Sunday 11 December 2016

૨૯ મી ડિસેમ્બર


પંડિત ઓમકારજી

             મહાન સંગીતકાર પંડિત ઓમકારનાથજી ઠાકુરનો જન્મ ઉનેવાળ બ્રાહ્મણ પરિવારમાં ભરૂચ પાસેના જહાજ ગામમાં થયો હતો. માતા-પિતાનો મધુર કંઠ વારસામાં જ તેમને મળ્યો હતો. શ્રી વિષ્ણુ દિગંબર જેવા તજજ્ઞ ગુરૂ પાસે સંગીત સાધના શરૂ કરી. પ્રસન્ન થઇને ગુરૂજીએ તેમને લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલયના મુખ્ય આચાર્ય પદે નિયુક્ત કર્યા. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્ર્રીય પરિષદોમાં તેઓએ પોતાના સુરીલા કંઠે અનેક ગીતો, ભાવગીતો, ગઝલો ગાઇને અનેક પારિતોષિકો, સન્માનો અને અભિવાદનો પ્રાપ્ત કર્યા. અપ્રતિમ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથજીએ તા. ૨૯.૧૨.૧૯૬૭ ના રોજ ચિરવિદાય લીધી.  

ચુનીલાલ મડિયા


                ચુનીલાલ મડીયાનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા ધોરાજી મુકામે તા. ૧૨.૦૮.૧૯૨૨ ના રોજ થયો હતો. તેઓ મુખ્યત્વે નવલકથાકાર, વાર્તાકાર, અને નાટ્યકાર તરીકે સુપ્રસિદ્ધ છે. ઘુઘવતા નીર’, અંત:સ્ત્રોતા’, વગેરે એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. રંગદા’, વિષ વિમોચન’, રક્તતિલક’, જેવા એકાંકી નાટકોના સંગ્રહો  અને શૂન્ય શેષ  જેવું દીર્ઘ નાટક તેમજ રામલો અને રૉબિન હૂડ જેવું હાસ્ય-કટાક્ષ નાટક આપીને એમણે ગુજરાતી નાટ્ય સાહિત્યને સઘન કર્યું છે. વ્યાજનો વારસ’, લીલુડી ધરતી’, સધરા જેસંગનો સાળો જેવી અનેક નોંધપાત્ર નવલકથાઓ આપીને એમણે ગુજરાતી નવલકથા સાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે. આ ઉપરાંત એમણે વિવેચન, નિબંધ અને કવિતાના ક્ષેત્રમાં પણ પ્રદાન કર્યું છે. તેમની કેટલીક નવલકથાઓ પરથી ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ પણ થયું છે.   

No comments: