Friday 26 June 2015

કવિ કલાપી

કવિ કલાપી

             જીવનમાં અને કવનમાં આવા રાજા, કવિ અને ઋજુ હ્રદયના સ્નેહીજનનો યોગ તો ક્વચિત જ થાય. કવિ અને પ્રેમ યોગી તરીકે કલાપી અને પ્રજા વત્સલ રાજા તરીકે સુરસિંહજી ગોહિલ ગુજરાતના લોકહ્રદયમાં ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લામાં આવેલા લાઠી ગામના આ રાજવી પ્રભાતના શુક્રતારકની જેમ, અલ્પ આયુષ્ય ભોગવીને ભરયુવાનીમાં જ વિદેહ થયા.
      લાઠીના ગોહિલવંશ રાજકુટુંબમાં ૨૬-૦૧-૧૮૭૪ ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હતું. નાનપણથી જ એમનામાં વૈરાગ્ય ભાવના પ્રબળ હતી. રાજ્ય વહીવટ અને રાજ ખટપટથી કંટાળો આવતો. આમ છતાં કુશળ રાજકર્તા થવા માટેનાં બધા પ્રયત્નો તેમણે  કર્યા હતા.
   કલાપીએ ૧૮ વર્ષની વયે લેખન પ્રવૃતિ શરૂ કરી હતી. કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ, માયા અને મુદ્રિકા, હ્રદય ત્રિપુટી, ભરત વગેરે કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કલાપીના જીવન પર અસર કરનારા સ્નેહીઓમાં મણિલાલ નભુભાઇ , ગોવર્ધનરામ, કવિ કાંત, રૂપશંકર ઓઝા, દરબાર વાજસુરવાળા, કવિ ત્રિભુવન મુખ્ય હતા.

        કલાપીના કાવ્યોમાં તેમના જીવનનું પારદર્શક પ્રતિબિંબ પડે છે. શરૂઆતના કાવ્યો વિરહ, વ્યથા અને ઝંખનાની લાગણીઓથી ભરપૂર છે. જ્યારે શોભના સાથેના લગ્ન પછીના કાવ્યો તૃપ્તિ અને મસ્તીની ભરતીથી ઊછળતા મહાસાગર જેવાં છે. પ્રણયના પારિતોષમાંથી સર્જાયેલાં તેમનાં કાવ્યો  વાચક ભાવને મુગ્ધ કરતાં રહ્યાં. માત્ર આઠ જ વર્ષના કવનકાળમાં તેમાના હાથે મૂલ્યવાન સાહિત્યનું સર્જન થયું. પ્રગાઢ પ્રણય અને વૈરાગ્ય વૃતિનો આ અમર તારલો તા. ૧૦-૦૬-૧૯૦૦ ના રોજ અચાનક બ્રહ્મલીન થઇ ગયો. 

No comments: