Friday, 26 June 2015

એનીઆરઓઆર.

                  
એનીઆરઓઆર.
                 
                જમીન મહેસૂલના ઉતારામાં થતા ફેરફારથી અજાણ રહેતા લોકો હવે ઘરે બેઠાં જાણકારી મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા જમીન મહેસૂલના ઉતારા ઓનલાઈન કરાતાં અત્યાર સુધી જમીનના રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે માહિ‌તી મેળવવા મામલતદાર ઓફિસમાં ધક્કા ખાતા નાગરિકો એનીઆરઓઆર. ગુજરાત. જીઓવી. ઈન વેબસાઈટ પર જઈ મહેસૂલી ઉતારા મેળવી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.અત્યાર સુધી જમીન મહેસૂલના ઉતારા ૭/૧૨, ૮-અ અને ૬-કમાં થનાર કોઈ પણ પ્રકારના ફેરફારની માહિ‌તી મેળવવા માટે નાગરિકોએ મામલતદાર ઓફિસના ધક્કા ખાવા પડતા હોય છે.
                   તેમાં પણ બહાર ગામ કે વિદેશ રહેતા નાગરિકોને તેમની જમીનના મહેસૂલી રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે ભગવાન ભરોસે જ રહેવું પડતું હોય છે. આ સ્થિતિમાં ઘણી વખત જમીન માલિકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.આ વિગતો સરકારના ધ્યાને આવતાં મહેસૂલ વિભાગે માત્ર જીસ્વાન સાઈટ પર ઓનલાઈન દેખાતા ૭/૧૨, ૮-અ અને ૬-કના ઉતારાને પબ્લિક ડોમીન પર મૂકી સાર્વજનિક કર્યા છે. જેનાથી રાજ્ય સરકારની વેબસાઈટ પર જઈ હવે નાગરિકો ઘરે બેઠાં જ મહેસૂલી ઉતારા જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
-શું છે ૭/૧૨?
           મહેસૂલી રેકોર્ડમાં ગામ નમૂના નંબર ૭ અને ૧૨ માલિકી હક્ક માટે હોય છે. ગામ નમૂના નંબર ૭માં જમીન માલિકનું નામ, જમીનનું ક્ષેત્રફળ, થયેલ ફેરફારની નોંધ, ખાતા નંબર, ગામ, તાલુકો અને જિલ્લાની વિગતો દર્શાવવામાં આવી હોય છે. જ્યારે કોઈ કાનૂની કેસ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી લ્હેણાની વિગતો પણ બીજા હક્કમાં દર્શાવેલી હોય છે. જ્યારે ગામ નમૂના નંબર ૧૨માં પાક સહિ‌તની વિગતો હોય છે.
-શું છે ૮-અ?
ગામ નમૂના ૮-અ ખાતા તરીકે ઓળખાય છે. જેમાં એક જ જમીન માલિકની ગામમાં આવેલી તમામ જમીનોના સર્વે નંબરની વિગતોનું એક ખાતું બનાવવામાં આવે છે. જે ૮-અ તરીકે ઓળખાય છે.
-શું છે ૬-ક?
ગામ નમૂના ૬-કને હક્ક પત્રક નોંધ તરીકે ઓળખાય છે. ૭/૧૨માં દર્શાવેલી ફેરફાર નોંધોની વિગતો ૬-કમાં હોય છે. રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે હક્કપત્રક ૬-કમાં નોંધ પડાય છે.
-છેતરપિંડીના બનાવો ઘટશે
હાલ મહેસૂલી ઉતારામાં થતા ફેરફારોથી અજાણ જમીન માલિકો સાથે છેતરપિંડી થતી હોય છે. એનઆરઆઈ લોકોના કિસ્સામાં આવી ઘટનાઓ બને છે. પરંતુ હવે ઓનલાઈન મહેસૂલી ઉતારાથી વિદેશમાં બેઠેલા લોકો પણ જમીનનો મહેસૂલી રેકોર્ડ જોઈ શકશે.
-અન્ય હેતુ માટે ઉપયોગ નહીં થાય
ઓનલાઈન મહેસૂલી રેકોર્ડને પ્રિન્ટ પણ કરી શકાશે. પરંતુ આ રેકોર્ડ કોઈ પણ સરકારી કે કાયદાકીય રેકોર્ડમાં ઉપયોગ કરી શકાશે નહીં. સરકારી કે કાયદાકીય ઉપયોગ માટે મામલતદાર કચેરીમાંથી પ્રમાણિત નકલો જ મેળવવાની રહેશે.
વધુ માહિતી માટે  મુલાકાત લો 









‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો''

          
‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો''

               ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવણીના સમાપન અવસરની ઐતિહાસિક ભેટ રૂપે ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' ના સશક્ત તાલુકા વહીવટીતંત્રનો  પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકાને વિકાસના ગૌરવરૂપ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.પ્રત્યેક તાલુકાના વિકાસના સપના સાકાર થાય તેવી તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જીને પ્રત્યેક તાલુકાને તેના સામર્થ્યની આગવી ઓળખ ઊભી કરવા તેમણે આહ્વાહન કર્યું હતું.

              જનસેવા કેન્દ્રમાં દૂરદૂરનાં ગામડેથી આવતાં નાગરિકોને તકલીફ પડતી હતી. તે સમસ્યાનાં સમાધાનરૂપે તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રો શરૂ કરવાનો વિચાર આવ્યો અને ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' યોજના અમલમાં મુકવામાં આવી.



સ્વાગત ઓનલાઇન

સ્વાગત ઓનલાઇન
(રાજ્ય સ્તરે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદો અને સૂચનોની રજૂઆત)
           મહિનાના દર ચોથા ગુરુવારે મુખ્યમંત્રી જનસંપર્ક અભિયાન અતર્ગત તેમની કચેરીમાં સ્વાગતયોજના અન્વીયે પ્રજાની ફરિયાદો-સૂચના સાંભળે છે અને તેનો પ્રતિ ઉત્તર અને દિશા સૂચન કરે છે. દ્રશ્ય શ્રાવ્યના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સંલગ્નત ખાતાકીય વડાઓ તેમજ જિલ્લાવાર મુખ્યાલયના પ્રતિનિધિઓ હાજર હોય છે. અંતરિયાળ વિસ્તારના આમ આદમીની ફરિયાદ સ્વા‍ગતયોજના અંતર્ગત મુખ્ય મંત્રીશ્રી ગાંધીનગર સ્થિત તેમની કચેરીમાં સાંભળે છે. અને તેના જવાબો આપી તેમના પ્રશ્નોનું નિવારણ કરે છે. રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિકારીઓ પ્રજાના પ્રશ્નોનું શ્રેષ્ઠતમ પરિણામ આવે તેવા પ્રયાસો સતત કરતા રહે છે. સ્વાતગતકાર્યક્રમના શરૂઆતના સમય ગાળાથી આજ સુધી મળેલી - સાંભળેલી ફરિયાદોમાંથી અંદાજિત ૯૨.૪૫ % જેટલી ફરિયાદોનો સંતોષજનક નિકાલ કરવામાં આવ્યો .
 અને આ વિષે વધુ જાણવા માટે




ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય

              ગૃહ વિભાગ, સચિવાલયના વિભાગોમાં મહત્વનો વિભાગ છે. આ વિભાગનો મુખ્ય હેતુ સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી બક્ષવાનો છે.
         
                  મુંબઈ રાજયમાંથી તા.1/5/1960 થી ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતાં સૌ પ્રથમ ગૃહ, માહિતી પ્રસારણ અને નાગરિક પુરવઠા વિભાગ નામનો અલગ વિભાગ અસ્તિત્વમાં આવ્યો.
                
                ગૃહ વિભાગ માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હસ્તક છે.શ્રી રજની પટેલ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તરીકેનો હવાલો સંભાળે છે.શ્રી પી.કે.તનેજા , આઈ.એ.એસ., ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી છે.શ્રી જી.એસ.મલીક, આઈ.પી.એસ., સચિવશ્રી (ગૃહ) છે.

                    ગૃહવિભાગનીમુખ્ય કામગીરી અને તેના વિશે વિશેષમાં જાણવા માટે મુલાકત લો.





કવિ કલાપી

કવિ કલાપી

             જીવનમાં અને કવનમાં આવા રાજા, કવિ અને ઋજુ હ્રદયના સ્નેહીજનનો યોગ તો ક્વચિત જ થાય. કવિ અને પ્રેમ યોગી તરીકે કલાપી અને પ્રજા વત્સલ રાજા તરીકે સુરસિંહજી ગોહિલ ગુજરાતના લોકહ્રદયમાં ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં આવેલા લાઠી ગામના આ રાજવી પ્રભાતના શુક્રતારકની જેમ, અલ્પ આયુષ્ય ભોગવીને ભરયુવાનીમાં જ વિદેહ થયા.
      લાઠીના ગોહિલવંશ રાજકુટુંબમાં ૨૬-૦૧-૧૮૭૪ ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું. નાનપણથી જ એમનામાં વૈરાગ્ય ભાવના પ્રબળ હતી. રાજ્ય વહીવટ અને રાજ ખટપટથી કંટાળો આવતો. આમ છતાં કુશળ રાજકર્તા થવા માટેનાં બધા પ્રયત્નો તેમણે  કર્યા હતા.
   કલાપીએ ૧૮ વર્ષની વયે લેખન પ્રવૃતિ શરૂ કરી હતી. કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, માયા અને મુદ્રિકા, હ્રદય ત્રિપુટી, ભરત વગેરે કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કલાપીના જીવન પર અસર કરનારા સ્નેહીઓમાં મણિલાલ નભુભાઇ , ગોવર્ધનરામ, કવિ કાંત, રૂપશંકર ઓઝા, દરબાર વાજસુરવાળા, કવિ ત્રિભુવન મુખ્ય હતા.

        કલાપીના કાવ્યોમાં તેમના જીવનનું પારદર્શક પ્રતિબિંબ પડે છે. શરૂઆતના કાવ્યો વિરહ, વ્યથા અને ઝંખનાની લાગણીઓથી ભરપૂર છે. જ્યારે શોભના સાથેના લગ્ન પછીના કાવ્યો તૃપ્તિ અને મસ્તીની ભરતીથી ઊછળતા મહાસાગર જેવાં છે. પ્રણયના પારિતોષમાંથી સર્જાયેલાં તેમનાં કાવ્યો  વાચક ભાવને મુગ્ધ કરતાં રહ્યાં. માત્ર આઠ જ વર્ષના કવનકાળમાં તેમાના હાથે મૂલ્યવાન સાહિત્યનું સર્જન થયું. પ્રગાઢ પ્રણય અને વૈરાગ્ય વૃતિનો આ અમર તારલો તા. ૧૦-૦૬-૧૯૦૦ ના રોજ અચાનક બ્રહ્મલીન થઇ ગયો.