લગભગ બે હજાર વર્ષ પહેલાં
આચાર્ય વરાહ મિહિર ભારતના મધ્યપ્રદેશના ઉજજૈનની પાસે રહેતા હતા. રાજા વિક્રમાદિત્યની
સભાના નવ રત્નોમાંના તેઓ એક હતા. વરાહમિહિર નામમાં બે નામોનો સમાવેશ થાય છે. ‘વરાહ’ એટલે વિષ્ણુ
અને મિહિર એટલે સૂર્ય. આમાં ‘વરાહ’ તો વિક્રમાદિત્ય
રાજાએ પાછળથી આપેલું બિરુદ હતું. વરાહ મિહિરે રાજકુમારના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે એણે આ
ભવિષ્યવાણી કરી હતી કે રાજકુમારનું મૃત્યુ અઢારમા વર્ષે થશે. અને તે ભવિષ્યવાણી સાચી
ઠરી. વિક્રમાદિત્ય દુ:ખી હતા પરંતુ એક વાતનું ગર્વ હતું કે આવા વિદ્વાનો પણ તેમના રાજમાં
છે. પંડિત મિહિરના આવા જ્ઞાનના કારણે વિક્રમાદિત્યે એમને ‘વરાહ’ નું બિરુદ આપ્યું
હતું.
ભારતના જ્યોતિષ, ખગોળ, ગણિત, ધાતુશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે
વિજ્ઞાનોને ક્ષેત્રે વરાહમિહિરનો ફાળો ઘણો મોટો છે. છતાં એમના જીવન વિષે પણ કેટલીક
દંત કથાઓ મળે છે. વરાહ મિહિર ઉજ્જૈન નજીકના કપિથ્થ નામે ગામે જનમ્યા હતા. બ્રાહ્મણ
કુટુંબમાં જન્મેલા વરાહ મિહિરનું જન્મનું વર્ષ ઇ.સ. ૪૯૯ માનવામાં આવે છે. એમના પિતાનું
નામ આદિત્યદાસ હતું. એમના પિતા આદિત્યદાસ સૂર્ય ભગવાનના ભક્ત હતા. એમણે મિહિરને
જ્યોતિષ વિદ્યા શીખવાડી.
એમના કુટુંબમાં
વંશપરંપરાથી જ્યોતિષ અંને ખગોળનું જ્ઞાન ઊતરતું
આવ્યું હતું. કુસુમપુર (પટના) જઈ નાલંદાની
મુલાકાત વેળાએ યુવાન મિહિર મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ દર્શન થયા.
અહીંના વિદ્વાનોમાં આર્યભટ્ટને નાની ઉંમરમાં સ્થાન મળ્યું હતું. એમની સાથે વાતો કરવાનો
લાભ મળ્યો. એમની પાસેથી એમને એટલી બધી પ્રેરણા મળી કે એમણે જ્યોતિષ વિદ્યા અને
ખગોળના જ્ઞાનને જ પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું.
મિહિરે વિદ્યા પ્રાપ્ત કરવા ઉજ્જૈન
જૈ વસવાનું નક્કી કર્યું. ઉજ્જૈન જ્ઞાન-વિદ્યાની બાબતમાં મહત્વનું હતું. છેલ્લા હજારેક
વર્ષોથી દૂરદૂરથી આવતી નવી પ્રજાઓ અને એમની વિદ્યાઓનું મિલન કેન્દ્ર બની ગયું હતું.
ગ્રીકો, શક, કુષાણ, યુએચી વગેરે જે કોઇ
વિદેશી પ્રજા ભારતમાં આવી તે બધાનાં રાજકીય કેન્દ્રમાં ઉજ્જૈન મહત્વનું હતું. ત્યારબાદ
વરાહમિહિરે ગ્રીસમાં જઇ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આમ ખૂબ વાંચી વિચારીને
અને પ્રવાસ દ્વારા જ્ઞાન મેળવીને કેટલાક સિદ્ધાંતો તારવીને વરાહ મિહિરે કેટલાક ગ્રંથો
રચ્યા. વરાહમિહિરે ખગોળ અને જ્યોતિષનાં
પાંચ શાસ્ત્રો વિષે એક વિરાટ ગ્રંથ ‘પંચસિદ્ધાન્તિકા’ નામે તૈયાર
કર્યો. એમાં સૌ પ્રથમ તેમણે રોમક સિદ્ધાંતની ચર્ચા કરી. આ રોમક સિંદ્ધાંત એટલે રોમનોનું
વિજ્ઞાન. ‘પંચસિદ્ધાંતિકા’ એમનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથ
પાંચ સિદ્ધાંતોનો સમંવય કરે છે. રોમક, પૌલીશ, પૈતામહ, વસિષ્ઠ અને સૂર્ય.
પૈતામહ સિદ્ધાંત આર્યોના બાપદાદાઓના વખત ના ખગોળના સિદ્ધાંતો જણાવે છે. વેદકાળના
આર્યો આકાશી પદાર્થોને જોઇને શું વિચારતા હતા તે આ ભાગમાં જણાવાયું છે.રોમક સિદ્ધાંતમાં
રોમન લોકોના ખગોળના સિદ્ધાંતોની ચર્ચા છે. તે આકાશી પદાર્થોની ગતિ કેવી રીતે ગણે છે
અને એ પદાર્થો પૃથ્વી પરના લોકોને કેવી રીતે અસર કરે છે. તેવું બધું આ ભાગમાં છે. પૌલીશ સિદ્ધાંતનું મૂળ રસપ્રદ છે. મહાન સિકંદરની
યાદમાં સુએઝ નહેરના ભૂમધ્ય મહાસાગરવાળા છેડા પર વસેલા નગર એલેક્ઝાંડ્રિનસ માં પૌલશ
નામનો એક ખગોળશાસ્ત્રી થઇ ગયો. એના જમાનામાં ખગોળ અને જ્યોતિષ અંગે જે કાંઇ શોધો-નોંધો
કરી હતી તેનો સંગ્રહ આ ભાગમાં છે. વસિષ્ઠ અને સૂર્ય સિદ્ધાંત પણ આ જ રીતે સિદ્ધાંતોનો ગ્રંથ છે. ભગવાન
સૂર્યએ મય નામના અસુરને જે સિદ્ધાંતો જણાવ્યા એમનો આ સંગ્રહ સૂર્ય સિદ્ધાંતમાં છે.
તે ઉપરાંત ‘બૃહત્સંહિતા’, બૃહજ્જાતક’ વગેરે ગ્રંથો પણ એમણે રચેલા છે. એ બધાને પ્રતાપે તેઓ ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં
અમર બની ગયા.
આર્યભટ્ટની જેમ તેઓ પણ માનતા હતા કે પૃથ્વી
ગોળ છે. અને ગુરૂત્વાકર્ષણ બળની કલ્પના પણ સૌ પ્રથમ કરનાર વરાહ મિહિર જ હતા. આ સાથે
તેમણે પૃથ્વીની પોતાનીધરી પર ફરવાની ગતિનો વિરોધ કરતી કલ્પના પણ કરી હતી. એમણે પોતાના
ગ્રંથોમાં પોતાના ગ્રંથોમાં પર્યાવરણ, જળશાસ્ત્ર, ભૂમિશાસ્ત્ર, ધાતુ શાસ્ત્ર અને રત્ન્શાસ્ત્ર વિશે પણ ઘણી મત્વની વૈજ્ઞાનિક વાતો લખી છે. વરાહમિહિરે પર્યાવરણ વિજ્ઞાન (ઈકોલોજી),
પાણી વિજ્ઞાન
(હાઈડ્રોલોજી), ભૂવિજ્ઞાન
(જિઓલોજી) વિશે કેટલીક મહત્ત્વની ટિપ્પણીઓ કરી. એમણે ઘણું બધું લખ્યું હતું.
સંસ્કૃત વ્યાકરણમાં નિષ્ણાત અને છંદના જ્ઞાન પરના કાબૂના કારણે એમણે પોતાને એક
અનોખી શૈલીમાં વ્યક્ત કર્યા હતા. એમના વિશાળ જ્ઞાન અને સરસ રજૂઆતને કારણે એમણે
ખગોળ જેવા શુષ્ક વિષયને પણ ખૂબ જ રોચક બનાવી દીધો છે. જેથી એમને ખૂબ જ નામના મળી.
એમનું પુસ્તક ‘પંચ સિદ્ધાંતિકા’
(પાંચ સિદ્ધાંત), ‘બૃહત્સંહિતા’, બૃહદ્ જાતક’ (જ્યોતિષ) એ એમને ‘ફળ જ્યોતિષ’માં એ સ્થાન અપાવ્યું, જે રાજનીતિ દર્શનમાં કૌટિલ્યનું વ્યાકરણમાં
પાણિનિનું અને કાયદામાં મનુનું છે. વરાહમિહિરનો ‘જલાર્ગલ અધ્યાય’ ભૂગર્ભ જળ સંશોધનની ચાવી છે. આજે ઘણાં
વરાહમિહિર કેન્દ્રો ચાલે છે. તે રીતે પશુ ચિકિત્સા અને કૃષિ ઉપયોગી સંશોધનો પણ
તેમણે કર્યાં છે.
એમનું અવસાન
ઇ.સ. ૫૮૭ ની સાલમાં થયું.
No comments:
Post a Comment