Monday, 23 June 2014

વરાહમિહિર

            લગભગ બે હજાર વર્ષ પહેલાં આચાર્ય વરાહ મિહિર ભારતના મધ્યપ્રદેશના ઉજજૈનની પાસે રહેતા હતા. રાજા વિક્રમાદિત્યની સભાના નવ રત્નોમાંના તેઓ એક હતા. વરાહમિહિર નામમાં બે નામોનો સમાવેશ થાય છે. વરાહ એટલે વિષ્ણુ અને મિહિર એટલે સૂર્ય. આમાં વરાહ તો વિક્રમાદિત્ય રાજાએ પાછળથી આપેલું બિરુદ હતું. વરાહ મિહિરે રાજકુમારના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે એણે આ ભવિષ્યવાણી કરી હતી કે રાજકુમારનું મૃત્યુ અઢારમા વર્ષે થશે. અને તે ભવિષ્યવાણી સાચી ઠરી. વિક્રમાદિત્ય દુ:ખી હતા પરંતુ એક વાતનું ગર્વ હતું કે આવા વિદ્વાનો પણ તેમના રાજમાં છે. પંડિત મિહિરના આવા જ્ઞાનના કારણે વિક્રમાદિત્યે એમને વરાહ નું બિરુદ આપ્યું હતું.
           ભારતના જ્યોતિષ, ખગોળ, ગણિત, ધાતુશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિજ્ઞાનોને ક્ષેત્રે વરાહમિહિરનો ફાળો ઘણો મોટો છે. છતાં એમના જીવન વિષે પણ કેટલીક દંત કથાઓ મળે છે. વરાહ મિહિર ઉજ્જૈન નજીકના કપિથ્થ નામે ગામે જનમ્યા હતા. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા વરાહ મિહિરનું જન્મનું વર્ષ ઇ.સ. ૪૯૯ માનવામાં આવે છે. એમના પિતાનું નામ આદિત્યદાસ હતું. એમના પિતા આદિત્યદાસ સૂર્ય ભગવાનના ભક્ત હતા. એમણે મિહિરને જ્યોતિષ વિદ્યા શીખવાડી.
       એમના કુટુંબમાં વંશપરંપરાથી જ્યોતિષ અંને  ખગોળનું જ્ઞાન ઊતરતું આવ્યું હતું. કુસુમપુર (પટના) જઈ  નાલંદાની મુલાકાત વેળાએ યુવાન મિહિર મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ દર્શન થયા. અહીંના વિદ્વાનોમાં આર્યભટ્ટને નાની ઉંમરમાં સ્થાન મળ્યું હતું. એમની સાથે વાતો કરવાનો લાભ મળ્યો. એમની પાસેથી એમને એટલી બધી પ્રેરણા મળી કે એમણે જ્યોતિષ વિદ્યા અને ખગોળના જ્ઞાનને જ પોતાના જીવનનું ધ્યેય બનાવી લીધું.
        મિહિરે વિદ્યા પ્રાપ્ત કરવા ઉજ્જૈન જૈ વસવાનું નક્કી કર્યું. ઉજ્જૈન જ્ઞાન-વિદ્યાની બાબતમાં મહત્વનું હતું. છેલ્લા હજારેક વર્ષોથી દૂરદૂરથી આવતી નવી પ્રજાઓ અને એમની વિદ્યાઓનું મિલન કેન્દ્ર બની ગયું હતું. ગ્રીકો, શક, કુષાણ, યુએચી વગેરે જે કોઇ વિદેશી પ્રજા ભારતમાં આવી તે બધાનાં રાજકીય કેન્દ્રમાં ઉજ્જૈન મહત્વનું હતું. ત્યારબાદ વરાહમિહિરે ગ્રીસમાં જઇ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આમ ખૂબ વાંચી વિચારીને અને પ્રવાસ દ્વારા જ્ઞાન મેળવીને કેટલાક સિદ્ધાંતો તારવીને વરાહ મિહિરે કેટલાક ગ્રંથો રચ્યા. વરાહમિહિરે ખગોળ અને જ્યોતિષનાં પાંચ શાસ્ત્રો વિષે  એક વિરાટ ગ્રંથ પંચસિદ્ધાન્તિકા નામે તૈયાર કર્યો. એમાં સૌ પ્રથમ તેમણે રોમક સિદ્ધાંતની ચર્ચા કરી. આ રોમક સિંદ્ધાંત એટલે રોમનોનું વિજ્ઞાન. પંચસિદ્ધાંતિકા એમનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથ પાંચ સિદ્ધાંતોનો સમંવય કરે છે. રોમક, પૌલીશ, પૈતામહ, વસિષ્ઠ અને સૂર્ય.
     પૈતામહ સિદ્ધાંત આર્યોના બાપદાદાઓના વખત ના ખગોળના સિદ્ધાંતો જણાવે છે. વેદકાળના આર્યો આકાશી પદાર્થોને જોઇને શું વિચારતા હતા તે આ ભાગમાં જણાવાયું છે.રોમક સિદ્ધાંતમાં રોમન લોકોના ખગોળના સિદ્ધાંતોની ચર્ચા છે. તે આકાશી પદાર્થોની ગતિ કેવી રીતે ગણે છે અને એ પદાર્થો પૃથ્વી પરના લોકોને કેવી રીતે અસર કરે છે. તેવું બધું આ ભાગમાં છે.  પૌલીશ સિદ્ધાંતનું મૂળ રસપ્રદ છે. મહાન સિકંદરની યાદમાં સુએઝ નહેરના ભૂમધ્ય મહાસાગરવાળા છેડા પર વસેલા નગર એલેક્ઝાંડ્રિનસ માં પૌલશ નામનો એક ખગોળશાસ્ત્રી થઇ ગયો. એના જમાનામાં ખગોળ અને જ્યોતિષ અંગે જે કાંઇ શોધો-નોંધો કરી હતી તેનો સંગ્રહ આ ભાગમાં છે. વસિષ્ઠ અને સૂર્ય  સિદ્ધાંત પણ આ જ રીતે સિદ્ધાંતોનો ગ્રંથ છે. ભગવાન સૂર્યએ મય નામના અસુરને જે સિદ્ધાંતો જણાવ્યા એમનો આ સંગ્રહ સૂર્ય સિદ્ધાંતમાં છે. તે ઉપરાંત બૃહત્સંહિતા’, બૃહજ્જાતક વગેરે ગ્રંથો પણ એમણે રચેલા છે. એ બધાને પ્રતાપે તેઓ ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં અમર બની ગયા.
            આર્યભટ્ટની જેમ તેઓ પણ માનતા હતા કે પૃથ્વી ગોળ છે. અને ગુરૂત્વાકર્ષણ બળની કલ્પના પણ સૌ પ્રથમ કરનાર વરાહ મિહિર જ હતા. આ સાથે તેમણે પૃથ્વીની પોતાનીધરી પર ફરવાની ગતિનો વિરોધ કરતી કલ્પના પણ કરી હતી. એમણે પોતાના ગ્રંથોમાં પોતાના ગ્રંથોમાં પર્યાવરણ, જળશાસ્ત્ર, ભૂમિશાસ્ત્ર, ધાતુ શાસ્ત્ર અને રત્ન્શાસ્ત્ર વિશે પણ ઘણી મત્વની વૈજ્ઞાનિક વાતો લખી છે. વરાહમિહિરે પર્યાવરણ વિજ્ઞાન (ઈકોલોજી), પાણી વિજ્ઞાન (હાઈડ્રોલોજી), ભૂવિજ્ઞાન (જિઓલોજી) વિશે કેટલીક મહત્ત્વની ટિપ્પણીઓ કરી. એમણે ઘણું બધું લખ્યું હતું. સંસ્કૃત વ્યાકરણમાં નિષ્ણાત અને છંદના જ્ઞાન પરના કાબૂના કારણે એમણે પોતાને એક અનોખી શૈલીમાં વ્યક્ત કર્યા હતા. એમના વિશાળ જ્ઞાન અને સરસ રજૂઆતને કારણે એમણે ખગોળ જેવા શુષ્ક વિષયને પણ ખૂબ જ રોચક બનાવી દીધો છે. જેથી એમને ખૂબ જ નામના મળી. એમનું પુસ્તક પંચ સિદ્ધાંતિકા’ (પાંચ સિદ્ધાંત), ‘બૃહત્સંહિતા’, બૃહદ્ જાતક’ (જ્યોતિષ) એ એમને ફળ જ્યોતિષમાં એ સ્થાન અપાવ્યું, જે રાજનીતિ દર્શનમાં કૌટિલ્યનું વ્યાકરણમાં પાણિનિનું અને કાયદામાં મનુનું છે. વરાહમિહિરનો જલાર્ગલ અધ્યાયભૂગર્ભ જળ સંશોધનની ચાવી છે. આજે ઘણાં વરાહમિહિર કેન્દ્રો ચાલે છે. તે રીતે પશુ ચિકિત્સા અને કૃષિ ઉપયોગી સંશોધનો પણ તેમણે કર્યાં છે.
  એમનું અવસાન ઇ.સ. ૫૮૭ ની સાલમાં થયું.  






Sunday, 22 June 2014

ઝંડુ ભટ્ટજી

વૈધરાજ ઝંડુ ભટ્ટજી
                  
           ઝંડુ ભટ્ટજીનો જન્મ જામનગરના પ્રશ્નોતરા નાગર પરિવારમાં વિક્રમ સંવત ૧૮૮૭ના વૈશાખ સુદ ૫ ને રવિવારના રોજ થયો હતો. પાંચ પુત્ર અને ચાર બહેનોમાં  ભટ્ટજી સહુથી મોટા હતા. તેમના પિતાનું નામ વિઠ્ઠલ ભટ્ટજી અને માતાનું નામ સૂરજકુંવર હતું. ઝંડુ ભટ્ટજીના પિતા જામનગરના રાજા જામ રણમલના રાજવૈદ હતા. હાદાવેદા ના નામે ઓળખાતા તેમના પૂર્વજો લગભગ ત્રણસો-ચારસો  વર્ષ પહેલા પશ્ચિમ કાઠિયાવાડના છોટા કાશી ગણાતા જામનગરમાં આવી નિવાસ કરેલો.
           જામ ભટ્ટજીનું મૂળ નામ કરૂણાશંકર હતું. પરંતુ માથાના વાળ ઝંડુ જેવા તેથી માતા એમને  ઝંડુ ના હુલામણા નામથી બોલાવતી, એટલે પછી ઝંડુ ભટ્ટજી નામ પ્રચલિત થઇ ગયું. નાનપણથી જ તેઓ તીવ્ર જિજ્ઞાસાવૃતિ ધરાવતા હતા. વિ.સ. ૧૮૯૮ માં તેમને જનોઇ આપીને અભ્યાસનો પ્રારંભ થયો. જામનગરના પ્રખ્યાત શાસ્ત્રી મહીધર હરિભાઇ પાસે સંસ્કૃત નું જ્ઞાન મેળવ્યું. પિતાજી પાસેથી આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ સંસ્કૃતનો વિશેષ અભ્યાસ શાસ્ત્રી કેશવજી મોરારજી પાસે કર્યો. તેમને ચરક, સુશ્રુત અને વાગ્ભટના વૈદક ગ્રંથો પર અપાર ભાવ હતો.
           બાર વર્ષની વયે સાવરકુંડલાના માયારામ ભાટ્ટજીના પુત્રી પ્રભાકુંવર સાથે તેમના લગ્ન થયા.  સોળ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૦૩-૦૪ માં પિતાજીએ જામ રણમલની નોકરીમાં જોડી દીધા. સં. ૧૯૦૮ માં જામ રણમલ ગુજરી જતાં જામ વીભાજી ગાદીએ આવ્યા. તે સમયે તેમની સારવાર બાહોશીથી કરી અને તે જ દિવસે તેમને સાજા કર્યા. ત્યાર બાદ તે અરસામાં ભટ્ટજીની ખ્યાતિ સાંભળી એક યોગીરાજ ઉદરરોગની સારવાર માટે આવ્યા. ભટ્ટજીએ તેમને સાજા કર્યા અને બદલામાં યોગવિદ્યા શીખવવા માટે આગ્રહ કર્યો. વિ.