Thursday, 5 November 2015

શિક્ષણમાં નાવીન્યકરણ 

      
                                   https://goo.gl/Ql8w4Q


પ્રસ્તાવના

                મોબાઈલ મંચ એ શિક્ષકો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો માટે એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક પ્રોજેક્ટ અંતર્ગત શરુ કરવામાં આવેલ ચર્ચા મંચ છે. આ ચર્ચા મંચમાં શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને દર દસ દિવસના અંતરે પ્રાથમિક શિક્ષણમાં કરવામાં આવેલ નવતર પ્રયોગો તથા પ્રાથમિક શિક્ષણના મુખ્ય મુદ્દા જે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ છે તેને અનુસરીને પ્રશ્ન પૂછવામાં આવે છે. અને શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યો આ મુદ્દા પર મંતવ્યો રજુ કરે છે.
પ્રક્રિયા

દર 10 દિવસે 1 પ્રશ્ન ગૂગલ ફોર્મ દ્વારા પૂછવામાં આવે છે.શિક્ષક અને એસ.એમ.સી સભ્ય માટે અલગ ફોર્મ હોય છે.ફોર્મની લીંક મેસેજ દ્વારામોકલવામાં આવે છે.શિક્ષક અને એસ.એમ.સી સભ્ય ફોર્મમાં મંતવ્યો રજુ કરે છે, અને જવાબ સબમિટ કરે છે.
જાગૃતતા અને પ્રોત્સાહન

શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને એક જવાબ માટે 15 પોઈન્ટનો પત્ર મળે છે, જેની સાથે મળેલ જવાબોનું વિશ્લેષણ કરીને મોકલવામાં આવે છે.દરેક પ્રશ્નમાં નવતર પ્રયોગ વિષે જાણકારી મળે છે અને નવતર પ્રયોગ શું છે અને તે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં કઈ રીતે ઉપયોગી બને છે તેની જાણકારી મળે છે.
પત્રમાં જણાવવામાં આવેલ વિશ્લેષણ પરથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના નવિન વિચારો તથા તેને કઈ રીતે ઉપયોગમાં લેવા તેની જાણકારી સભ્યોને મળે છે.150 પોઈન્ટ થતા એક પ્રમાણપત્ર આઈ.આઈ.એમ-અમદાવાદ તરફથી આપવામાં આવે છે.500 પોઈન્ટ થતા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા આયોજિત નવતર પ્રયોગ કરનાર શિક્ષકોની કોન્ફરન્સમાં શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને આમંત્રિત કરવામાં આવે છે.
ફાયદા

શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોનું એક મોટું નેટવર્ક ઉભું થઇ રહ્યું છે, જ્યાં મોબાઈલની મદદ થી નવીન વિચારોની આપ-લે થાય છે અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના મુદ્દાઓ પર ચર્ચા થાય છે.મોબાઈલ પર મેસેજ દ્વારા ફોર્મની લીંક મોકલવામાં આવે છે જેથી દરેક સભ્ય પોતાના અનુકુળ સમયે સરળતાથી જવાબ આપીને ચર્ચામાં જોડાય છે.શિક્ષણમાં થતા નવીન પ્રયોગોથી સભ્યો જાગૃત થાય છે અને પોતાની શાળામાં આ પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત થાય છે.

મોબાઈલ મંચમાં જોડાવવા માટે આ લીંક પર ક્લિક કરો:


૫ મી નવેમ્બર

જેમ્સ ક્લર્ક મેકવેલ

                 વિજ્ઞાનની આ મહાન વ્યક્તિનો જન્મ સ્કોટલન્ડમાં થયો હતો. જેમ્સને બાળપણથી જ વિજ્ઞાનમાં રસ હતો. બાળપણમાં ખરીદેલાં રમકડાં ખોલી-તોડી તેમાંથી તેના કરતાં પણ વધારે સારાં રમકડાનું નિર્માણ કરતા હતા. એમણે વિજ્ઞાનક્ષેત્રે અવનવાં પ્રયોગો કરવાના શરૂ કર્યા. મેકવેલની રંગમિશ્રણની પ્રક્રિયાના કારણે જ આપણે આજે ટેલિવિઝનના રંગો જોઇ શકીએ છીએ. એક વૈજ્ઞાનિક તરીકે અવારનવાર કેમ્બ્રિજ પણ જતા હતા. અને તેમને કાવ્ય રચનાનો પણ શોખ હતો. મેક્સવેલે પ્રત્યક્ષ પ્રયોગ કરીને બતાવ્યું હતું કે કઇ રીતે વિદ્યુત ચુંબકીય શક્તિ જન્મે છે. મેક્સવેલના અ ડાયનેમિકલ થિયરી ઓફ થી ઇલેક્ટ્રો-મેગ્નેટિક ફિલ્ડ ગ્રંથને કારણે રેડિયો, ટેલિવિઝન,રડાર, વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્પાદન અને નિયંત્રણ પર નિર્ભર કરનારા અનેક અદભૂત ઉપકરણોની રચના આજે સંભવ બની છે.  ૦૫.૧૧.૧૮૭૯ ના રોજ તેમનું અવસાન થયું.  


દેશબંધુ ચિત્તરંજનદાસ

              કલકત્તાના પ્રખર ધારાશાસ્ત્રી ચિત્તરંજનદાસનો જન્મ તા.૦૫.૧૧.૧૮૭૦ ના રોજ કલકતામાં થયો હતો. ૧૮૯૦ માં સ્નાતક થયા બાદ આઇ.સી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા પરંતુ વિચાર બદલતાં બેરિસ્ટર થઇ ૧૮૯૨ માં પરત આવ્યા અને કલકત્તામાં વકીલાત શરૂ કરી.


    તેઓ બંગાળની ધારાસભામાં નિયુક્ત થયા હતા. તે સમયે ઢાકામાં રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરવા માટે તેમણે તે સમયે એક કરોડ કરતાં વધુ રકમનું ફંડ એકત્ર કર્યું હતું. કલકત્તાની મહાનગરપાલિકામાં તેમને મેયર થવાનું માન મળ્યું. તેઓ દેશબંધુના હુલામણા નામથી જાણીતા  થયા હતા. તેમણે પોતાની તમામ સંપત્તિ મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં દાનમાં આપી દીધી હતી.    

૪ થી નવેમ્બર

અહિન્દ્ર ચૌધરી


           અહિન્દ્રબાબુએ ૧૭ વર્ષની વયે શાહજહાંની ભૂમિકાથી નાટ્ય પ્રવૃતિનો આરંભ કરેલો અને તેમની અવિરત અભિનય કળાની આ સેવાથી ખુશ થઇ બંગાળની જનતાએ તેમને નટસૂર્ય ના ઉપાધિથી વિભૂષિત કર્યા હતા.  ભારત સરકારે પણ પદ્મશ્રી થી તેમનું બહુમાન કરેલું છે. એકસોથી વધુ નાટકો અને  લગભગ તેટલા જ ફિલ્મોમાં તેમણે પોતાનો અભિનય આપેલો છે. રંગમંચ છોડ્યા પછી તેમણે રાજ્યની સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તા. ૦૪.૧૧.૧૯૭૪ ના રોજ તેમનું અવસાન થયું હતું.


૩ જી નવેમ્બર

પૃથ્વીરાજ કપૂર
 

             ભારતીય સિનેમા જગતના ચરિત્ર અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા શ્રી પૃથ્વીરાજનો જન્મ પેશાવરમાં તા. ૦૩.૧૧.૧૯૦૬ ના રોજ થયો હતો. અભ્યાસ છોડી દઇ તેઓ અભિનય ક્ષેત્રે ઝંપલાવવા મુંબઇ આવી પહોંચ્યા. કોઇ પણ પાત્રને તેઓ સહજતાથી સ્વીકારી લેતા હતા અને પાત્રમય બની જતા હતા. સિને સૃષ્ટિમાં તેમણે અડધી સદી સદી સુધી સફળતાપૂર્વક કામ કર્યું અને સફળ નામાંકિત ફિલ્મો આપી. તેમણે પૃથ્વી થિએટરની સ્થાપના કરી.અભિજ્ઞાનશકુંતલ ના નાટ્યસ્વરૂપને તેમણે રંગમંચ પર રજૂ કર્યું. સોળ વર્ષ સુધી ૧૦૦ જેટલા કલાકારો નિભાવતી આ નાટ્યસંસ્થા દેશને ખૂણે ખૂણે નટકોરજૂ કરતી. તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. ઇ.સ. ૧૯૭૨ મી તેમનું અવસાન થયું. 

૨ જી નવેમ્બર

પંજાબ કેશરી રણજીતસિંહ


                  નિરક્ષર હોવા છતાં પોતાના રાજ્યમાં શિક્ષણ અને વિદ્વતાને પ્રાધાન્ય આપનાર રાજવી રણજીતસિંહનો જન્મ તા. ૦૨.૧૧.૧૭૮૦ માં શીખ કુટુંબમાં થયો હતો. માત્ર સત્તર વર્ષની નાની વયે એમણે માતા પાસેથી રાજ્ય વહીવટ સંભાળી લીધો હતો. તલવારથી ટેવાયેલા રણજીતસિંહ આખી જિંદગી નિરક્ષર રહેલા. એમના સૈનિકોનો પહેરવેશ પણ યુરોપિયન જેવો હતો. એમના દરબારમાં અનેક વિદ્વાન રત્નો બિરાજતા હતા. તેઓ સર્વધર્મો પ્રત્યે આદર રાખતા હતા. આ પંજાબ કેશરીનું ૫૯ વર્ષની ઉંમરે અવસાન થયું. 



૧ લી નવેમ્બર

ભવિષ્યવેત્તા કીરો
            

           પ્રસિદ્ધ અને મહાન ભવિષ્યવેત્તા કીરોનો જન્મ તા. ૦૧.૧૧.૧૮૬૬ ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. ભવિષ્ય દર્શન અને ગૂઢ વિષયોમાં રસ હોવાના કારણે ભારતમાં આવ્યા. જ્યોતિષની વિદ્યા પ્રાપ્ત કરી. લોકો તેને અમેરિકા, ફ્રાંસ, રશિયા વગેરે દેશોમાં પણ ભવિષ્ય દર્શન માટે બોલાવવા લાગ્યા. ન્યૂયોર્કમાં કીરો સમક્ષ સાત હસ્તછપ આકૃતિઓ રજૂ કરી તેમણે વારાફરતી તેમનો અભ્યાસ કર્યો અને તેમણે દર્શાવેલી બધી જ વિગતો સંપૂર્ણ સાચી હતી. તેના નામ પરથી જ પામીસ્ટ્રીને કીરોમેન્સી કહેવામાં આવે છે.

૩૧ મી ઓક્ટોબર

સરદાર વલ્લભાઇ પટેલ

          ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ જેવા બિરુદો વડે બિરદાવાયેલા ગુર્જરરત્ન વલ્લભભાઇ પટેલનો જન્મ તા. ૩૧-૦૧-૧૮૭૫ માં રોજ કરમસદમાં થયો હતો. પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે, આદર્શ વકીલ તરીકે તેઓ આજીવન સત્ય અને ન્યાયનો પક્ષ લેતા રહ્યા. ભારતીય સ્વાધીનતાના ઉષાકાળમાં નાયબ વડાપ્રધાન પદની સાથે ગૃહખાતુ અને માહિતીખાતા જેવા અગત્યના વિભાગો સંભાળીને સરદારશ્રીએ આપણને જે માર્ગ ચીંધ્યો તે હંમેશા વિકાસના પથ પર લઇ જશે. જે કુનેહ અને સૂઝ સમજથી તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમાં જોડાઇ જવા સમજાવ્યા અને જે ન માન્યા તેમની સામે મક્કમ પગલાં ભર્યા. સરદાર સાહેબે જુનાગઢ-હૈદરાબાદમાં ભજવેલા ભાગે રાષ્ટ્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. ૧૯૫૦ માં અચાનક વલ્લભભાઇને હદયરોગનો હુમલો આવતાં, તેઓ રાષ્ટ્રમાંથી સદાને માટે વિદાય થયા.

૩૦ મી ઓક્ટોબર

દયાનંદ સરસ્વતી
             આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હતો. મહાશિવરાત્રીની પૂજા કરતા મૂળશંકરને શિવલિંગ ઉપર ઉંદરો ફરતા જોયા અને મૂર્તિપૂજાના આડંબર, રહસ્યને શોધવા પાછળ પોતાના જીવનના શ્રેષ્ઠ વર્ષો ખર્ચીને ભારતને સાચા વૈદિક ધર્મની ઓળખ કરાવી. પચીસ વર્ષની વયે સન્યાસ લીધો.
                ૫૧ વર્ષની વયે તેમણે આર્યસમાજની સ્થાપના કરી. હિંદીનું માહાત્મ્ય સમજી તેમણે સત્યાર્થપ્રકાશ હિંદીમાં લખ્યું. સમાજ સુધારણા અને અસ્પૃશ્યતા નિવારણની  બાબતમાં તેમણે ભગીરથ કામ કર્યુ. વિરોધીઓએ  દૂધમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું. દીપાવલીના મંગળ દિને તા. ૩૦-૧૦-૧૮૮૩ના રોજ તેમનું અવસાન થયું.




અણુવિજ્ઞાની ડૉ. હોમી ભાભા

          ભારતને અણુવિજ્ઞાન ક્ષેત્રે ખ્યાતિ અપાવનાર, ભારતમાં અણુવિજ્ઞાન-યુગના પ્રણેતા ડૉ. હોમી જહાંગીર ભાભાનો  જન્મ તા. ૩૦-૧૦-૧૯૦૯ ના રોજ મુંબઇમાં એક સુખી અને સંસ્કારી પારસી પરિવારમાં થયો હતો. તેઓ  ભણવામાં પહેલેથી જ તેજસ્વી હતા. વિજ્ઞાન એમનો પ્રિય વિષય હતો.
            વધુ અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની  બધી જ પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરી ૧૯૩૦માં તેઓ એન્જિનિયર બન્યા. ૧૯૩૪માં પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી અભ્યાસ દરમિયાન તેમણે ક્વોન્ટમ થિયરી, ચુંબકીય ક્ષેત્રે અને કોસ્મિક કિરણો જેવા વિષયોમાં સંશોધન કરી મહત્વનું યોગદાન આપ્યું.

            ભારત સરકારે ૧૯૪૮માં એટમિક એનર્જી કમિશનની સ્થાપના કરી. તેના પ્રથમ ચેરમેન તરીકે ડૉ.હોમી ભાભાની નિમણૂંક કરવામાં આવી. ભારત સરકારે ડૉ. હોમી ભાભાની સેવાઓને ધ્યાનમાં લઇ તેમને ૧૯૫૪ માં પદ્મભૂષણ એવોર્ડ આપી બહુમાન કર્યુ. 

૨૯ મી ઓક્ટોબર

જહોન કિટ્સ

           
             રોમેન્ટિક અંગ્રેજ કવિ શ્રી જહોન કિટ્સનો જન્મ તા. ૨૯-૧૦-૧૭૯૫ ના રોજ લંડનમાં થયેલો. માત્ર બાવીસ વર્ષની વયે તેમણે પોતાનો કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો હતો. પછી તો પશુ દવાખાનામાં ડ્રેસર તરીકેની નોકરી છોડી દઇને કેવળ સાહિત્યસેવાને જ  તેણે પોતાનો વ્યવસાય માન્યો. ટુ એ નાઇટિંગેલ, ઓડ્ઝ ટુ ઓટમ’, હાઇપીરિઓન એન્ડ અધર પોએમ્સ જેવી સુપ્રસિદ્ધ કૃતિઓનું તેણે સર્જન કર્યુ છે. એમનો છેલ્લો કાવ્યસંગ્રહ લામિયા એન્ડ અધર પોએમ્સ નામે પ્રગટ થયો. માત્ર ૨૫ વર્ષની ભરયુવાનીમાંજ કવિ કલાપીની જેમ આ કવિરાજ જગતને છોડી ચાલી નીકળ્યા. 

Wednesday, 28 October 2015

૨૮ મી ઓક્ટોબર

ભગિની નિવેદિતા

             યુરોપના ભોગવિલાસ છોડી ભારતની આજીવન સેવા કરવા માટે, સ્વામી વિવેકાનંદ પાસે હિંદુ ધર્મની દીક્ષા લેનાર મહાન વિદુષી કુમારી ભગિની નિવેદિતા (મિસ માગરિટ નોબલ) નો જન્મ તા.૨૮-૧૦-૧૮૬૭ના રોજ આયર્લેન્ડના એક નાનકડા ગામમાં થયો હતો. હિંદુ સ્ત્રીઓમાં શિક્ષણ અને સંસ્કાર ફેલાવવા કલકતામાં ભગિનીગૃહ સ્થાપ્યું. હિંદની પ્લેગ, રેલ અને મેલેરિયા જેવી આપત્તિઓમાં તેમણે ખડેપગે જે સેવા ઉઠાવી તે તો કદી પણ ભૂલી શકાય તેમ નથી. તેમણે જે ૧૧ પુસ્તકો અને અનેક લેખો  લખ્યા છે તેમાં ભારતનો આત્મા જ પ્રકશે છે. ૧૩-૧૦-૧૯૧૧ની સવારે  એમનું અવસાન થયું. 

Monday, 26 October 2015

૨૭ મી ઓક્ટોબર

વિજય મરચન્ટ

             ભારતીય ક્રિકેટ બેટ્સમેન વિજય મરચન્ટનો જન્મ ક્રિકેટનું સ્વર્ગ ગણાતાં  મુંબઇમાં ઇ.સ. ૧૯૧૧માં થયો હતો. સ્કૂલ તથા કૉલેજની ટીમોમાં કેપ્ટન તરીકે કામગીરી બજાવી. શોખીન ક્રિકેટપ્રેમીઓ દર શનિવારે બપોરે મરચન્ટને તેમની ઓફિસમાં ક્રિકેટ વિશે વિવિધ માહિતી મેળવવા આવતા. ક્રિકેટને તિલાંજલિ આપ્યા બાદ કોમેન્ટટર તરીકે સર્વોતમ સાબિત થયા. મેદાન પર ચાલી રહેલી મેચનું વર્ણન તે ખૂબ જ સુંદર રીતે કરતા. મંદબુદ્ધિના બાળકો પ્રત્યે તેમને ખૂબ જ લગાવ હતો. અંધજન અને અપંગોને પણ મદદરૂપ થયા હતા.તા.૨૭-૧૦-૧૯૮૭માં મુંબઇ ખાતે તેઓ અવસાન પામ્યા.    

૨૬ મી ઓક્ટોબર

ડૉ.વાલ્ડમેર હાફકીન

           ડૉ. વાલ્ડમેર હાફકીનનો જન્મ ઇ. ૧૮૬૦માં  રશિયાના ઓડેસા શહેરમાં થયો હતો. સ્નાતક થઇ જીનીવા વિશ્વવિદ્યાલયમાં જીવનશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક નિમાયા. પોતે શોધેલી કોલેરા વિરોધી રસીનો પ્રયોગ ભારતમાં કરવા વિનંતી કરી. ભારત આવીને એક જ વર્ષમાં પચીસ હજાર માણસોએ તેમની રસીનો લાભ લીધો. સમગ્ર વિશ્વમાં આ રસીની કદર થઇ. પેરીસ વિશ્વવિદ્યાલય તેમને ડી.એસ.સી. ની ઉપાધી આપી. હિંદી સરકારે તેને સી.આઇ.ઇ.નો  ખિતાબ આપ્યો. તેમણે ઊભી કરેલી પ્લેગ રીચર્સ ઇન્સ્ટિટ્યૂટને મુંબઇ સરકારે હાફકીન ઇન્સ્ટિટ્યુટ નામ આપી વિશાળ પાયા પર મૂક્યું. આ સંસ્થાએ રસી ઉપરાંત સાપના ઝેરની વિરુદ્ધ કાર્ય કરતું રસાયણ પણ બનાવ્યું. તા. ૨૬-૧૦-૧૯૩૦ના રોજ આ મહામાનવ પાર્થિવ જગત છોડી ગયા.   

Saturday, 24 October 2015

૨૫ મી ઓક્ટોબર

ડૉ. ગણનાથ સેન

             ભારતીય વૈદકશાસ્ત્રના તજજ્ઞ ડૉ. ગણનાથ સેનનો જન્મ બંગાળમાં ઇ.સ. ૧૮૭૯ માં થયો હતો. ગણનાથે વેદોનું અધ્યયન કરીને પ્રાવીણ્ય મેળવ્યું હતું. સંસ્કૃત, તત્વજ્ઞાન વગેરેનો અભ્યાસ કરી બી.એ. ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. તેમણે પોતાના પિતાના નામને જોડીને વિશ્વનાથ વિદ્યાપીઠ ચલાવી જે આયુર્વેદની એક સુપ્રસિદ્ધ કૉલેજ ગણાઇ. ઉપરાંત કલકતામાં કલ્પતરુ પ્રસાદ નામનો વિશાળ અને ભવ્ય બંગલો પણ બનાવ્યો જ્યાં પછીથી કલ્પતરુ આયુર્વેદ વર્ક્સ નામનું ઔષધીઓનું કારખાનું તમણે શરૂ કર્યું. તેમણે શરીરશાસ્ત્ર’, દ્રવ્યગુણ વિજ્ઞાન જેવા અનેક પુસ્તકો લખીને, આયુર્વેદશાસ્ત્ર ને સમૃદ્ધ કર્યું. તા. ૨૫-૧૦-૧૯૪૪માં ડૉ.ગણનાથનું દેહાવસાન થયું.

Friday, 23 October 2015

૨૪ મી ઓક્ટોબર

રાજવી ભગવતસિંહજી

          ભગતસિંહજીનો જન્મ તા. ૨૪-૧૦-૧૮૬૫ના રોજ ધોરાજી ખાતે થયો હતો. તેમણે રાજકુમાર કૉલેજમાં અંગ્રેજી કેળવણી લીધી. પછી તો ઘણી ડિગ્રીઓ પરદેશમાં પણ મેળવી હતી. પિતાના અવસાન પછી ગોંડલના રાજવી બન્યા તેમણે  એવી દીર્ઘર્દષ્ટિથી રાજ્ય ચલાવ્યું કે ગોંડલના રાજયનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને પોતે પ્રજાપ્રિય થઇ પડ્યા. તેમણે રાજ્યમાં દરેક અઠવાડિયે ઓફિસરોની મુલાકાત લઇ કામકાજની તપાસ કરતા હતા. તેમને સૌથી વધુ કીર્તિ અપાવનાર તેમણે તૈયાર કરેલ ભગવત ગોમંડલ નામનો મહાન શબ્દકોશ છે. ૧૬ વર્ષની મહેનતના  અંતે ૨૫મી ઓગસ્ટ ૧૯૪૪ના રોજ ૯૦૨ પાનાનો દળદાર પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયેલા કુલ નવ ભાગથી બનેલા આ કોશમાં ૨,૮૧,૩૭૭ શબ્દો અને ૯૨૭૦ જેટલા પાનાં છે. ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાની ઉતમ સેવા કરી છે.

૨૩ મી ઓક્ટોબર

દિવ્યકાન્તભાઇ નાણાવટી
               રાજયના પૂર્વકાનૂનમંત્રી, જૂનાગઢના લબ્ધપ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી શ્રી દિવ્યકાંતભાઇ નાણાવટીનો જન્મ તા. ૨૩-૧૦-૧૯૨૩ના રોજ થયો હતો. બી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી. ઇ.સ. ૧૯૪૮માં વકીલત શરૂ કરી. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ હોવા છતા રાજકારણમાં પણ સક્રિય રહેલાં. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી હતી. ગુજરાત વિધાનસભામાં ચૂંટાઇને તેઓ ચીમનભાઇ પટેલની સરકારમાં કાયદામંત્રી તરીકે યશસ્વી કામગીરી કરેલી. ઉપરાંત રાજ્ય સરકારની પબ્લિક એકાઉન્ટન્ટ કમિટિમાં સભ્ય તરીકે અને વિધાનસભાની સમિતિના ચેરમેન તરીકે પાંચ વર્ષ સુધી રહ્યા હતા. પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય પ્રમુખસ્વામી વગેરેના પ્રીતિપાત્ર હતા. ઇ.સ. ૨૦૦૩માં દિવ્યકાંતભાઇનું નિધન થયું.

સોનેટના પ્રણેતા બળવંતરાય  ઠાકોર
              બળવંતરાય ઠાકોરનો જન્મ તા. ૨૩-૧૦-૧૮૬૯ના રોજ ભરૂચ મુકામે થયો હતો. તેઓ સાહિત્ય જગતમાં બ.ક.ઠાકોરના ટૂંકા નામથી જાણીતા હતા.
              પ્રાથમિક શિક્ષણ ભરૂચમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટમાં પુરું કરી ભાવનગરની શામળદાસ કૉલેજમાં તેઓ જોડાયા. ડેક્કન કૉલેજમાંથી ઇતિહાસ વિષય સાથે બી.એ. થયા. કવિ કાલિદાસના શાકુંતલમ નાટકનો ગુજરાતીમાં અનુવાદ એ એમનું પ્રથમ પુસ્તક હતું. ત્યારબાદ બીજા નાટક માલવિકાગ્નિમિત્ર નો અનુવાદ કર્યો.

                  સોનેટનો એક સુંદર સંગ્રહ મ્હારાં સોનેટ નામે પ્રગટ કર્યો. જૂનું પિયરઘર એમનું સુંદર સોનેટ કાવ્ય છે. નવા ઊગતા કવિઓને માર્ગદર્શન મળી રહે તે માટે કવિતા શિક્ષણ નામે પુસ્તક પ્રગટ કર્યું. ઊગતી જવાની નામે નાટકનું પુસ્તક અને સોવિયેટ નવજુવાની નામે નવલિકા સંગ્રહનાં પુસ્તકો પણ આપ્યાં.  

૨૨ મી ઓક્ટોબર

વિઠ્ઠલભાઇ પટેલ
            બ્રિટીશ શાસનકાળથી વડી ધારાસભાના અધ્યક્ષ બનનાર પ્રથમ હિંદી ગરવા ગુજરાતી વિઠ્ઠલભાઇ પટેલનો જન્મ ઇ.સ. ૧૮૭૩માં નડિયાદ મુકામે થયો હતો. કેળવણી પ્રથા અનુસાર એડવોકેટની પરીક્ષા પસાર કરી લંડન જઇ બેરિસ્ટર થયા. વતનમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની એમને ઇચ્છા જાગી અને એ માટે ચૂંટણીમાં ઝંપલાવી ધારાસભામાં પહોંચ્યા. ખેડા સત્યાગ્રહમાં તેમણે ગાંધી ચિંધ્યા માર્ગે સફળ કામગીરી બજાવી હતી. પરદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ ઉપાડી લીધી. કપરી બીમારીનો ઇલાજ કરાવવા તે વિયેના ગયા અને ત્યાં જ તા. ૨૨-૧૦-૧૯૩૩ના રોજ તેમનું અવસાન થયું.



અમૂલના સ્થાપક ત્રિભૂવનદાસ પટેલ
             ત્રિભૂવનદાસ પટેલ ૧૯૪૬માં ખેડા જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી  સ્થાપી, જે અમૂલના નામથી વિશ્વભરમાં જાણીતી થઇ.
             શ્વેતક્રાંતિના પ્રતિક સમી અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસનો જન્મ ૨૨-૧૦-૧૯૦૩ના રોજ આણંદના એક સુખી પરિવારમાં થયો હતો. માધ્યમિક શિક્ષણ પુરું કરી તેજસ્વી ત્રિભુવનદાસે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ માં ભણી સ્નાતક થયા. લડતમાં ભાગ લેવા બદલ અનેકવાર ધરપકડ વહોરી અને જેલમાં પણ જઇ આવ્યા.
                અમૂલની સ્થાપના બાદ ત્રિભુવનભાઇને ડૉ. વર્ગીસ કુરિયન જેવા સન્નિષ્ઠ કાર્યકર મળી ગયા. બંનેની આગેવાની હેઠળ અમૂલે ઘણી પ્રગતિ કરી. આજે તે એશિયા ખંડની સહકારી ધોરણે ચાલતી સૌથી મોટી ડેરી ગણાય છે.
                 તેમને આંતરરાષ્ટ્રીય સન્માન મેગ્સેસ એવોર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા.   


Tuesday, 20 October 2015

૨૧ મી ઓક્ટોબર

જયપ્રકાશ નારાયણ

          જયપ્રકાશ નારાયણનો જન્મ તા. ૨૧-૧૦-૧૯૦૨માં વિજયાદશમીના દિવસે થયો હતો. કૉલેજ શિક્ષણ દરમિયાન જ તેમને રાષ્ટ્રીયતાના સંસ્કાર મળ્યા હતા. ઉચ્ચ શિક્ષણ મેળવવા અમેરિકા જઇ ભણતર અને ઘડતર બંને મેળવ્યા.આદર્શ દંપતિએ આજીવન બ્રહ્મચર્યનું  પાલન કર્યું. અમેરિકાથી પાછા ફર્યા ત્યારે જયપ્રકાશજી સામ્યવાદી રંગે રંગાઇ ચૂક્યા હતા. બિહારના દુષ્કાર વખતે, ગુજરાતના નવનિર્માણ આંદોલનમાં, બિહાર આંદોલન તેમજ કટોકટી વખતે તેમણે જબરજસ્ત ભૂમિકા ભજવી હતી. ઇ.સ. ૧૯૭૯માં તેઓ ચિરનિદ્રામાં પોઢી ગયા.   

૨૦ મી ઓક્ટોબર

ગોવર્ધનરામ ત્રિપાઠી

             સરસ્વતીચંદ્ર મહાન ગ્રંથના કર્તા, ગુજરાતી સાહિત્યના પંડિત યુગના ર્દષ્ટા શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ તા. ૨૦-૧૦-૧૮૫૫ માં નડિયાદ મુકામે થયો હતો. અનેક પ્રતિકૂળતા વચ્ચે એલ.એલ.બી. થઇ વકીલત શરૂ કરી અને વકીલાતમાંથી નિવૃતિ લીધી એ પહેલાં જ તેમના સરસ્વતીચંદ્ર (ભાગ-૧) અને સ્નેહમુદ્રા તો પ્રગટ  થઇ ચૂક્યા હતા. ઉપરાંત નવલરામ જીવનકથા’, દયારામનો અક્ષરદેહ તેમજ અનેક લેખો પણ આપ્યા. ગુણસુંદરી જેવું ગુણિયલ પાત્ર સર્જીને તો ગોવર્ધનરામે ગુર્જર નારીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ તરીકે તેઓ જ પસંદગી પામ્યા હતા. આ મહાન સાહિત્યસ્વામીનું ઇ.સ. ૧૯૦૭ માં નિધન થયું.  

૧૯ મી ઓક્ટોબર

પાંડુરંગ શાસ્ત્રી દાદા
               સ્વાધ્યાય પ્રવૃતિના આદ્યસ્થાપક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ તા. ૧૯-૧૦-૧૯૨૦ના રોજ થયો હતો. શૈશવથી જ ભણવામાં હોશિયાર, વાચનશોખને કારણે મુંબઇની એશિયાટિક સોસાયટીની લાયબ્રેરીમાંથી લાવીને પશ્ચિમ તત્વજ્ઞાનનાં પુસ્તકો વાંચતા. સ્વમાની દાદા કહેતા : હું વશિષ્ઠ-વિશ્વામિત્રની પરંપરાનો બ્રાહ્મણ છું. કોઇનો આશ્રિત નહિ થાઉં, થઇશ તો માત્ર પ્રભુનો’. ગામડે-ગામડે ગીતાનો પ્રચાર કરનાર તેમના અનુયાયીઓ દ્વારા નિ:સ્વાર્થ ભાવે, કૃતજ્ઞતા વ્યક્ત કરવા તીર્થયાત્રા, જેવા અનેક પ્રયોગોના માધ્યમથી સ્વાધ્યાય પ્રવૃતિ ચાલે છે. જેમાં યજમાને માત્ર પ્રકાશ, પાથરણું અને પાણીની નજીવી સહાય જ કરવાની હોઇ છે. ભીલ, માછીમાર, તથા ઉપેક્ષિત જાતિઓમાં જઇ જ્ઞાન અને સ્વમાન જ્યોત પ્રગટાવી છે. આ સંત સ્વાધ્યાયનો અર્થ સમજાવતા કહે છે કે સ્વાધ્યાય એટલે સ્વ નો અભ્યાસ’.સ્વમાં અહંકાર છે તેને દૂર કરવાનો છે. ત્યાં કોઇ ઉંચ-નીચ, અમીર-ગરીબ, શિક્ષિત-અશિક્ષિત નથી. પૂજ્ય દાદા તા. ૨૫-૧૦-૨૦૦૩ના રોજ સ્થૂળદેહનો ત્યાગ કરી પરમધામમાં પહોંચી ગયા.


૧૮ મી ઓક્ટોબર

દલિતોના ઉદ્ધારક મહાત્મા ફૂલે

              જ્યોતિરાવ ફૂલેનો જન્મ તા. ૧૮-૧૦-૧૮૨૭ ના રોજ મહારાષ્ટ્રમાં પુના મુકામે થયો હતો. અત્યંત ગરીબ પરિવારમાં  એમનો  જન્મ તેથી માંડ માંડ પ્રાથમિક શિક્ષણ પુરું કર્યું. અને પિતા અના માળીના વ્યવસાયમાં જોડાયા. છતાં અભ્યાસ તો ચાલુ રાખ્યો. તેમણે પુનામાં સૌપ્રથમ એક કન્યાશાળા શરૂ કરી. પોતાની નિરક્ષર  પત્ની સાવિત્રીબાઇ તે શાળાની પ્રથમ વિદ્યાર્થીની હતી. જ્યોતિરાવે કેટલાંક જાતિભેદ’, વિવેકસાર’, સાર્વજનિક સત્યધર્મ’, શિવાજીચાબડા’, અસ્પૃશ્યાચી કૈફિયત જેવા પુસ્તકો પણ લખ્યાં,

કમ્પ્યુટરનો બાદશાહ બિલ ગેઇટ્સ
            આ કમ્પ્યુટરમાં અમેરિકાના બિલ ગેઇટ્સે આઇ.ટી. ક્ષેત્રે વિન્ડોઝ-૯૫  સિસ્ટમ દ્વારા અદભૂત સિદ્ધિ મેળવી.આવા બિલ ગેઇટ્સનો જન્મ તા.૨૮-૧૦-૧૯૫૫ના રોજ અમેરિકાના સિયાટેલ મુકામે થયો હતો.
              કશુંક કરી નાખવાની ધગશવાળા બિલે માત્ર ૧૯ વર્ષની ઉંમરે ૧૯૭૫માં પોતાના એક મિત્ર સાથે જોડાઇ માક્રોસોફ્ટ નામની કંપની શરૂ કરી. ઓપરેટીંગ સિસ્ટમ માં ઘણા ફેરફારો કરી એનું નામ એમએસ-ડોસ આપ્યું અને તેનું લાયસન્સ આઇબીએમ  કંપનીને આપ્યું.
              બિલ ગેઇટ્સે કમ્પ્યુટર મશીન હાર્ડવેરને આપણી સાથે જોડાતી સોફટવેર ની અનિવાર્ય કડી વિકસાવવાનું કામ હાથ પર લીધું હતું. માઇક્રોસોફ્ટ કંપની જુદી જુદી લેંગ્વેજ અને પ્રોગ્રામના જે સોફટવેર જોઇએ તે વિકસાવવાનું કામ કર્યું.

             આજે તો મલ્ટીમિડીયા, ઇ-મેઇલ, ઇ-કોમર્સ જેવા અનેક ક્ષેત્રો ડિજિટલ કાર્ડમાં રૂપાંતર થવાથી માઇક્રોસોફ્ટ કંપની માટે નવી દિશા ખુલી ગઇ છે. આજે બિલ ગેઇટ્સની ગણના અબજોપતિમાં થાય છે. 

Saturday, 17 October 2015

૧૭ મી ઓક્ટોબર

રત્નમણિરાવ જોટે
             ઇતિહાસવિદ શ્રી રત્નમણિરાવનો જન્મ તા. ૧૭-૧૦-૧૮૯૫માં ભૂજ મુકામે થયો હતો. નાનપણથી લખવાના તેઓ શોખીન હતા. ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસનું વિહંગાવલોકન નામે એક અભ્યાસપૂર્ણ લેખ લખ્યો ત્યારથી એમના તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું. તેમણે કુમાર સામયિકમાં અનેક માહિતીપ્રદ  શોધ નિબંધો લખવાનું કામ વર્ષો સુધી કરેલું. સંસ્કૃત વિષયના પણ તેઓ પંડિત હતા. અવારનવાર ગુજરાત સાહિત્ય સભા અને અખિલભારતીય પ્રાચ્ય પરિષદ માં ભાગ લીધો હતો. બાર વર્ષની લાંબી બિમારી ભોગવી. ઇ.સ. ૧૯૫૫માં મૃત્યુ પામ્યા.

તત્વચિંતક અને ગણિતજ્ઞ : સ્વામી રામતીર્થ
                

            તીર્થરામનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલા ગુજરાનવાલા પ્રદેશમાં મુરલી નામના એક ગામમાં  થયો હતો. કુટુંબની દરિદ્ર અવસ્થામાં તીર્થરામનો આગળ અભ્યાસ ચાલુ રાખવો મુશ્કેલ હતો. છતાં સ્કોલરશીપ મેળવીને  આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. ગણિત એમનો મનગમતો વિષય હતો તેથી તે વિષય સાથે બી.એ. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે ઉતીર્ણ કરી. ૧૯૦૧ની સાલમાં ૨૮ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સ્વામી રામતીર્થ બન્યા. હિમાલયમાં ફર્યા. સ્વામી રામતીર્થ ભારતીય સંસ્કૃતિના સાચા અર્થમાં રાજદૂત હતા. 

૧૬ ઓક્ટોબર

                                           રાષ્ટ્રવીર છેલભાઇ
               
            શૌર્યવંતા રાષ્ટ્રભક્ત છેલભાઇનો જન્મ તા. ૧૬-૧૦-૧૮૮૯ના રોજ થયો હતો. ધ્રાંગધ્રાના રાજવી શ્રી અજિતસિંહજીએ છેલભાઇને  પારખી લીધા અને રાજ્યની લશ્કરી પાંખમાં અફસરપદે નિમણૂંક કરી. વીર છેલભાઇએ મહાભયંકર એવી અનેક અસુર ટોળીઓનો નાશ કરી જનતાને અભયદાન આપ્યું. તેમના પુનિત સ્પર્શે ઘણાં દાનવ માનવ બન્યા હતા. બ્રિટિશ હકૂમતને છેલભાઇ ઘોડેસવારીમાં  ભલભલાને ભૂ પાઇ દેતા. નિશાનબાજીમાં પણ એવા  જ પાવરધા. આ વિરલ વિભૂતિ પુરુષનું અવસાન ઇ.સ. ૧૯૫૬માં રાજકોટ મુકામે થયું. 


Thursday, 15 October 2015

૧૫ મી ઓક્ટોબર

શેખાદમ આબુવાલા
           શેખાદમનો જન્મ અમદાવાદમાં તા. ૧૫.૧૦.૧૯૨૯ ના રોજ થયો હતો. શેખાદમ બાળક હતા  ત્યારે ધિરતે બાદલ’,ખૂલતે બાદલ જેવા સંગ્રહ ની રચના કરી હતી. તેમણે એમ.એ. ની ડિગ્રી મેળવી શિક્ષક તરીકે સેવા પણ બજાવી હતી. વિદ્યાર્થી સમયકાળ દરમિયાન તેમનાં ત્રણ કાવ્યો સંસ્કૃતિ માં પ્રગટ થયા.શેખાદમનાં લગભગ ૧૪ જેટલાં કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ગઝલે સનમ, સોરી લટ વગેરેના સર્જનથી તેમને પ્રસિદ્ધિ મળી. તેમની નવલકથાઓમાં તું એક ગુલાબી સપનું છે.’, ફૂલ બનીને આવજે’,આયનામાં કોણ છે વગેરેનો સમાવેશ થય છે. શેખાદમ રચિત ગીતો વિખ્યાત ગાયક પંકજ ઉધાસના સ્વરથી ગવાયેલાં છે. ઇ.સ. ૧૯૮૫ માં તેમનું અવસાન થયું.

