સફળતાપૂર્વક કામ કર્યું અને સફળ નામાંકિત ફિલ્મો આપી. તેમણે પૃથ્વી થિએટરની સ્થાપના કરી.અભિજ્ઞાનશકુંતલ ના નાટ્યસ્વરૂપને તેમણે રંગમંચ પર રજૂ કર્યું. સોળ વર્ષ સુધી ૧૦૦ જેટલા કલાકારો નિભાવતી આ નાટ્યસંસ્થા દેશને ખૂણે ખૂણે નટકોરજૂ કરતી. તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. ઇ.સ. ૧૯૭૨ મી તેમનું અવસાન થયું. 

૨ જી નવેમ્બર

પંજાબ કેશરી રણજીતસિંહ


                  નિરક્ષર હોવા છતાં પોતાના રાજ્યમાં શિક્ષણ અને વિદ્વતાને પ્રાધાન્ય આપનાર રાજવી રણજીતસિંહનો જન્મ તા. ૦૨.૧૧.૧૭૮૦ માં શીખ કુટુંબમાં થયો હતો. માત્ર સત્તર વર્ષની નાની વયે એમણે માતા પાસેથી રાજ્ય વહીવટ સંભાળી લીધો હતો. તલવારથી ટેવાયેલા રણજીતસિંહ આખી જિંદગી નિરક્ષર રહેલા. એમના સૈનિકોનો પહેરવેશ પણ યુરોપિયન જેવો હતો. એમના દરબારમાં અનેક વિદ્વાન રત્નો બિરાજતા હતા. તેઓ સર્વધર્મો પ્રત્યે આદર રાખતા હતા. આ પંજાબ કેશરીનું ૫૯ વર્ષની ઉંમરે અવસાન થયું. 



૧ લી નવેમ્બર

ભવિષ્યવેત્તા કીરો
            

           પ્રસિદ્ધ અને મહાન ભવિષ્યવેત્તા કીરોનો જન્મ તા. ૦૧.૧૧.૧૮૬૬ ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. ભવિષ્ય દર્શન અને ગૂઢ વિષયોમાં રસ હોવાના કારણે ભારતમાં આવ્યા. જ્યોતિષની વિદ્યા પ્રાપ્ત કરી. લોકો તેને અમેરિકા, ફ્રાંસ, રશિયા વગેરે દેશોમાં પણ ભવિષ્ય દર્શન માટે બોલાવવા લાગ્યા. ન્યૂયોર્કમાં કીરો સમક્ષ સાત હસ્તછપ આકૃતિઓ રજૂ કરી તેમણે વારાફરતી તેમનો અભ્યાસ કર્યો અને તેમણે દર્શાવેલી બધી જ વિગતો સંપૂર્ણ સાચી હતી. તેના નામ પરથી જ પામીસ્ટ્રીને કીરોમેન્સી કહેવામાં આવે છે.

૩૧ મી ઓક્ટોબર

સરદાર વલ્લભાઇ પટેલ

          ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ જેવા બિરુદો વડે બિરદાવાયેલા ગુર્જરરત્ન વલ્લભભાઇ પટેલનો જન્મ તા. ૩૧-૦૧-૧૮૭૫ માં રોજ કરમસદમાં થયો હતો. પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે, આદર્શ વકીલ તરીકે તેઓ આજીવન સત્ય અને ન્યાયનો પક્ષ લેતા રહ્યા. ભારતીય સ્વાધીનતાના ઉષાકાળમાં નાયબ વડાપ્રધાન પદની સાથે ગૃહખાતુ અને માહિતીખાતા જેવા અગત્યના વિભાગો સંભાળીને સરદારશ્રીએ આપણને જે માર્ગ ચીંધ્યો તે હંમેશા વિકાસના પથ પર લઇ જશે. જે કુનેહ અને સૂઝ સમજથી તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમાં જોડાઇ જવા સમજાવ્યા અને જે ન માન્યા તેમની સામે મક્કમ પગલાં ભર્યા. સરદાર સાહેબે જુનાગઢ-હૈદરાબાદમાં ભજવેલા ભાગે રાષ્ટ્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. ૧૯૫૦ માં અચાનક વલ્લભભાઇને હદયરોગનો હુમલો આવતાં, તેઓ રાષ્ટ્રમાંથી સદાને માટે વિદાય થયા.