સં. ૧૯૧૮ માં તેમના પિતાનું અવસાન થયું. તેમણે વૈદકનો સારો પ્રચાર કરવા માટે સુખદેવ મહાદેવની પ્રિય વાડીમાં વિ.સં. ૧૯૨૦ ના શ્રાવણ માસમાં જામસાહેબના સહકારથી તેમણે આયુર્વેદિક દવાઓનો ભંડાર,રસશાળા સ્થાપી. તેમણે પોતાની વાડીમાં ઔષધો રાખવાની સાથે સાથે દર્દીઓને રહેવાની સગવડ પણ ઊભી કરી. આમ આધુનિક હૉસ્પિટલનો ખ્યાલ ઝંડુ ભટ્ટજીએ આપ્યો.  
            વિ.સં. ૧૯૨૧ થી ૧૯૪૩ સુધીમાં મુંબઇ, રાજકોટ, ચૂડા, મોરબી, વઢવાણ અને માળિયામાં બીજી શાખાઓ ખોલી. ત્યારબાદ અમદાવાદમાં શ્રી દુર્લભજી શ્યામલ ધ્રુવ અને જટાશંકરભાઇની મદદથી સં.૧૯૪૫ માં રાયપુર ચકલાસામાં રસશાલાની શાખાઓ ખોલી. તેમની જીવન પ્રતિજ્ઞા હતી કે सिद्धे रसे करिष्यामि, निर्दारिद्र्यगतं जगत्। અર્થાત રસ સિદ્ધિ થતાં જગતને દરિદ્રતા તથા રોગથી રહિત કરીશ.
                      સં. ૧૯૩૧ માં જામસાહેબે ઝંડુ ભટ્ટજીને જામનગર શહેરના સુધરાઇના પ્રમુખ નીમ્યા. તેમણે સફાઇ અને સ્વસ્છતા માટે ઘણા કાર્યો કર્યા અને મૃત્યુપત્રકની નોંધ તેમણે શરૂ કરાવી. તેમણે લોકોને આરોગ્ય કેમ જાળવવું તે સમજાવવા જીવિત વર્ધક મંડળી સ્થાપી. વિ.સં. ૧૯૪૩ માં વૈદકને લગતા જ્ઞાનપ્રચાર માટે રસેશવૈદવિજ્ઞાન નામનું દ્વિમાસિક પણ શરૂ કર્યું. તેમણે જામનગરના દુર્લભ એવા બરડા ડુંગરના જંગલમાંથી વનસ્પતિના ઔષધિય ઉપયોગથી જામસાહેબને ખાસી ઉપજ અપાવી. આ બધા કારણોએ જામ વીભાની ભટ્ટજી પર પ્રિતી જાગી અને તેમનો પગાર વધારી આપ્યો સાથે તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના પુત્ર શંકરપ્રસાદ ઝંડુને મળ્યા કરતો.
        નડિયાદમાં દેસાઇ બિહારીદાસના કુંટુંબમાં કોઇની બીમારીની સારવાર માટે ભટ્ટજી આવ્યા અને વીસ દિવસ રોકાયા. વૈશાખ વદ પાંચમને મંગળવારે સવારે આઠ વાગ્યે તેઓ દરદીઓને દવા આપી રહ્યા હતા ને દર્દ ઉપડ્યું અને આરામખુરશીમાં બેઠાબેઠા પંચત્વ પામ્યા.      