મોગલ સમ્રાટ અકબર
               અકબરનો જન્મ તા. ૧૫ ઓક્ટોબર ૧૫૪૨ ના રોજ ઉમરકોટના કિલ્લામાં થયો હતો. તે સમયે તેમના પિતા દુશ્મનોના હુમલાથી નાસભાગ કરતા હતા.
        સીડી પરથી ગબડી પડતાં પિતા હુમાયુ મૃત્યુ પામ્યા હતા. તેથી માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને રાજ્ય વહીવટ સંભાળવાની જવાબદારી લેવી પડી હતી. રઝળપાટના લીધે અકબર અક્ષરજ્ઞાનથી વંચિત રહી ગયા હતા. અકબર દૂરંદેશી હતા. તેણે હિંદુઓને પોતાના મિત્રો બનાવ્યા હતા. રાજસ્થાનની રાજકન્યા જોધાબાઇ સાથે લગ્ન કર્યા. પોતાના દરબારમાં હિંદુઓને ઊંચા હોદ્દા આપ્યા.   જજિયાવેરો નાબૂદ કર્યો. તેમના દરબારમાં બીરબલ, તાનસેન, ટોડરમલ જેવા નવરત્નો બિરાજતા હતા. બધા ધર્મોનો સાર લઇ તેમણે એક નવા માનવતાવાદી વિશ્વ ધર્મ દિને ઇલાહી ને સ્થાપના કરી હતી.



Wednesday, 14 October 2015

૧૪ મી ઓક્ટોબર

નિખિલ બેનર્જી


              સમર્થ સિતારવાદક નિખિલ બનર્જીનો  જન્મ તા. ૧૪-૧૦-૧૯૩૧ ના રોજ કલકતામાં થયો હતો. માત્ર નવ વર્ષની ઉંમરે સિતારકલામાં પ્રવીણ બની ગયા હતા. કલકતામાં અલીઅકબરખાન કૉલેજ ઑફ મ્યુઝિક માં અધ્યાપક તરીકે નિમણૂંક પામીને, સંગીતના વિકાસ અને વિસ્તાર માટે યોગદાન આપતા રહ્યા. તેમના વાદનમાં પ્રારંભિક આલાપથી શરૂ કરીને ઝાલા સુધી સમાનતા બની રહે છે. વગાડતી વખતે પોતાના પ્રકારો ગમક, સપાટ, બઢત વગેરે પ્રસ્તુત  કરવા તેમજ મિજરાબના વિભિન્ન બોલો રજૂ કરવામાં. તેઓ એમ માનતા કે મહાન કલાકાર એ છે કે જે પોતાની કલામાં એવી નવીનતા ઉત્પન્ન કરે કે શ્રોતાઓને રસ પડે તો જ સંગીત લોકહ્રદય સુધી પહોંચે છે. ઇ.સ. ૧૯૮૬ માં તેઓનું અવસાન થયું.

Tuesday, 13 October 2015

પાવાગઢ -ચાંપાનેર

                        પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું તીર્થસ્થળ ગણાય છે.


         શ્રદ્ધાળુઓને પાવાગઢ પર ખૂબ જ શ્રદ્ધા છે. લોકો નવરાત્રીના નવ દિવસે વિશેષ પાવાગઢ જવાનું પસંદ કરે છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થી પગપાળા મહાકાળી માતાજીના ધામમાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં કાળકા માતાના ગરબા ઘેર-ઘેર ગવાય છે. પાવાગઢની મહાકાળી માતાજીની શકિતપીઠ મહાશક્તિશાળી કહેવાય છે.
                 રમણીય પાવાગઢ પર્વતની તળેટીમાં વસેલું અનેક શિલ્પ-સ્થાપત્યો અને જાહોજલાલીપૂર્ણ ઈમારતોનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું નાગર એટલે ચાંપાનેર. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ અનુસાર ખડચંપાના રંગની આ ભૂમિ પર વનરાજ ચાવડાના મંત્રી ચાંપાએ ચાંપાનેર નગર વસાવ્યું હોવાનું મનાય છે.

આવી જ પાવાગઢ -ચાંપાનેર વિશેની અવનવી વાતો જાણવા માટે અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયેલ અને વિશ્વ વિરાસત ધાર્મિક સ્થળ વિશેની માહિતી પૂરી પાડતી અને પ્રવાસીઓ માટે માર્ગદર્શન રૂપ પાવાગઢ-ચાંપાનેરની વેબસાઇટ તારીખ ૧૩/૧૦/૨૦૧૫ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલની હાજરીમાં પાવાગઢ ધાર્મિક સ્થળ ખાતેના વિકાસ કામોના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત તેમના શુભ હસ્તે ખુલ્લી મૂકવામાં આવી. જેમાં ચાંપાનેરનો ઐતિહાસિક ઇતિહાસ,સ્થાપત્યો અને લોકવાયકાઓ તેમજ પ્રવાસ સ્થળ તેમજ અન્ય પ્રવાસીય સુવિધાઓ વિશેની માહિતી મૂકવામાં આવેલ છે. તો અવશ્ય મુલાકાત લો. 




હેલ્પ લાઈન નંબર
(02676) 293110/293048

 ઈમેલ

info@pavagadhchampaner.com