૩૦ મી ઓક્ટોબર

દયાનંદ સરસ્વતી
             આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હતો. મહાશિવરાત્રીની પૂજા કરતા મૂળશંકરને શિવલિંગ ઉપર ઉંદરો ફરતા જોયા અને મૂર્તિપૂજાના આડંબર, રહસ્યને શોધવા પાછળ પોતાના જીવનના શ્રેષ્ઠ વર્ષો ખર્ચીને ભારતને સાચા વૈદિક ધર્મની ઓળખ કરાવી. પચીસ વર્ષની વયે સન્યાસ લીધો.
                ૫૧ વર્ષની વયે તેમણે આર્યસમાજની સ્થાપના કરી. હિંદીનું માહાત્મ્ય સમજી તેમણે સત્યાર્થપ્રકાશ હિંદીમાં લખ્યું. સમાજ સુધારણા અને અસ્પૃશ્યતા નિવારણની  બાબતમાં તેમણે ભગીરથ કામ કર્યુ. વિરોધીઓએ  દૂધમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું. દીપાવલીના મંગળ દિને તા. ૩૦-૧૦-૧૮૮૩ના રોજ તેમનું અવસાન થયું.




અણુવિજ્ઞાની ડૉ. હોમી ભાભા

          ભારતને અણુવિજ્ઞાન ક્ષેત્રે ખ્યાતિ અપાવનાર, ભારતમાં અણુવિજ્ઞાન-યુગના પ્રણેતા ડૉ. હોમી જહાંગીર ભાભાનો  જન્મ તા. ૩૦-૧૦-૧૯૦૯ ના રોજ મુંબઇમાં એક સુખી અને સંસ્કારી પારસી પરિવારમાં થયો હતો. તેઓ  ભણવામાં પહેલેથી જ તેજસ્વી હતા. વિજ્ઞાન એમનો પ્રિય વિષય હતો.
            વધુ અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની  બધી જ પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરી ૧૯૩૦માં તેઓ એન્જિનિયર બન્યા. ૧૯૩૪માં પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી અભ્યાસ દરમિયાન તેમણે ક્વોન્ટમ થિયરી, ચુંબકીય ક્ષેત્રે અને કોસ્મિક કિરણો જેવા વિષયોમાં સંશોધન કરી મહત્વનું યોગદાન આપ્યું.

            ભારત સરકારે ૧૯૪૮માં એટમિક એનર્જી કમિશનની સ્થાપના કરી. તેના પ્રથમ ચેરમેન તરીકે ડૉ.હોમી ભાભાની નિમણૂંક કરવામાં આવી. ભારત સરકારે ડૉ. હોમી ભાભાની સેવાઓને ધ્યાનમાં લઇ તેમને ૧૯૫૪ માં પદ્મભૂષણ એવોર્ડ આપી બહુમાન કર્યુ. 

૨૯ મી ઓક્ટોબર

જહોન કિટ્સ

           
             રોમેન્ટિક અંગ્રેજ કવિ શ્રી જહોન કિટ્સનો જન્મ તા. ૨૯-૧૦-૧૭૯૫ ના રોજ લંડનમાં થયેલો. માત્ર બાવીસ વર્ષની વયે તેમણે પોતાનો કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો હતો. પછી તો પશુ દવાખાનામાં ડ્રેસર તરીકેની નોકરી છોડી દઇને કેવળ સાહિત્યસેવાને જ  તેણે પોતાનો વ્યવસાય માન્યો. ટુ એ નાઇટિંગેલ, ઓડ્ઝ ટુ ઓટમ’, હાઇપીરિઓન એન્ડ અધર પોએમ્સ જેવી સુપ્રસિદ્ધ કૃતિઓનું તેણે સર્જન કર્યુ છે. એમનો છેલ્લો કાવ્યસંગ્રહ લામિયા એન્ડ અધર પોએમ્સ નામે પ્રગટ થયો. માત્ર ૨૫ વર્ષની ભરયુવાનીમાંજ કવિ કલાપીની જેમ આ કવિરાજ જગતને છોડી ચાલી નીકળ્યા.