Tuesday 20 August 2013

પાવાગઢ

           પાવાગઢ   ગુજરાતના શક્તિપીઠોમાંનું એક મહત્વનું પીઠ છે. પાવાગઢ પર્વત એ મહાકાળી માતાનું પ્રાચીન ધાર્મિક સ્થાન છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતો આ પર્વત અને એની તળેટીમાં સૂતેલી ઇસ્લામી નગરી ચાંપાનેર હાલોલથી ૭ કિ.મી. દૂર આવેલાં છે.

           વનરાજ ચાવડાના સેનાપતિ ચાંપા વણિકની યાદમાં તેણે આ નગર આઠમી સદીમાં બંધાવ્યું હતું. પતાઈ વંશના રાવળ રાજાઓ અહીં સત્તાધીશ હતા. રાવળ રાજા પતાઈ જયસિંહના હાથમાં ચાંપાનેર હતું. મહંમદ બેગડાએ વિક્રમ સંવત ૧૫૪૧(ઈ.સ. ૧૪૮૪માં) પાવાગઢ લીધું. મહંમદ બેગડાના હાથે એ સ્થાનનો અને એ રાજ્યનો નાશ થયો, પરંતુ મહાકાળીના પ્રતાપે અને તેના સતથી હજી પણ આ સ્થાનનું મહત્વ દેવી તીર્થ તરીકે જળવાઈ રહ્યું છે.
       પાવાગઢ ડુંગર ઉપર આવેલું મહાકાળીનું મંદિર ૨૭૨૦  ફૂટની ઊંચાઈ ઉપર છે, ચાંપાનેરથી પાવાગઢ જતાં શરૂઆતમાં જ વિશ્વામિત્રી નદી આવે છે. ત્યાં મજબૂત કિલ્લેબંધીનો નીચલો કોટ આવે છે. પર્વત ઉપર આગળ ચઢવા માટે વિવિધ દરવાજા જેવા કે અટક દરવાજો ,‘બુઢિયાદરવાજો આવે છે, જ્યાં હિના નામનું તળાવ છે . ત્યાંથી આગળ જતાં ચાર દરવાજામાંથી પસાર થવું પડે છે. આ સ્થળે રસ્તો વાંકોચુંકો, સર્પાકાર છે. અહીંથી થોડે દૂર આગળ જતાં મકાઈ કોઠારનો દરવાજો આવે છે. હજીયે જીર્ણ થયેલ મકાઈ કોઠારો દરવાજાની બાજુમાં ઊભા છે. અહીંથી આગળ વધતાં ડાબી બાજુએ ભદ્રકાળી જવાનો માર્ગ આવે છે. અહીંથી આગળ વધતાં તારા દરવાજો આવે છે. ત્યાંથી માંચી ગામ,ખાપરા ઝવેરીના મહેલ તરફ જવાય છે. તેનાથી આગળ સૂરજ દરવાજો અને ટકોરખાનનો દરવાજો આવે છે. ટકોરખાનના દરવાજામાં પ્રવેશ કરીને આપણે પાવાગઢના સૌથી ઉંચા શિખર પર પહોંચી જઈએ છીએ. અહીં તેલિયા, છાસિયું તળાવ અને દૂધિયા તળાવ નામના તળાવો આવે છે.  આ ઉપરાંત દિગંબર જૈન મંદિરો પણ  આવેલાં  છે. ૨૧૦ પગથિયાં ચડ્યા પછી મહાકાળીના મંદિરમાં દાખલ થવાય છે. ઊભા ખડકની અંદરથી કાપી કાઢેલાં આ પગથિયાં પ્રખ્યાત મહાદેવજી સિંધીયાએ બંધાવેલાં છે.
        કાળકા માતાના મંદિરની બાંધણી નાની અને સાદી છે. મંદિરના ગર્ભગૃહમાં 3 મૂર્તિઓ બિરાજે છે. ડાબી બાજુએ મહાકાળીની મૂર્તિ, જમણી બાજુએ બહુચર માતાનું યંત્ર અને વચમાં આ સ્થાનની અધિષ્ઠાત્રી કાળકા માતાની મૂર્તિનો મુખભાગ. એવું કહેવાય છે કે, આ મૂર્તિની સ્થાપના વિશ્વામિત્ર ઋષિએ કરી હતી. આને કારણે જ પર્વતમાંથી નીકળતી નદીનું નામ વિશ્વામિત્રી એવું આપવામાં આવ્યું છે. મુખ્ય શિખર ઉપર આવી પગથિયાં આગળથી પશ્ચિમ બાજુ  નવલખા કોઠાર આવેલા છે. જ્યાં પતાઈ રાવળના સમયમાં અનાજ ભરવામાં આવતું હતું.

        પાવાગઢ ઉપર આ ઉપરાંત ભોંયરાં, કૂંડો, મહેલોનાં ખંડેરો વગેરે ઘણું જોવાનું છે. આસપાસ વનસ્પતિ પણ વિવિધ અને પુષ્કળ થાય છે. ચાંપાનેરથી એક કિ.મી. દૂર વડા તળાવ છે. જ્યાં મહંમદ બેગડાના મહેલના અવશેષો પથરાયેલ છે. યાત્રાળુઓ માટે આ સ્થળ પર્યટન સ્થાન બની રહે તેવું છે. આસાપાસનાં જોવાલાયક સ્થળોમાં ચાંપાનેરમાં જામા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, મજૂરી મસ્જિદ વગેરે છે.

No comments: