Friday, 26 June 2015

એનીઆરઓઆર.

                  
એનીઆરઓઆર.
                 
                જમીન મહેસૂલના ઉતારામાં થતા ફેરફારથી અજાણ રહેતા લોકો હવે ઘરે બેઠાં જાણકારી મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા જમીન મહેસૂલના ઉતારા ઓનલાઈન કરાતાં અત્યાર સુધી જમીનના રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે માહિ‌તી મેળવવા મામલતદાર ઓફિસમાં ધક્કા ખાતા નાગરિકો એનીઆરઓઆર. ગુજરાત. જીઓવી. ઈન વેબસાઈટ પર જઈ મહેસૂલી ઉતારા મેળવી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.અત્યાર સુધી જમીન મહેસૂલના ઉતારા ૭/૧૨, ૮-અ અને ૬-કમાં થનાર કોઈ પણ પ્રકારના ફેરફારની માહિ‌તી મેળવવા માટે નાગરિકોએ મામલતદાર ઓફિસના ધક્કા ખાવા પડતા હોય છે.
                   તેમાં પણ બહાર ગામ કે વિદેશ રહેતા નાગરિકોને તેમની જમીનના મહેસૂલી રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે ભગવાન ભરોસે જ રહેવું પડતું હોય છે. આ સ્થિતિમાં ઘણી વખત જમીન માલિકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.આ વિગતો સરકારના ધ્યાને આવતાં મહેસૂલ વિભાગે માત્ર જીસ્વાન સાઈટ પર ઓનલાઈન દેખાતા ૭/૧૨, ૮-અ અને ૬-કના ઉતારાને પબ્લિક ડોમીન પર મૂકી સાર્વજનિક કર્યા છે. જેનાથી રાજ્ય સરકારની વેબસાઈટ પર જઈ હવે નાગરિકો ઘરે બેઠાં જ મહેસૂલી ઉતારા જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
-શું છે ૭/૧૨?
           મહેસૂલી રેકોર્ડમાં ગામ નમૂના નંબર ૭ અને ૧૨ માલિકી હક્ક માટે હોય છે. ગામ નમૂના નંબર ૭માં જમીન માલિકનું નામ, જમીનનું ક્ષેત્રફળ, થયેલ ફેરફારની નોંધ, ખાતા નંબર, ગામ, તાલુકો અને જિલ્લાની વિગતો દર્શાવવામાં આવી હોય છે. જ્યારે કોઈ કાનૂની કેસ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી લ્હેણાની વિગતો પણ બીજા હક્કમાં દર્શાવેલી હોય છે. જ્યારે ગામ નમૂના નંબર ૧૨માં પાક સહિ‌તની વિગતો હોય છે.
-શું છે ૮-અ?
ગામ નમૂના ૮-અ ખાતા તરીકે ઓળખાય છે. જેમાં એક જ જમીન માલિકની ગામમાં આવેલી તમામ જમીનોના સર્વે નંબરની વિગતોનું એક ખાતું બનાવવામાં આવે છે. જે ૮-અ તરીકે ઓળખાય છે.
-શું છે ૬-ક?
ગામ નમૂના ૬-કને હક્ક પત્રક નોંધ તરીકે ઓળખાય છે. ૭/૧૨માં દર્શાવેલી ફેરફાર નોંધોની વિગતો ૬-કમાં હોય છે. રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે હક્કપત્રક ૬-કમાં નોંધ પડાય છે.
-છેતરપિંડીના બનાવો ઘટશે
હાલ મહેસૂલી ઉતારામાં થતા ફેરફારોથી અજાણ જમીન માલિકો સાથે છેતરપિંડી થતી હોય છે. એનઆરઆઈ લોકોના કિસ્સામાં આવી ઘટનાઓ બને છે. પરંતુ હવે ઓનલાઈન મહેસૂલી ઉતારાથી વિદેશમાં બેઠેલા લોકો પણ જમીનનો મહેસૂલી રેકોર્ડ જોઈ શકશે.
-અન્ય હેતુ માટે ઉપયોગ નહીં થાય
ઓનલાઈન મહેસૂલી રેકોર્ડને પ્રિન્ટ પણ કરી શકાશે. પરંતુ આ રેકોર્ડ કોઈ પણ સરકારી કે કાયદાકીય રેકોર્ડમાં ઉપયોગ કરી શકાશે નહીં. સરકારી કે કાયદાકીય ઉપયોગ માટે મામલતદાર કચેરીમાંથી પ્રમાણિત નકલો જ મેળવવાની રહેશે.
વધુ માહિતી માટે  મુલાકાત લો 









No comments: