Thursday, 5 November 2015

શિક્ષણમાં નાવીન્યકરણ 

      
                                   https://goo.gl/Ql8w4Q


પ્રસ્તાવના

                મોબાઈલ મંચ એ શિક્ષકો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો માટે એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક પ્રોજેક્ટ અંતર્ગત શરુ કરવામાં આવેલ ચર્ચા મંચ છે. આ ચર્ચા મંચમાં શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને દર દસ દિવસના અંતરે પ્રાથમિક શિક્ષણમાં કરવામાં આવેલ નવતર પ્રયોગો તથા પ્રાથમિક શિક્ષણના મુખ્ય મુદ્દા જે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ છે તેને અનુસરીને પ્રશ્ન પૂછવામાં આવે છે. અને શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યો આ મુદ્દા પર મંતવ્યો રજુ કરે છે.
પ્રક્રિયા

દર 10 દિવસે 1 પ્રશ્ન ગૂગલ ફોર્મ દ્વારા પૂછવામાં આવે છે.શિક્ષક અને એસ.એમ.સી સભ્ય માટે અલગ ફોર્મ હોય છે.ફોર્મની લીંક મેસેજ દ્વારામોકલવામાં આવે છે.શિક્ષક અને એસ.એમ.સી સભ્ય ફોર્મમાં મંતવ્યો રજુ કરે છે, અને જવાબ સબમિટ કરે છે.
જાગૃતતા અને પ્રોત્સાહન

શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને એક જવાબ માટે 15 પોઈન્ટનો પત્ર મળે છે, જેની સાથે મળેલ જવાબોનું વિશ્લેષણ કરીને મોકલવામાં આવે છે.દરેક પ્રશ્નમાં નવતર પ્રયોગ વિષે જાણકારી મળે છે અને નવતર પ્રયોગ શું છે અને તે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં કઈ રીતે ઉપયોગી બને છે તેની જાણકારી મળે છે.
પત્રમાં જણાવવામાં આવેલ વિશ્લેષણ પરથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના નવિન વિચારો તથા તેને કઈ રીતે ઉપયોગમાં લેવા તેની જાણકારી સભ્યોને મળે છે.150 પોઈન્ટ થતા એક પ્રમાણપત્ર આઈ.આઈ.એમ-અમદાવાદ તરફથી આપવામાં આવે છે.500 પોઈન્ટ થતા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા આયોજિત નવતર પ્રયોગ કરનાર શિક્ષકોની કોન્ફરન્સમાં શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને આમંત્રિત કરવામાં આવે છે.
ફાયદા

શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોનું એક મોટું નેટવર્ક ઉભું થઇ રહ્યું છે, જ્યાં મોબાઈલની મદદ થી નવીન વિચારોની આપ-લે થાય છે અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના મુદ્દાઓ પર ચર્ચા થાય છે.મોબાઈલ પર મેસેજ દ્વારા ફોર્મની લીંક મોકલવામાં આવે છે જેથી દરેક સભ્ય પોતાના અનુકુળ સમયે સરળતાથી જવાબ આપીને ચર્ચામાં જોડાય છે.શિક્ષણમાં થતા નવીન પ્રયોગોથી સભ્યો જાગૃત થાય છે અને પોતાની શાળામાં આ પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત થાય છે.

મોબાઈલ મંચમાં જોડાવવા માટે આ લીંક પર ક્લિક કરો:


૫ મી નવેમ્બર

જેમ્સ ક્લર્ક મેકવેલ

                 વિજ્ઞાનની આ મહાન વ્યક્તિનો જન્મ સ્કોટલન્ડમાં થયો હતો. જેમ્સને બાળપણથી જ વિજ્ઞાનમાં રસ હતો. બાળપણમાં ખરીદેલાં રમકડાં ખોલી-તોડી તેમાંથી તેના કરતાં પણ વધારે સારાં રમકડાનું નિર્માણ કરતા હતા. એમણે વિજ્ઞાનક્ષેત્રે અવનવાં પ્રયોગો કરવાના શરૂ કર્યા. મેકવેલની રંગમિશ્રણની પ્રક્રિયાના કારણે જ આપણે આજે ટેલિવિઝનના રંગો જોઇ શકીએ છીએ. એક વૈજ્ઞાનિક તરીકે અવારનવાર કેમ્બ્રિજ પણ જતા હતા. અને તેમને કાવ્ય રચનાનો પણ શોખ હતો. મેક્સવેલે પ્રત્યક્ષ પ્રયોગ કરીને બતાવ્યું હતું કે કઇ રીતે વિદ્યુત ચુંબકીય શક્તિ જન્મે છે. મેક્સવેલના અ ડાયનેમિકલ થિયરી ઓફ થી ઇલેક્ટ્રો-મેગ્નેટિક ફિલ્ડ ગ્રંથને કારણે રેડિયો, ટેલિવિઝન,રડાર, વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્પાદન અને નિયંત્રણ પર નિર્ભર કરનારા અનેક અદભૂત ઉપકરણોની રચના આજે સંભવ બની છે.  ૦૫.૧૧.૧૮૭૯ ના રોજ તેમનું અવસાન થયું.  


દેશબંધુ ચિત્તરંજનદાસ

              કલકત્તાના પ્રખર ધારાશાસ્ત્રી ચિત્તરંજનદાસનો જન્મ તા.૦૫.૧૧.૧૮૭૦ ના રોજ કલકતામાં થયો હતો. ૧૮૯૦ માં સ્નાતક થયા બાદ આઇ.સી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા પરંતુ વિચાર બદલતાં બેરિસ્ટર થઇ ૧૮૯૨ માં પરત આવ્યા અને કલકત્તામાં વકીલાત શરૂ કરી.


    તેઓ બંગાળની ધારાસભામાં નિયુક્ત થયા હતા. તે સમયે ઢાકામાં રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરવા માટે તેમણે તે સમયે એક કરોડ કરતાં વધુ રકમનું ફંડ એકત્ર કર્યું હતું. કલકત્તાની મહાનગરપાલિકામાં તેમને મેયર થવાનું માન મળ્યું. તેઓ દેશબંધુના હુલામણા નામથી જાણીતા  થયા હતા. તેમણે પોતાની તમામ સંપત્તિ મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં દાનમાં આપી દીધી હતી.    

૪ થી નવેમ્બર

અહિન્દ્ર ચૌધરી


           અહિન્દ્રબાબુએ ૧૭ વર્ષની વયે શાહજહાંની ભૂમિકાથી નાટ્ય પ્રવૃતિનો આરંભ કરેલો અને તેમની અવિરત અભિનય કળાની આ સેવાથી ખુશ થઇ બંગાળની જનતાએ તેમને નટસૂર્ય ના ઉપાધિથી વિભૂષિત કર્યા હતા.  ભારત સરકારે પણ પદ્મશ્રી થી તેમનું બહુમાન કરેલું છે. એકસોથી વધુ નાટકો અને  લગભગ તેટલા જ ફિલ્મોમાં તેમણે પોતાનો અભિનય આપેલો છે. રંગમંચ છોડ્યા પછી તેમણે રાજ્યની સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તા. ૦૪.૧૧.૧૯૭૪ ના રોજ તેમનું અવસાન થયું હતું.


૩ જી નવેમ્બર

પૃથ્વીરાજ કપૂર
 

             ભારતીય સિનેમા જગતના ચરિત્ર અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા શ્રી પૃથ્વીરાજનો જન્મ પેશાવરમાં તા. ૦૩.૧૧.૧૯૦૬ ના રોજ થયો હતો. અભ્યાસ છોડી દઇ તેઓ અભિનય ક્ષેત્રે ઝંપલાવવા મુંબઇ આવી પહોંચ્યા. કોઇ પણ પાત્રને તેઓ સહજતાથી સ્વીકારી લેતા હતા અને પાત્રમય બની જતા હતા. સિને સૃષ્ટિમાં તેમણે અડધી સદી સદી સુધી સફળતાપૂર્વક કામ કર્યું અને સફળ નામાંકિત ફિલ્મો આપી. તેમણે પૃથ્વી થિએટરની સ્થાપના કરી.અભિજ્ઞાનશકુંતલ ના નાટ્યસ્વરૂપને તેમણે રંગમંચ પર રજૂ કર્યું. સોળ વર્ષ સુધી ૧૦૦ જેટલા કલાકારો નિભાવતી આ નાટ્યસંસ્થા દેશને ખૂણે ખૂણે નટકોરજૂ કરતી. તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. ઇ.સ. ૧૯૭૨ મી તેમનું અવસાન થયું. 

૨ જી નવેમ્બર

પંજાબ કેશરી રણજીતસિંહ


                  નિરક્ષર હોવા છતાં પોતાના રાજ્યમાં શિક્ષણ અને વિદ્વતાને પ્રાધાન્ય આપનાર રાજવી રણજીતસિંહનો જન્મ તા. ૦૨.૧૧.૧૭૮૦ માં શીખ કુટુંબમાં થયો હતો. માત્ર સત્તર વર્ષની નાની વયે એમણે માતા પાસેથી રાજ્ય વહીવટ સંભાળી લીધો હતો. તલવારથી ટેવાયેલા રણજીતસિંહ આખી જિંદગી નિરક્ષર રહેલા. એમના સૈનિકોનો પહેરવેશ પણ યુરોપિયન જેવો હતો. એમના દરબારમાં અનેક વિદ્વાન રત્નો બિરાજતા હતા. તેઓ સર્વધર્મો પ્રત્યે આદર રાખતા હતા. આ પંજાબ કેશરીનું ૫૯ વર્ષની ઉંમરે અવસાન થયું. 



૧ લી નવેમ્બર

ભવિષ્યવેત્તા કીરો
            

           પ્રસિદ્ધ અને મહાન ભવિષ્યવેત્તા કીરોનો જન્મ તા. ૦૧.૧૧.૧૮૬૬ ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. ભવિષ્ય દર્શન અને ગૂઢ વિષયોમાં રસ હોવાના કારણે ભારતમાં આવ્યા. જ્યોતિષની વિદ્યા પ્રાપ્ત કરી. લોકો તેને અમેરિકા, ફ્રાંસ, રશિયા વગેરે દેશોમાં પણ ભવિષ્ય દર્શન માટે બોલાવવા લાગ્યા. ન્યૂયોર્કમાં કીરો સમક્ષ સાત હસ્તછપ આકૃતિઓ રજૂ કરી તેમણે વારાફરતી તેમનો અભ્યાસ કર્યો અને તેમણે દર્શાવેલી બધી જ વિગતો સંપૂર્ણ સાચી હતી. તેના નામ પરથી જ પામીસ્ટ્રીને કીરોમેન્સી કહેવામાં આવે છે.

૩૧ મી ઓક્ટોબર

સરદાર વલ્લભાઇ પટેલ

          ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ જેવા બિરુદો વડે બિરદાવાયેલા ગુર્જરરત્ન વલ્લભભાઇ પટેલનો જન્મ તા. ૩૧-૦૧-૧૮૭૫ માં રોજ કરમસદમાં થયો હતો. પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે, આદર્શ વકીલ તરીકે તેઓ આજીવન સત્ય અને ન્યાયનો પક્ષ લેતા રહ્યા. ભારતીય સ્વાધીનતાના ઉષાકાળમાં નાયબ વડાપ્રધાન પદની સાથે ગૃહખાતુ અને માહિતીખાતા જેવા અગત્યના વિભાગો સંભાળીને સરદારશ્રીએ આપણને જે માર્ગ ચીંધ્યો તે હંમેશા વિકાસના પથ પર લઇ જશે. જે કુનેહ અને સૂઝ સમજથી તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમાં જોડાઇ જવા સમજાવ્યા અને જે ન માન્યા તેમની સામે મક્કમ પગલાં ભર્યા. સરદાર સાહેબે જુનાગઢ-હૈદરાબાદમાં ભજવેલા ભાગે રાષ્ટ્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. ૧૯૫૦ માં અચાનક વલ્લભભાઇને હદયરોગનો હુમલો આવતાં, તેઓ રાષ્ટ્રમાંથી સદાને માટે વિદાય થયા.

૩૦ મી ઓક્ટોબર

દયાનંદ સરસ્વતી
             આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હતો. મહાશિવરાત્રીની પૂજા કરતા મૂળશંકરને શિવલિંગ ઉપર ઉંદરો ફરતા જોયા અને મૂર્તિપૂજાના આડંબર, રહસ્યને શોધવા પાછળ પોતાના જીવનના શ્રેષ્ઠ વર્ષો ખર્ચીને ભારતને સાચા વૈદિક ધર્મની ઓળખ કરાવી. પચીસ વર્ષની વયે સન્યાસ લીધો.
                ૫૧ વર્ષની વયે તેમણે આર્યસમાજની સ્થાપના કરી. હિંદીનું માહાત્મ્ય સમજી તેમણે સત્યાર્થપ્રકાશ હિંદીમાં લખ્યું. સમાજ સુધારણા અને અસ્પૃશ્યતા નિવારણની  બાબતમાં તેમણે ભગીરથ કામ કર્યુ. વિરોધીઓએ  દૂધમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું. દીપાવલીના મંગળ દિને તા. ૩૦-૧૦-૧૮૮૩ના રોજ તેમનું અવસાન થયું.




અણુવિજ્ઞાની ડૉ. હોમી ભાભા

          ભારતને અણુવિજ્ઞાન ક્ષેત્રે ખ્યાતિ અપાવનાર, ભારતમાં અણુવિજ્ઞાન-યુગના પ્રણેતા ડૉ. હોમી જહાંગીર ભાભાનો  જન્મ તા. ૩૦-૧૦-૧૯૦૯ ના રોજ મુંબઇમાં એક સુખી અને સંસ્કારી પારસી પરિવારમાં થયો હતો. તેઓ  ભણવામાં પહેલેથી જ તેજસ્વી હતા. વિજ્ઞાન એમનો પ્રિય વિષય હતો.
            વધુ અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ત્યાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની  બધી જ પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરી ૧૯૩૦માં તેઓ એન્જિનિયર બન્યા. ૧૯૩૪માં પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી અભ્યાસ દરમિયાન તેમણે ક્વોન્ટમ થિયરી, ચુંબકીય ક્ષેત્રે અને કોસ્મિક કિરણો જેવા વિષયોમાં સંશોધન કરી મહત્વનું યોગદાન આપ્યું.

            ભારત સરકારે ૧૯૪૮માં એટમિક એનર્જી કમિશનની સ્થાપના કરી. તેના પ્રથમ ચેરમેન તરીકે ડૉ.હોમી ભાભાની નિમણૂંક કરવામાં આવી. ભારત સરકારે ડૉ. હોમી ભાભાની સેવાઓને ધ્યાનમાં લઇ તેમને ૧૯૫૪ માં પદ્મભૂષણ એવોર્ડ આપી બહુમાન કર્યુ. 

૨૯ મી ઓક્ટોબર

જહોન કિટ્સ

           
             રોમેન્ટિક અંગ્રેજ કવિ શ્રી જહોન કિટ્સનો જન્મ તા. ૨૯-૧૦-૧૭૯૫ ના રોજ લંડનમાં થયેલો. માત્ર બાવીસ વર્ષની વયે તેમણે પોતાનો કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો હતો. પછી તો પશુ દવાખાનામાં ડ્રેસર તરીકેની નોકરી છોડી દઇને કેવળ સાહિત્યસેવાને જ  તેણે પોતાનો વ્યવસાય માન્યો. ટુ એ નાઇટિંગેલ, ઓડ્ઝ ટુ ઓટમ’, હાઇપીરિઓન એન્ડ અધર પોએમ્સ જેવી સુપ્રસિદ્ધ કૃતિઓનું તેણે સર્જન કર્યુ છે. એમનો છેલ્લો કાવ્યસંગ્રહ લામિયા એન્ડ અધર પોએમ્સ નામે પ્રગટ થયો. માત્ર ૨૫ વર્ષની ભરયુવાનીમાંજ કવિ કલાપીની જેમ આ કવિરાજ જગતને છોડી ચાલી નીકળ્યા.