Sunday, 15 June 2014

કરાડ નદી પર આવેલો પથ્થરનો પટ એટલે ચક્કી-આરો કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪

            કરાડ નદી પંચમહાલ જીલ્લાના હાલોલ,ઘોઘંબા અનેકાલોલ  તાલુકામાંથી પસાર થાય છે. અને આ તમામ તાલુકાને પીવાનું અને સિંચાઇનું પાણી પણ પૂરું પાડે છે. આ ઉપરાંત આ નદીના રેતાળ પટ પર શાકભાજી અને ફળની ખેતી પણ કરવામાં આવે છે. ઘોઘંબા તાલકાના રાજગઢ પાસે આ કરાડ નદી પર બંધ બાંધવામાં આવેલ છે જેનાથી એક વિશાળ સરોવર પણ તૈયાર થાય છે. જે એક જોવાલાયક સ્થળ તરીકે વિકાસ પામેલ છે. ફિલ્મના શુટિંગ સ્થળ તરીકે પણ આ જગ્યાને પસંદ કરવામાં આવે છે.  
                 હવે આપણે વાત કરવાના છીએ કરાડ નદી પર આવેલા એક મનોરમ્ય સ્થળની,જેના ચોક્કસ સ્થાન વિશે કહીએતો આ સ્થળ હાલોલ અને કાલોલ તાલુકાને અલગ કરતા હાલોલ તાલુકાના મારૂઆ ગામ અને કાલોલ તાલુકાના મેંદાપુર ગામ વચ્ચે આવેલ છે.જે હાલોલથી અને કાલોલથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલ છે.જ્યાં પહોંચવા માટે હાલોલ તાલુકાના મધવાસ ગામ પાસેથી રાહતલાવ-મસવાડ ના માર્ગે અને હાલોલ તાલુકાના તરખંડા વરસડાચોકડી થી મસવાડ ના માર્ગે જવું પડે છે. મસવાડથી મારૂઆ ગામની સરહદમાં આ રમણીય સ્થળ  આવેલું છે. જ્યાં વાહન છેક  નદીના પટ સુધી લઇ જઇ શકાય તેઓ માર્ગ છે. 
              આ સ્થળ  આજુબાજુના ગામના લોકો માટે પવિત્ર સ્થળ માનવામાં આવે છે,અને વાર-તહેવારે દર્શન  તેમજ ઉજાણી માટે  અહી લોકો ભેગા થાય છે. થોડા વર્ષો  પહેલા આ સ્થળ પાસે ગાયત્રી પરિવાર દ્વ્રારા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતું હતું. આ સ્થળ પર દેવી-દેવતાઓના લગ્ન થયા હોવાનૂં માનવામાં આવે છે અને જેની સાબિતી રૂપ અહી પથ્થરો પર મંડપ રોપાયાના થાંભલાના ખાડા પણ અમુક અમુક અંતરે જોવા મળે છે. તેમજ લગ્નમાં ભેગા થેયેલા માનવો અને વિવિધ પ્રાણીઓના પગલાં પણ અહીં પથ્થરો પર અંકિત થયેલા જોવા મળે છે. આ ઉપરાંત એક માહિતી એવી મળે છે કે અહીંથી પાવગઢને જોડતું એક ગુપ્ત ભોંયરુ પણ છે. જેનો ઉપયોગ  રાજાઓ રક્ષણ અને પાણી મેળવવા માટે કરતા. આ વિશાળ પટ પર દેવી-દેવતાના લગ્નની ચૉરી પણ નિર્માણ થયેલ છે.તેમજ અહી આવતું પાણી એક કુંડમાં ભેગું થઇ પછી ગાયના મુખ જેવી રચનામાંથી ધોધ રૂપે પડે છે જેને ગૌમુખી ધારા માનવામાં આવે છે. 


કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  મન મોહક દ્રશ્ય  

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  પથ્થરો પરથી ઉછળતું પાણી 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ આસપાસના તાડના વૃક્ષ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  પથ્થરનો વિશાળ પટ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  નાના નાના ધોધ અને  પાણીનો ઉછળાટ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ ગૌમુખી ધારા 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ કુંડમાં પડતી પાણીની ધારા અને સ્થળ સુધી વાહનનો માર્ગ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  ન્હાવાની મજા માણતા બાળકો 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ પાણીના કુંડ જેવી રચના જ્યાં દેવોની લગ્નની ચૉરી હોવાની લોકવાયકા છે.

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ ચક્કી આરાથી પાવાગઢનું દ્રશ્ય 

Saturday, 8 February 2014

શ્રી ગાયત્રી પરિવાર

ગજ્જર કાંતિલાલ ગોકળભાઇ કરસાળા,ગાયત્રી શક્તિપીઠ, કોટડિયા વાડી, જેતપુર-360 370 જિલ્લો-રાજકોટ દ્વારા તૈયાર કરેલ આધ્યાત્મિક જ્ઞાનદાતા વેબસાઇટ 



             જેમાં શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણના આધારસ્થંભ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્માજીના વિચારક્રાંતિનામક સાહિત્યસાગરમાંથી, ગુજરાતીમાં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાક અમૃત બિંદુરૂપ સદ્ વિચારોને પસંદ કરીને આ બ્લોગમાં સંકલિત કર્યા છે.ઉપરાંત તેમાં ક્રાંતિકારી વિચારો પ્રેરતા પુસ્તકો, સુવિચારો, સુવિચારો,ગાયત્રી ઉપાસનાને લગતા મંત્ર-શ્લોક તેમજ આરોગ્યને લગતી માહિતી પૂરી પાડવામાં આવેલ છે. 

સામાન્ય વહીવટી વિભાગ, ગુજરાત


           સામાન્ય વહીવટ વિભાગ એ સરકારનો એક અગત્યનો નિયંત્રક વિભાગ છે. માન. મુખ્ય મંત્રીશ્રી આ વિભાગના મંત્રીશ્રી છે. કાર્યોની રીતે આ વિભાગ પાંચ પ્રભાગોમાં વહેચાયેલો છે. દરેક પ્રભાગનું સંચાલન સચિવશ્રી કે તેમનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારી દ્વારા કરવામાં આવે છે. અને આ વેબસાઇટને ગુજરાતીમાં પણ જોઇ શકાય છે. 


           ગુજરાત સરકારની આ વેબસાઇટ દ્વારા દરેક વિભાગના સરકારી કર્મચારીને લગતા નિયમો, પરિપત્રો, ઠરાવો, વગેરેની માહિતી મળી શકે છે.આ વેબસાઇટમાં પાંચ વિભાગ છે. 

  • કર્મચારીગણ પ્રભાગ
  • આયોજન વિભાગ
  • વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ
  • બિન-નીવાસી ભારતીયોનો વિભાગ 
  • ચુંટણી વિભાગ  

             જેમાં કર્મચારીગણ વિભાગ એ  સરકારી તમામ  ખાતાના તમામ વર્ગના કર્મચારીને લગતી માહિતી મળે છે.  જેમ કે કર્મચારી ગણ પ્રભાગ દ્વારા નામદાર રાજ્યપાલશ્રીની કચેરીને લગતી, રાજ્ય મંત્રી મડળને લગતી, સચિવશ્રીઓની બેઠકને લગતી, અખીલ ભારતીય સેવાના અધિકારીઓના મહેકમને લગતી, અંદાજપત્રને લગતી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળ, રાજ્ય ચુંટણીપંચ, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ખાતાકીય તપાસના ખાસ અધિકારીને સંલગ્ન કામગીરી કરવામાં આવે છે. સીધી ભરતી, બઢતી, બદલી, ખાતાકીત તપાસને લગતા નીતિ નિયમો ઘડવા તથા આ અન્વયે અન્ય વિભાગોને માર્ગદર્શન આપવાની કામગીરી પણ કરવામાં આવે છે. સચિવાલય સેવાના અધિકારીઓ અને કર્મચારીઓની મહેકમ/ સેવાને લગતી કામગીરી પણ આ પ્રભાગ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારના કામકાજના નિયમો , સચિવાલયમાં પ્રવેશ માટે આઇ. કાર્ડ તથા એન્ટ્રીપાસને લગતી કામગીરી, પ્રોટોકોલની કામગીરી, કર્મચારી કલ્યાણની કામગીરી તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્શનને લગતી કામગીરી પણ આ પ્રભાગ દ્વારા કરવામાં આવે છે.